Saturday, May 31, 2014

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

-દેવદાસ ‘અમીર’

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

- અનિલ જોષી


સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.

ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.

એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.
સખી મધરાતે એકવાર..

ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.
ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.
સખી મધરાતે એકવાર..
- ભાસ્કર વોરા

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશીની
સહિયારી રચના


દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ?
ને કેમ કરી તમને તે ફાવશે ?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા !
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે
તમે પાદરની વાટને મઠારતા.
મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ
હવે સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા
ને ક્યાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં ય એક રાધાની
તમે પાસે અનાયાસે હારતા.
રાજ તણી રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

ગોકુળિયું ગામ યાદ આવશે…

- મહેશ શાહ

Friday, May 30, 2014

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
લેસન પડતું મુકી ફિલમ ફિલમ રમવા બેઠા
મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મુંગી
દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું ફિલમ પાડુ ત્યારે જોવા આવે છે ચંદુ
કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બિક લાગતા ચંદુડીયાએ બુમાબુમ ચગાવી
ઓ મા… ઓ મા……
દોડમ દોડ ઉપર આવી પહોચ્યા મમ્મી પપ્પા
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

-રમેશ પારેખ