Thursday, June 25, 2015

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
- રમેશ પારેખ
કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.
માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની
કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની
– અશરફ ડબાવાલા
હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

– મુકેશ જોષી

Wednesday, June 3, 2015

હરિવર મુજને હરી ગયો
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે
મુજને વરી ગયો
હું શું જાણું પ્રીતિ
અબુધ અંતરની હું નારી
મુજ હૈયે છે ગીતિ
હું શું જાણું કામણગારી
સપનામાંયે જે ના દીઠું
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો
રે હસવું કે રોવું
એ જાગીને જોવું આ તે સુખ છે કે દુઃખ મીઠું
હરિવર મુજને હરી ગયો
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો
-નિરંજન ભગત
ટહૂકે વસંત કુંજ કોકિલા રે લોલ ઘરમાં ભાભીના એવા ગીત રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ વીરા મારાની મધુર મોરલી રે લોલ નવલા એ રાગ વહે નિત્ય રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ છોડી પિયરની એણે પાલખી રે લોલ મૂકી માયાભરી માત રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ વહાલાનો સંગ કર્યો વેગળો રે લોલ મારા એ બન્ધવાને માટ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ ખાંતનાં ભરેલ ત્યજ્યાં ખેલણાં રે લોલ છોડ્યો બાળાપણ વેશ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ સાધી શકે ન અમરસુન્દરી રે લોલ એવો અમોલ એનો ત્યાગ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ શાં શાં તે મૂલ એનાં આંકીએ રે લોલ શાં શાં સમર્પીએ સોહાગ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ એને માડીનો સોહે મોડિયો રે લોલ રૂડાં દાદાજીના રાજ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ વહાલ અખંડ મારા વીરનું રે લોલ લાખ ટકાની કુળ લાજ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ એને મંદિર, એને માળિયાં રે લોલ સોળે સજાવું શણગાર રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ એને તે કોષ તણી કૂંચીઓ રે લોલ હીરા ને મોતી હજાર રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ એ તો અમારી અન્નપૂરણા રે લોલ વીરાના વંશ કેરી વેલ્ય રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ હસતી ઉષા એ અમ આભની રે લોલ રઢિયાળી રંગડાની રેલ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ માડીજાયો તે મધુર મોરલો રે લોલ ભાભી ઢળકતી શી ઢેલ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ વીરો મહેરામણ મીઠડો રે લોલ શીળી સરિતની એ સેર રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ ચળકે સદાય એનો ચાંદલો રે લોલ જીવો એ જુગ જુગ જોડ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ હૈયાં એ હેતભર્યાં હીંચજો રે લોલ પૂરો પ્રભુજી એના કોડ રે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ
-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલી વહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી હિંચોળી ગીત મીઠાં ગાતી દૂધ મીઠું પાતી, મને તો બા લાગે વહાલી જે માગું તે સઘળું દેતી બચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી હસું રમું તો રાજી થાતી રડું તો મૂંઝાતી, મને તો બા લાગે વહાલી વાંક બધા યે માફ કરીને મારા ગુણ ગાતી, મને તો બા લાગે વહાલી -ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા તો શું રે જવાબ દઈશ માધા તારું તે નામ તને યાદ નો'તું તે દિ'થી રાધાનું નામ હતું હોઠે ઠકરાણાં-પટરાણાં કેટલાય હતા તો યે રાધા રમતી'તી સાત કોઠે રાધાવિણ વાંસળીના વેણ નહીં વાગે શીદને સોગંદ એવા ખાધા તો શું રે જવાબ દઈશ માધા રાધાના પગલામાં વાવ્યું વનરાવન ફાગણ બની એમાં મહેક્યો રાધાના એકેકા શ્વાસ તણે ટોડલે અષાઢી મોર બની ગહેક્યો આજ આઘેરાં થઈ ગ્યાં કાં રાધા ને વાંસળી એવા તે શું પડ્યા વાંધા તો શું રે જવાબ દઈશ માધા ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન ઘડીકમાં મથુરાના મહેલ ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ ઘડીક કુબ્જા સંગ ગેલ હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન સ્નેહમાં તે હોય આવા સાંધા તો શું રે જવાબ દઈશ માધા કૃષ્ણનો જવાબ ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા એ તો પંડ્યે છે પહેરવાના વાઘા રાજીપો હોય તો અંગ પર ઓઢીયે નહીં તો રખાય એને આઘા આ સઘળો સંસાર મારા સોળે શણગાર પણ અંતરનો આતમ એક રાધા હવે પૂછશો મા કોણ હતી રાધા -ઈસુભાઈ આયદાન ગઢવી
સ્માઈલ તો લાવો… – કૃષ્ણ દવે
ધોધમાર ચોમાસું આંગણે ઊભું ને સાવ આ રીતે ક્યો છો કે ‘આવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
છલકાતી વાદળીને સ્ક્વેર ફૂટ માપીને આમ જ કહેવાનું ‘વરસાવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
સારા નસીબ છે તે સામે ચાલીને આવા અવસર ભીંજાવાના આવ્યા
બાકી તો આપશ્રીને વાછંટની જગ્યાએ આંખ્યુમાં તડકા ત્રોફાવ્યા
વીજળી ચમકે ને વળી વાદળ ગર્જે ને તમે ત્યારે પણ ક્યો છો ? ‘સમજાવો’
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
ઝાકળ, ઝરણું કે નાનકડી લ્હેરખી શું ? અંતરથી આવકાર્યા કોઈને ?
વાદળ પર બાર ગાઉ છેટા ભાગે છે હવે બુંધિયાળ પડછાયો જોઈને
ઉપરથી નોટિસ ફટકારી કહો છો ‘નહીં વરસ્યા’ના કારણ દર્શાવો
થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો
– કૃષ્ણ દવે