Wednesday, May 25, 2016

તને જોઇ જોઇ તો ય તું અજાણી,
જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.
વ્યોમ ને વસુંઘરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તો ય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી.
પોઢેલો મૃગ મારા મનનો મરુવને,જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજરે તો ઝાંઝવાનાં પાણી !

– રાજેન્દ્ર શાહ


 !


હરિવર મુજને હરી ગયો
મેં તો વ્હાલ કીધું નો’તું ને, તોયે મુજને વરી ગયો,
હરિવર મુજને હરી ગયો….
અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રિતી ?
હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ,
એ તો મુજ કંઠે બે કર થી, વરમાળા રે ધરી ગયો,
હરિવર મુજને હરી ગયો…..
સપનામાંયે જે ના દીઠું, એ જાગીને જોઉં,
આ તે સુખછે કે દુ:ખ મીઠું? રે હસવું કે રોવું?
ના સમજુ તોયે સહેવાતું, એવુંજ એ કઈ કરી ગયો
હરિવર મુજને હરી ગયો…..

નિરંજન ભગત 

Thursday, May 19, 2016

હરિવર  ઊતરી આવ્યા નભથી  ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું   ને  થયો  હરિનો  સીધો સાક્ષાત્કાર

ફૂંક  હરિએ  હળવી  મારી,  ગાયબ  બળભળ  લૂ
શ્વાસ  હરિના  પ્રસર્યાં  માટી  સ્વયં  બની  ખુશબૂ

ખોંખારો  હરિએ  ખાધો  ને  વાદળ ગરજ્યાં  ઘોર
સ્હેજ વાંસળી હોઠ અડાડી,  ટહૂક્યાં  મનભર મોર

ત્રિભુવનમોહન  નેત્રપલક ને  ઝળળ વીજ ચમકાર
જળ વરસ્યું   ને  થયો  હરિનો  સીધો  સાક્ષાત્કાર

વાદળમાં  ઘોળાયો  હરિનો  રંગ  સભર ઘનશ્યામ
હરિ  પગલે આ ગલી બની  શ્રાવણનું  ગોકુળગામ

પ્રેમ અમલ રસ  હરિને  હૈયે   તેનું  આ   ચોમાસું
નામસ્મરણને  શબ્દે  નભને   નેણથી  વહેતાં આંસુ

મેઘધનુષમાં   મોરપિચ્છના   સર્વ   રંગ    સાકાર
જળ વરસ્યું   ને  થયો  હરિનો  સીધો  સાક્ષાત્કાર

-ભગવતીકુમાર શર્મા

રાધાએ સાડીને કપબોર્ડમાં મૂકી,
અને પહેરવા માંડયું છે હવે પેન્ટ...
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ?
બિચારો શ્યામ ઘણો કન્ફયુઝ થયો છે
એને રાધાની લાગ્યા કરે બીક.
કે વાંસળીના સૂર થી ના રાધા રોકાય;
એને વાંસળીથી આવે છે છીંક.
રાધા તો પ્લાસ્ટીકનાં ફૂલ ગુંથે કેશ માં,
'
ને ઉપર લગાવે છે સેન્ટ.
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ?
રાધા કહે તમે માખણના બદલામાં,
ચોરી લાવો હીરાનો હાર.
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહી,
શ્યામ તમે લઈ આવો મારુતી કાર.
રહેવાને ફલેટ મારે જોઈશે ઓ શ્યામ,
મને નહી ફાવે તારો આ ટેન્ટ.
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ?
વ્રુંદાવને શ્યામ મને મળવું ગમે નહી,
તું મળવાને હોટલમાં આવ.
મારી સહેલીઓને ઈમ્પ્રેસ કરવાને,
તું હાથોમાં સેલ્યુલર લાવ.

રાધાતો ઠીક ઓલી ગોપીઓય આજકાલ,
શ્યામની કરે છે કોમેંટ.
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ?
unknown