Sunday, May 31, 2020

રાધાની છાતી પર ઝૂકીને કોક વાર રોયા હશે ઘનશ્યામ
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી શ્યામળી જમનાનું નામ.
રાધાના સ્કંધ પર ઢાળીને શીશ ક્હાન ટહુક્યા હશે એવું વેણ
ઓઢણીને દાંતમાં દાબીને રાધાને ઢાળી દીધા હશે નેણ
સૌરભના મધપુડા બંધાયા હશે પછી વૃંદાવને ફૂલફૂલમાં
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં
રાધાને કાંઠડે બેસીને ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ
ક્હાનજીની છાતીએ ઘોળાયુ હશે પછી રાધાનું કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.
– કિસન સોસા

Saturday, May 30, 2020

વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ
આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ
કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ
સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો…..
દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ
આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ
અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએ

મેધનાદ ભટ્ટ 

વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ ,
એને બોલું તો કેમ કરી બોલું ?
ઉરનું આ દ્વાર એ તો પ્રિતમ નું ધામ ,
એને ખોલુ તો કેમ કરી ખોલુ ?
તમે બોલ્યાં જ્યાં નામ હું તો ભૂલી પડી ,
હું તો શમણાં માં ક્યાંક ક્યાંક ઘૂમી વળી .
અરે !મનથી એ નામ મીઠું ચુમી વળી !
સોનાનું નામ મારુ પાડેલું નામ ,
એને બોલું તો કેમ કરી બોલું ?
મારા મનની મંજુશા ની મોંઘી મૂડી ,
કોઈ બોલે જ્યાં નામ મારી ખણકે ચુડી ,
મને પાંખો ફૂટે ને હું તો જાઉ ઊડી ,
મનના ગોકુલીયા માં નટખટ નું નામ
એને બોલું તો કેમ કરી બોલું .
-સુધીર દેસાઈ

Wednesday, May 20, 2020

મે તો યમુનાના વેણમાં રાધાને ચીતરી ને
પાંદડા પર ચીતર્યાંતા શ્યામ ને,
વાંસળીના સૂરની નૌકા કરીને મેંતો
ગજવ્યો મીરાના મુકામને.....

વહેતી હવાએ પહેર્યા મીરાના ઘૂંઘરૂને
ઘટ ઘટ માં મારા નાચી રે,
ઘૂંઘટના પટને ખોલ્યો ના ખોલ્યો ને
કાનજીની કુંડળીઓ વાંચી રે,
પોતાની ગરજે જો ગિરધર પધારશે
મૂકી મુગટના દમામ ને.....

એક દિવસ મધરાતે મીરાના મંદિરમાં
શ્યામે સંસારને ઊઘાડયો રે,
રાણાના ગઢને તેં ટચલી આંગળીએ
આખો એ આખો ઉપાડ્યો રે,
મીરા તો મોહનની મુરલી થઈ ગઈ
ઓગાળી દીધું નિજ નામ ને....
.સુરેશ દલાલ


Monday, May 11, 2020

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

– ‘સૈફ’ પાલનપુરી

ફૂલ નહિ..
પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ..
ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે...
નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો...
મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે...
મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે.
મને તો બસ આમ જ
મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે.
અજ્ઞાત

ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં
કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?

આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની
તે ભૂલા પડવાથી હવે ડરીએ ?
મારગ ને પગલાંને મોજ પડી જાય
એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે
ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે બોલો ?

વગડે વેરાન હારે વાતું મંડાણી ને
મન થયું ઊગ્યા તો ઊગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ,
ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ
એમાં પોપટ બેસે કે વળી હોલો !
અમને શું ફેર પડે બોલો ?

આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા
તે કાંઠે જઈ માથાં પછાડીએ ?
એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે
ને તો જ અમે બારણું ઉઘાડીએ
બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો
કે રંધા મારીને તમે છોલો!
અમને શું ફેર પડે બોલો ?

– કૃષ્ણ દવે


હરિવર, તમને હાથવગા હું રાખું..
વારેવારે ક્યાં જઇ ગોતું ? ગૂંજામાં હું રાખુ..
હરિવર, તમને હાથવગા હું રાખું..

