Tuesday, February 22, 2022

ચોકલેટથી અદ્વૈત!



ચાલને  ચોકલેટ  ચોકલેટ રમીએ!
લઈ મીઠાશ એકબીજાને ગમીએ! 

ચોકલેટ સંગાથે બાળપણ કિલ્લોલતું;
એ મધુર સ્મૃતિ ચાલ ફરી વાગોળીએ! 

ચોકલેટ તો એ જ પણ હેતુ બદલી ગયો, 
હવે પ્રેમ-વિશ્વ મધુરપથી છલકાવીએ!

ગુણાવગુણ  સહ જો બનાવે ભરથાર; 
તવ સથવારે ભવોભવ શણગારીએ! 

મન-મંદિરમાં કેવળ છે મૂરત તારી! 
સ્મિત ધરી *સ્વયં* અદ્વૈતભાવે રહીએ!
 ડૉ. સંજય પટેલ 'સ્વયં'
 

Wednesday, February 16, 2022

એક હળવા મિજાજનું ગીત ..



ઝીણુંઝીણું હાંભળતા સીખ
ઓ વાલામૂવા ઝીણુંઝીણું હાંભળતા સીખ !!
ઈ ઝ હાચી પ્રિત્યુંની રીત 
ઓ વાલામૂવા ઝીણુંઝીણું હાંભળતા સીખ !!

તારે સરમ હાર્યે છતરીહનો આંકડો
હાહુના બેટડા હાલે સું વાંકડો
સીટીયુથી ગજવે પસીત..
ઓ વાલામૂવા ઝીણુંઝીણું હાંભળતા સીખ !!

મારે હાચવવાની જાડેરી હાહરી,
નણદુ ઝેઠાણી સે હાહુથી આકરી,
ટોકે મોભારા ને ભીંત..
ઓ વાલામૂવા ઝીણુંઝીણું હાંભળતા સીખ !!

ઝીણુંઝીણું બોલે કંદોરાની ઘૂઘરી,
કાન દૈને હાંભળે પાડોસણ નુગરી,
મારે મરજાદા ને બીક !
ઓ વાલામૂવા ઝીણુંઝીણું હાંભળતા સીખ !!

નેહા પુરોહિત


Saturday, February 12, 2022

આબરૂ જળવાઈ ગઈ

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ.
માવજત માળીની બસ વીસરાઈ ગઈ.

વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ.

કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.

મેં ગુમાવી એમ મારી મુગ્ધતા,
જેમ દરિયામાં નદી ખોવાઈ ગઈ.

તોપના મોઢે કબૂતર ચીતર્યું,
લાલ રંગોળી છતાં પુરાઈ ગઈ.

~ ગૌરાંગ ઠાકર

Sunday, February 6, 2022

દિવડો

સકલ  મારું  ઝળહળ
મેં  તો  ઉંબર  પર  દીવડો  મેલ્યો
કે  ઘર  મારું  ઝળહળતું
પછી  અંધારો  ઓરડો  ઠેલ્યો
ભીતર મારું ઝળહળતું ….મેં તો

મેં  તો  મેડી  પર  દીવડો  મેલ્યો
કે મન  મારું  ઝળહળતું
પછી ડમરો રેલમછેલ    રેલ્યો
કે  વન  મારું  ઝળહળતું    મેં તો

મેં  તો કૂવા  પર   દીવડો  મેલ્યો
કે  જળ  મારું   ઝળહળતું
પછી  છાયામાં  છાયો  સંકેલ્યો
કે  સકલ  મારું  ઝળહળતું ….મેં  તો

મેં  તો  ખેતર  પર  દીવડો   મેલ્યો
કે  પાદર  મારું  ઝળહળતું
પછી  અવસર  અજવાળાનો  ખેલ્યો
કે અંતર મારું ઝળહળતું …..મેં તો

મેં  તો  ડુંગર  પર  દીવડો   મેલ્યો
કે  ગગન  મારું   ઝળહળતું
પછી  અણદીઠો   અક્ષર ઉકેલ્યો
કે  ભવન  મારું  ઝળહળતું  …..મેં તો

-દલપત પઢીયાર 



Wednesday, February 2, 2022

માં વિશે

કાગળો ટૂંકા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં;
શબ્દ સૌ ફિક્કા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.

એ નથી, એ માનવા દેતી નથી જો હૂંફ એની;
દાક્તરો જુઠ્ઠા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.

આ કલમ કે સ્યાહી ખૂટે તો બીજા લાવી શકું પણ;
શ્વાસ આ ઓછા પડ્યા જ્યાં,  
મા વિશે લખવા ગયો ત્યાં.

આ જગતની હર સમસ્યા એકદમ ભાંગી પડી ને;
પ્રશ્ન સૌ પોચા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.

ઈશને આકાર લેવા મન થયું, માતા તરીકે;
અર્થના પડઘા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.


વાટ મારી જોઈ જોઈ રાખતી‘તી આંખ ભીની;
અશ્રુના પડદા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.

ડૉ. મુકેશ જોષી