Tuesday, June 30, 2020

કમાડે ચીતર્યા મેં લાભ અને શુભ
અને આલેખ્યા શ્રી સવા પાને
સુખ આવશે અમારે સરનામે

તાબાના તરભાણે કંકુ લીધું
ને એમાં આચમની પાણીની ઢોળી
જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ
હળવે હળવેથી રહી ઘોળી
સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા
પછી કહેવાનું શું ય હોય ગામે ?
સુખ આવશે અમારે સરનામે

અવસરના તોરણિયા લીલું હસે
ને કહે : હૈયામાં હેત ભરી આવો
લાખેણી લાગણીઓ લ્હેરાતી જાય
કહે : લૂંટી લ્યો વ્હાલ ભર્યો લ્હાવો
મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી ક
દોડી આવી છું હું જ સામે
સુખ આવશે અમારે સરનામે

નાનુંશું આયખું, ને મોટેરી આશા
એમાં થઈ જાતી કેટલીય ભૂલ
ખીલવા ને ખરવાની વચ્ચે સુગંધ થઈ
જીવતાં જાણે છે આ ફૂલ
સંબંધાવું તો છે મ્હેક મ્હેક થાવું
એને મૂલવી શકાય નહીં આમે
સુખ આવશે અમારે સરનામે.
તુષાર શુક્લ

Thursday, June 25, 2020

ઝરમર વરસે ઝીણી

        ઝરમર વરસે ઝીણી
થાય મને કે લઉં પાંપણથી વીણી

વર્ષાની ધારાઓ સાથે
               આભ પીગળતું ચાલે,
ધણ વાદળનાં વીજ ચાબખે
                  પવન હાંકતો ચાલે !

માટીમાંથી સુગંધ ફોરતી ભીની
       ઝરમર વરસે ઝીણી

ઘેરાયા આ મેઘની વચ્ચે
            રહી રહી ઢોલ ઢબૂકે,
હૈયામાં ગોરંભા વચ્ચે
           રહી રહી વીજ ઝબૂકે!

રોમે રોમે અગન ઊઠે છે તીણી
      ઝરમર વરસે ઝીણી
- યોગેશ જોષી

Sunday, June 21, 2020

ફાંટ ભરીને શબ્દો દીધાં કરિયાવરમાં કાગળ,
પપ્પા તમને દરિયો કહું ? કે કહું ગમતીલું વાદળ ?
કાલ સુધી તો ચાંદામામાની વાતો કહેતા’તા,
ધીમે ધીમે કાળ નદીની લહેરોમાં વહેતા’તા,
આપણ બન્ને ત્યાં ના ત્યાં ને ઉમ્મર ભાગી આગળ,
પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ?
ચપટીમૂઠી સપનાં સાથે દીધી ખુલ્લી આંખો,
સહેજ હજું ફફડાવી ત્યાં તો ખોલી આપી પાંખો,
આંગળ ઝાલી રાખે તો યે પોતે ચાલે પાછળ,
પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ ?
હળવે હળવે દેખાડી છે સમજણ નામે શેરી,
શ્રદ્ધાની બંધાવી આપી નાની અમથી દેરી,
વ્હાલ ખજાનો લૂંટાવી દે કદી ન મારે સાંકળ,
પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ ?
–પારુલ ખખ્ખર

મારા સપના માં આવ્યા હરી
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી,
સામે મરકત મરકત ઊભા
મારા મનની દ્વારિકાના સુબા,
મારા આંસુને લુછયા જરી,
આંધણ મેલ્યા’તા કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરી બોલ્યા : અરે બ્હાવરી …!
– રમેશ પારેખ

મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણીકૂણી પીંછી ફરી
ઘડી હું ફૂંક ને હું જ બંસરી
ઘડી ડું જ હરિવર નકરી
મને ખબર્યું ન પડતી ખરી …
પળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી
હરિ સોંસરવી હું સંચરી …
કવિ – રમેશ પારેખ
મારા ઓરડામાં આવ્યા હરિ
મને આંખોથી ચાખીને એંઠી કરી
 .
મારાં કુંવારકા વ્રત બટક્યાં
હરિ રુંવે રુંવે એવું ચટક્યા
એની સોડે અવશ હું સરી…
.
હું તો આંસુની ખારી તલાવડી
ઓહો, તરસ્યું હરિવરને આવડી !
એણે હોઠ ઝપ્પ દીધા ધરી…
 .
( રમેશ પારેખ )
મારા ફળિયામાં આવ્યા હરિ
મને અણથક આંખોથી દેખતી કરી.
.
મારી ધૂળભરી ઓસરીમાં બેઠા
મારે કાજ અસખ કેવાં વેઠ્યાં !
હું તો નઘરોળ લાજી મરી…
 .
હરિને જોયા આંસુની સોંસરા
હરિ બોલ્યા : ‘ના થઈએ અણોસરા
કદી ખોઈએ નહીં ખાતરી…’

રમેશ પારેખ

Saturday, June 20, 2020

હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય.
ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય;
જૌહરકી ગતિ જૌહરી જાણૈ, કી જિન જૌહર હોય.
સૂલી ઉપર સેજ હમારી, સોવણ કિસ બિધ હોય.
ગગનમંડલ પર સેજ પિયાકી, કિસ બિધ મિલણા હોય?
દરદકી મારી બન-બન ડોલું, બૈદ મિલ્યા નહીં કોય;
મીરાંકી પ્રભુ પીર મિટેગી, જબ બૈદ સાંવળિયા હોય.
– મીરાંબાઈ

Sunday, June 14, 2020

હરિ તમે પારિજાતનું ઝાડ……
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ….હરિ.

શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.

તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ……હરિ.

ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.

તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.

હરિ તમે પારિજાતનું ઝાડ………..

-ભગવતીકુમાર શર્મા