ઘડીક રેઢા મેલું તો તો છટકી જશો વા'લા !
ઝુરાપામાં રોઈ રોઈને શીદને મરીએ ઠાલાં !
ચાહું ત્યારે ચગળું તમને, ચાહું ત્યારે ચાખું..
હરિવર, તમને હાથવગા હું રાખું..

અત્તરનું પોતું થઇ વા'લા મધમધ વાતું કરજો...!
આંખ્યુંની ઓસરીએ વા'લા થીર થઇને ઠરજો..
અંતરની એકાંત્યે મારા ભીતરની હું ભાખું...
હરિવર, તમને હાથવગા હું રાખું...

Friday, May 8, 2020

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
તમે પાંપણને પલકારે…
આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
તમે પાંપણને પલકારે…
આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
તમે પાંપણને પલકારે…

 હરીન્દ્ર દવે

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં
અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.
અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.
અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી
તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં
– અનિલ જોશી
અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાઓ રોજ રોજ કાંઠે
અમે જોયું છે સાવ સગી આંખે
એને જોવાને જઈએ ભઈ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન
રેતીને સ્પર્શી એ તો ફૂટે છે ગીત અને અંગુલી થઈ જાયે પેન
છીપલાના ઓરડાથી શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે
અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાને જેમ અમે મળવા જઈએને એમ દરિયો પણ આવે છે મળવા
સોરી હો ‘પ્રેમ ‘ જરા બીઝી હતોને… મને દેખીને લાગે કરગરવા
મૂકીને મન પછી ભેટવાને આવે ને બોજ બધો ઊતારી નાખે
અમે જોયું છે સાવ સગી આંખે
– જિગર જોષી ‘પ્રેમ’
દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી
દરિયો રેલાય મારી આંખમાં

દરિયાને જોઇ…

છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા
દરિયાને સપનું એક આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ
માછલીને મીઠું જળ પાયું

માછલીની વાત હોય સાચી સાચી
ને એક સપનું ઘેરાય તારી આંખમાં

દરિયાને જોઇ…

ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી
ઓળઘોળ અંકાતી રેતી
ઝુકેલી ડાળખીને સાન-ભાન-માન નહીં
દરિયામાં વાત થઇ વ્હેતી

વ્હેતી એ વાત બની વાંસળીના સૂર
મોરપિઁછુ લહેરાય તારી આંખમાં

દરિયાને જોઇ હું તો…

-પ્રફુલ્લા વોરા

Thursday, May 7, 2020

તું રાધા કેમ રીસાણી છે?
તારી આંખો કેમ ભીંજાણી?
તું મનમાં કેમ મુંઝાણી છે,
તારી આંખ કેમ ભીંજાણી?
કહે કડવા વેણ કહ્યાં તુજને,
તારા મનનું દુ:ખ તું કહે મુજને
તું દિલમાં કેમ દુભાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
વ્રજ નારી ઘણી છે મતવાલી,
તે સૌ માં તું મુજને વ્હાલી,
મારા હ્રદય કમળની તું રાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
તને બંસી ગમે તો બંસી દઉં,
જીવનભર તારો થઇ ને રહું,
તારી વેણી કેમ વિખાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
તારા આસુંડા હું લૂંછી નાખું,
તારું નામ સદા આગળ રાખું
એ સાચી મારી વાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?
રાધાને રીઝાવી ગાવિંદનાથે,
વા’લા રાસ રમ્યા સૌની સાથે,
એવી પ્રિત પ્રભુની પુરાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

*એકલા હોવાનું શાને રોઈએ,
મોતી માફક જ્યાં ચળકતા હોઈએ.
આંખ, કાગળ, પુસ્તકો કે જિંદગી-
વાંચવાની ટેવ હોવી જોઈએ!*
શું તમન્ના લઈને અવતરતી હશે?
કેટલું ઢાંક્યું ઢબુર્યું સોઈએ!*ઝાંઝરી રણકી રહી વર્ષો પછી,
પ્રેમની ઝાલર વગાડી કોઈએ?
ઘાવ દૂઝવા એ પછી મંજૂર છે;*ફક્ત લોહીમાં ગઝલતા જોઈએ.
કોઇને નફરત કરું કેવી રીતે,
નામ ‘નેહા’ પાડી દીધું ફોઈએ!
*– નેહા પુરોહિત

Monday, May 4, 2020

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી
આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી
આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તર રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી
બાલમુકુન્દ દવે