Sunday, December 21, 2014

ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કેજે,
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કેજે
સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું,
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કેજે
બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની,
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કેજે
જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને,
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કેજે
મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે,
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કેજે
પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી,
નદીની વાત કે જળની રમતમાં આવું તો કેજે
તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગી,
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કેજે


- અશરફ ડબાવાલા
આંખમાં દ્રશ્યોને રોપી, ટેરવે આતંક દઈ,
સ્વપ્ન ક્યાં ચાલી ગયું, આ વાણીપતનો જંગ દઈ
પૂર્ણતાથી અંત પર આવીને ઊભો છું હવે,
તું ઉગારી લે મને કોઈ નવો આરંભ દઈ
હે કૃપાળુ, અંત પર થોડીક તો તું કૃપા કર,
સ્પર્શથી પરખી શકે એવા તું એને રંગ દઈ
એ અખંડિત હોય ત્યારે કંઈ કરી શકતો નથી,
પણ જશન રોશન કરે હંમેશા એનો અંશ દઈ
આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર, આપણે,
તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ
મેં હુકમ સંચારબંધીનો ચડાવ્યો શીશ પર,
તેંય રાખી લાજ, મનમાં કંઇક રમતાં છંદ દઈ
એમ કંઈ અશરફને તું ભૂંસી નહીં શકશે કદી,
તારી લીલા કે પછી લટકા સ્વરુપે ધ્વંસ દઈ


- અશરફ ડબાવાલા
અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા?
અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા?
મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે,
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા?
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા?

- અશરફ ડબાવાલા
લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
જીવન જીવી જવાની છે, તો છે તદબીર મુઠ્ઠીમાં
અગર લાગે છે તો, ખોબો જ એમાં કામ લાગે છે,
નથી ઝિલાતાં કોઈથી, નયનનાં નીર મુઠ્ઠીમાં
હશે કાં આટલી મોટી તે કિંમત, બંધ મુઠ્ઠીની,
ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશુંયે હીર મુઠ્ઠીમાં
કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઉગામી જો,
પછી તારે નહીં લેવી પડે, શમશીર મુઠ્ઠીમાં
દીવાલો દુર્ગની તોડી છે, બોલે છે તવારીખો,
મૂકી છે શક્તિ એવી સર્જકે, અક્સીર મુઠ્ઠીમાં
દુ:શાસન પણ પછી તો પાપથી નિજ ખૂબ પસ્તાયો,
કે જ્યારે નાં સમાયાં દ્રૌપદીનાં, ચીર મુઠ્ઠીમાં
મને ડર છે કે તો તો મન થશે જકડાઈ જાવાનું,
જો એનાં જુલ્ફની આવી જશે, જંજીર મુઠ્ઠીમાં
નજુમીએ કહ્યું તો યે નથી, કિસ્મત મળી અમને,
હથેળીમાં જ અંકિત છે હજી, જાગીર મુઠ્ઠીમાં
- કિસ્મત કુરેશી
મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે,
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે
દ્રશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી,
આપણી દ્રષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે
આંખના કાંઠે તો બસ બે ચાર બિન્દુ ઊભરે,
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે
સૂર્ય શો હું, આથમીને સત્ય એ સમજી શક્યો,
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે
નામ પાછળ જીંદગીભર દોડવું એળે જશે,
આખરે જે જાય છે એ તો ન-નામીહોય છે


હેમંત પુણેકર
એમ થોડો લગાવ રાખે છે,
સ્વપ્નમાં આવજાવ રાખે છે
ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી,
હલકો હલકો તણાવ રાખે છે
ફુલ શી જાત રક્ષવા માટે,
કાંટા જેવો સ્વભાવ રાખે છે
એ તો દબડાવવા સમંદરને,
ફક્ત કાગળની નાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ,
યાદ એક અણબનાવ રાખે છે


- હેમંત પુણેકર
આપને ભીંજાવવાના કોડ છે,
વાદળોમાં વરસવાની હોડ છે
આ પવન લપટાય છે ચહેરા ઉપર?
કે આ તુજ પાલવની રેશમ-સોડ છે?
સૂર્યને પણ એક દિન પડકારશું,
કોડિયાને કેવાકેવા કોડ છે
લાગે છે આગળ હવે રસ્તો નથી,
જીંદગીનો આ તે કેવો મોડ છે?
ઠોકરો ખાઈ શીખેલો કાચ છું,
તડથી બચવાની કલા તડજોડ છે


