Sunday, June 21, 2020

ફાંટ ભરીને શબ્દો દીધાં કરિયાવરમાં કાગળ,
પપ્પા તમને દરિયો કહું ? કે કહું ગમતીલું વાદળ ?
કાલ સુધી તો ચાંદામામાની વાતો કહેતા’તા,
ધીમે ધીમે કાળ નદીની લહેરોમાં વહેતા’તા,
આપણ બન્ને ત્યાં ના ત્યાં ને ઉમ્મર ભાગી આગળ,
પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ?
ચપટીમૂઠી સપનાં સાથે દીધી ખુલ્લી આંખો,
સહેજ હજું ફફડાવી ત્યાં તો ખોલી આપી પાંખો,
આંગળ ઝાલી રાખે તો યે પોતે ચાલે પાછળ,
પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ ?
હળવે હળવે દેખાડી છે સમજણ નામે શેરી,
શ્રદ્ધાની બંધાવી આપી નાની અમથી દેરી,
વ્હાલ ખજાનો લૂંટાવી દે કદી ન મારે સાંકળ,
પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ ?
–પારુલ ખખ્ખર

No comments:

Post a Comment