- હેમંત પુણેકર
શ્વાસથી છે સગાઇ જીવું છું,
આમ તો ખોટ ખાઇ જીવું છું
મેદનીથી કપાઇ જીવું છું,
મારી ભીતર લપાઇ જીવું છું
હું ગુનેગાર તો નથી તો પણ,
પંડથી પણ છુપાઇ જીવું છું
શ્વાસની તો નથી ગતાગમ પણ,
વાંસળીમાં પુરાઇ જીવું છું
સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
હું તો સ્મરણે સમાઇ જીવું છું
આ ગઝલ મારી છે હયાતી પણ,
તારે હાથે લખાઇ જીવું છું


- ભગવતીકુમાર શર્મા
ટેરવાઓમાં તૂટ્યા ટકોરા છતાં દ્વાર ઉઘડ્યા નહીં,
અંધ ઉંબર પે ફસડાયા ઓળા, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
એક પારેવડું અધખૂલી બારીથી બહાર ઊડી ગયું,
કૈં હવામાં તરી આવ્યાં પીછાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
સીમ ભાંગી પડી દૂરથી આંગણે આવીને હાંફતી,
ખાલીપાઓનાં ઠલવાયાં ગાડાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
ઝાંઝવાં ફાળિયું પ્હેરી ઝાકળનું ફળિયામાં ઘૂમી આવ્યા,
કાચના આભથી વરસ્યા ફોરાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
ટોડલો, કંકુથાપા, સૂકાં તોરણો, ચીતરેલા ગણેશ,
સૌએ સાંકળના તબકાવ્યાં ઘોડાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
ગૂંગળાયાં ફટાણાં, પીઠી ઊતરી, સ્તબ્ધ માણેકથંભ,
કરગર્યા કૈંક અત્તરના ફાયા, છતાં દ્વાર ઉઘડ્યા નહીં

- ભગવતીકુમાર શર્મા

Thursday, December 18, 2014

પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી,
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી
પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી,
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી,
ઠાગાઠૈયાં, ઠૂમકા, ઝૂમખા હૂંકારે અવિનાશીજી
કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી,
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી,
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી,
ધોળે દાડે નભમાં આલે અંધકારના દંગાજી,
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી

- ભગવતીકુમાર શર્મા

Sunday, December 14, 2014

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે
અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે
લખ્યુંતું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે
ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે
ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે

 ભગવતીકુમાર શર્મા
પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક ડૂબ્યાં,
પંક્તિ ફકરા અક્ષર શબ્દો શીર્ષક ડૂબ્યાં
હસ્વ ઈ-દીર્ઘ ઇ અનુસ્વાર ને કાનો માતર,
વમળ-વહેણમાં તણાઇને સૌ ભરચક ડૂબ્યાં
પંડિતના ચશ્માં, કલમો સર્જકની ડૂબી,
ધરી તર્જની લમણે શાણા ચિંતક ડૂબ્યાં
સાંકળિયાં એ, પાદટીપ ને લાલ લિસોટા,
ભીંત ઉપરની ઘડિયાળોનાં લોલક ડૂબ્યાં
જળજળ બંબાકાર કબૂતર અને છાજલી,
તૈલીચિત્ર પાછળનાં ચીંચીં-ચકચક ડૂબ્યાં
આંગળીઓની છાપ અને દ્રષ્ટિના સ્પર્શો,
પુસ્તક સાથે ઘણા સંભવિત વાચક ડૂબ્યાં
કાકમંજરી કુમુદસુન્દરી સાર્ત્ર ગયા ક્યાં?
મન્દાક્રાન્તા, વસંતતિલકા, તોટક ડૂબ્યાં

કાળમુખા જળદાનવ, તારું ગજું કેટલું?
કાલ જન્મશે જ્ઞાન આજ જે અઢળક ડૂબ્યાં

ભગવતીકુમાર શર્મા
વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન
તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે! આ તો પવન
શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન

ભગવતીકુમાર શર્મા
હસવા માટે સમય કાઢો,
કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે. 
વિચારવા માટે સમય કાઢો,
કેમકે વિચાર એ શક્તિનો સ્ત્રોત છે.

વાંચવા માટે સમય કાઢો,
કેમ કે વાચન એ વિદ્વતાનો પાયો છે.

રમવા માટે માટે સમય કાઢો,
કેમ કે રમત ગમત એ યુવાન રહેવાની ચાવી છે.

મૌન પાળવા માટે સમય કાઢો,
કેમ કે મૌન એ ભગવાન પ્રાપ્તિ માટેની તક છે.

સમજણ કેળવવા માટે સમય કાઢો,
કેમ કે સમજણથી જ બીજાને મદદ કરી શકાય છે..

લોકોને પ્રેમ આપવા અને પ્રેમ લેવા માટે સમય કાઢો,
કેમકે પ્રેમ એ જ પ્રભુની એક મોટી ભેટ છે.

મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,
કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે.

સ્વપ્નશીલ બનવાનો સમય કાઢો,
કેમકે સ્વપ્નોથી જ ભવિષ્ય બનાવી શકાય છે. 

અને છેલ્લે,
પ્રભુ પ્રાર્થના માટે તો સમય કાઢો જ કાઢો,
કેમકે, પ્રભુ એ જ આ જગત ઉપરની એક મહાસત્તા છે.

વિનોદ પટેલ
હે પ્રભુ, આવા પ્રશ્નો મનમાં થયા કરે ,
તું છે ? ક્યાં છે ? છે, તો દેખાય કેમ નહિ ?
પણ ક્ષણમાં મન જ જવાબ આપી દે,
ફૂલોના રંગો અને એની સુગંધમાં તું છે,
પતંગીયાની પાંખની રંગોળીમાં તું છે,
ઘટાદાર કબીર વડના બીજમાં તું છે,
આકાશમાં ઉડતા પંખીની પાંખમાં તું છે,
દરિયાઈ માછલીના ભૂતળ તરણમાં તું છે.
મેઘ ધનુષ્યના મનમોહક રંગોમાં તું છે ,
ઉષાની લાલી ,સંધ્યાની કાલીમામાં તું છે,
દરીયાની ભરતી,ઓટ અને સુનામીમાં તું છે,
પર્વત ટોચેથી વહેતા લાવારસમાં તું છે,
માતાના ગર્ભ અને પ્રસુતિ પીડામાં તું છે,
માતાના પ્રેમ અને શિશુના સ્મિતમાં તું છે,
કેમ ભૂલું છું, જ્યાં જ્યાં નજર કરું છું હું,
અત્ર ,તત્ર,સર્વત્ર જે દેખાય એ જ તું છે,
પ્રભુ મને એવી દિવ્ય દ્રષ્ટિ આપ કે જેથી,
તને સાચા સ્વરૂપે હર હંમેશ નીરખી શકું,
તારામય બની ,જીવન ધન્ય બનાવી શકું.

વિનોદ પટેલ
પાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?
સ્વપ્નમાં વહેતીતી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?
મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

- રમેશ પારેખ

Tuesday, December 9, 2014

મને ખુશ્બુ ની જેટલું તું વ્હાલ કર ..!!
નીકળ્યો'તો પાંચમી દિશા ને અડકવા
એ હાથ મારો ખોવાયો ધૂળ માં
દરિયા ની જેમ મને કાઠે ના ફેક
મારા મૂળ ને તું રોપ તારા મૂળ માં
તારા ઉત્સવમાં ઉડતો ગુલાલ કર,
મને ખુશ્બુ ની જેટલું તું વ્હાલ કર ..!!
ચાહું છું જેટલું હું ખોવાયા હાથ ને
એટલી ચાહું છું તને, સોના..!!
તું ને મારો હાથ બેઉ નક્કી કરો કે
મારી આંખના આ ઝળઝળિયાં કોના??
મને ફૂલો ની જેમ ના સવાલ કર
મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!!
રમેશ પારેખ
પૂછો કે pen માં ય ફરે ઝાંઝવા, તો હા 
પૂછો કે હોય ત્યાં ય હરણ બ્હાવારાં, તો હા
એવું ય ઘર હતું જ્યાં ઊગી'તી લીલોતરી 
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા
દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ 
પૂછો લીલા બાગ સુકાઈ ગયા, તો હા
આંખો બની રહી છે અકસ્માતના ખબર 
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા
છટકી ગયું કોઈ પ્રતિબિંબમાંથી બ્હાર
પૂછો કે દર્પણમાં હતા બારણાં, તો હા

ત્રણ અક્ષરમાં માપી લીધું વિશ્વને 'રમેશ'
પૂછો કે એનું નામ હતું વેદના, તો હા 
રમેશ પારેખ
જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે
દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
એ હજી સાવ સલામત છે અમારી પાસે
આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
કે બધા ભેદ અનામત છે અમારી પાસે
કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
કંઈક એવીય કરામત છે અમારી પાસે
પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
કે દલીલિ તો અકારત છે અમારી પાસે

રાહ ક્યાં જોઈએ આગામી કયામતની મરીઝ’?
એક અમારીય કયામત છે અમારી પાસે

– મરીઝ

Monday, December 8, 2014

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો
પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો
શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો
આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો
અંતમાં અશરફ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો

- અશરફ ડબાવાલા
દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો,
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે,
ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત,
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત,
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત,
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં,
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં
હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે,
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે,
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે,
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર,
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર
તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે,
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે,
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા,
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા
ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં,
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં,
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની,
ભુખના દાડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને

શૂન્ય પાલનપુરી