Sunday, July 26, 2015

ઝરણાંને એક દિ’ આવ્યો વિચાર કે વાદળ બનું તો કેવું સારું ?
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
બુંદ-બુંદ વરસીને સ્વાતિમાં તૃષિત ચાતકની ઠારી દઉં પ્યાસ,
ધોધમાર વરસીને લાવી દઉં હેઠે હું ખેડૂતને ચઢેલો શ્વાસ,
સૂક્કીભઠ ધરાનું રોમ-રોમ ભીંજવી લીલ્લેરા તોરણે સંવારું.
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
માસૂમ શીશુના અંગોને સ્પર્શું ને યૌવનને કરું ઓળઘોળ,
આખ્ખીય સૃષ્ટિ મ્હાલી ઊઠે જાણે વરસ બેઠું હોય સોળ,
દરિયામાં વરસીને મારે શું કામ ?  દરિયાનું પાણી તો ખારું.
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
– દિનેશ ડોંગરે ‘નાદાન’
કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે ?
આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે !
જંગલોમાં જઈ કરે તપ એને ક્યાંથી હો ખબર?
શહેરની આ જિંદગી પણ એક ધૂણી હોય છે!
વાત માણસની સરળકોણી થશે ક્યારેય પણ ?
એ સદા બહુકોણી અથવા કાટખૂણી હોય છે !
હું ય માણસ છું, મને સ્વીકાર સૌ ભૂલો સમેત,
તું ય જાણે છે, કોઈ ક્યાં સર્વગુણી હોય છે !
આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,
હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે !
સુધીર પટેલ

સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
નથી એને કાંઈ જંપ નથી મનને આ ચેન
આકાશે જોઈ મેં તો છાયા ઘનશ્યામની
ને જાગી ઊઠ્યાં શમણાંના ગીત
એવી મારી પાગલની પ્રીત
જોઈ જોઈ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
વીજળી ચીરે વ્યોમને મને વેદના ચીરે તેમ કોણ જાણે એવું શું આવે છે યાદ કે
નથી ઊજળાં દિવસ ઘોર અંધારી રેન
નીતરે છે આંખમાંથી ધારા આખા આ આયખાને આમ કાં દઝાડતા કોની તે યાદના અંગારા
સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
નથી એને કાંઈ જંપ નથી મનને આ ચેન
સ્વર – સુધા મલ્હોત્રા કવિ – ?
પાછું વાળીને જેણે ન જોઈ જાનકીને
કરીએ કિયો રે ભરોસો ભગવાન
લાંબા છે દા'ડા એથી લાંબી છે રાતો
રામ... હે રામ!
વસમી વેળાએ તું તો
ખારા જીવતરની કરીએ કોને જઈને વાતો પડખે આવી ન ઊભો
કરીએ કિયો રે ભરોસો ભગવાન
કરીએ કિયો રે ભરોસો ભગવાન રામ... હે રામ!
પોઢ્યો પાતાળે જઈને
લાગ્યો છે કારમો દવ હે ડુંગરીએ દિશા ન સૂઝે હવે દોડીને શું કરીએ
રામ... હે રામ!
શોધ્યો ન જડિયો તારો કરીએ કિયો રે ભરોસો ભગવાન કરીએ કિયો રે ભરોસો ભગવાન
પાછું વાળીને જેણે ન જોઈ જાનકીને કરીએ કિયો રે ભરોસો ભગવાન રામ... હે રામ!
ગીતઃ ધીરૂબહેન પટેલ
સૂરજની આંખમાં આંસુ ઊગ્યું એને ખરતા અંધારાનો ભાર સૂરજમુખીએ એનું આંસુ લૂછ્યું પછી છાનુંમાનું રોયું ચોધાર રેલાતાં તડકાના મોજામાં તરફડતી કોની આ કોરી શી લાગણી? અજવાળી, અશ્રુનાં પગલામાં ટળવળતી, સૂરજની ભીની શી માંગણી! સંધ્યાની ફોરમમાં ના'તા પડછાયામાં સૂરજનો નીતરતો ભાર સૂરજની આંખમાં આંસુ ઊગ્યું... આકાશી ચોકમાં તારલાઓ ટોળે મળ્યાં ચર્ચાતી વેદનાની વાત ચમકંતા ચાંદલાની શીતળ ઝળહળમાં પેલા સૂરજની ખડકાતી યાદ પીગળેલું અંધારું આંસુ બનીને પૂછે સૂરજને કેટલી છે વાર? સૂરજની આંખમાં આંસુ ઊગ્યું એને ખરતા અંધારાનો ભાર સૂરજમુખીએ એનું આંસુ લૂછ્યું પછી છાનુંમાનું રોયું ચોધાર

ગૌરાંગ દિવેટીયા

રહસ્યોની  ગુફામાં  જઈ  નીસરવું  યાદ  આવ્યું   નહિ,
સમયસર ખૂલજા  સિમસિમ  ઉચ્ચરવું યાદ આવ્યું નહિ

અમે   જે  બાળપણમાં  ભીંત   પર  દોર્યું   સરળતાથી
ઘણા  યત્નો   છતાં  પાછું  ચીતરવું  યાદ  આવ્યું  નહિ

હતું  એ  હાથમાં  ને  રહી  ગયું  એ  હાથમાં  એમ  જ
ખરે  ટાણે   હુકમ  પાનું  ઊતરવું   યાદ  આવ્યું   નહિ

કલમથી  શાહી  બદલે  દર્દ   છંટકોર્યું  છે  કાગળ  પર
બીજી  કોઈ  રીતે  મન  હળવું  કરવું  યાદ  આવ્યું નહિ

રચનાઃ મનોજ ખંડેરિયા

Sunday, July 19, 2015

ગોરી તારે ત્રાજૂડે રે,
મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,
કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. ...૧

રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે,
ગોફણે ઘૂઘરી ઘમકે રે;
શીશ દામણી એણી પેર સોહે,
જેમ ગગન વીજળી ચમકે રે. ...૨

નિલવટ આડ કરી કેસરની,
માંહે મૃગમદની ટીલી રે;
આંખલડી જાણે પાંખલડી,
હીડે લીલાએ લાડગહેલી રે. ...૩

આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો,
શણગટ વાળ્યો શું ધારી રે ?
આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી
જેણે મોહી વ્રજની નારી રે ? ...૪

ચંચળ દૃષ્ટિ ચહુદિશ નિહાળે,
માંહે મદનનો ચાળો રે;
નરસૈંયાનો સ્વામી જોવા સરખો,
કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે. ...૫
મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ !
મારી માતાની બાંધેલ લાંક હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો.
નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરું તારા ડાબલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરું તારાં બેડલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

સામી ઘોડાહારે ચાર ઘોડલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરું તારા ઘોડલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

સામી વળગણિયે લહેરિયું રે બાઈ,
નણદી ! લઈને અદીઠડાં થાવ હો રે બાઈ !
નણદલ માગે લહેરિયું રે બાઈ !

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયાં છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયાં છે
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા[૧] એ જોયો છે બહારે[૨] તમને જોયાં છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આંખે મે મારા ઘરનાં દ્રારે તમને જોયાં છે
નહિં તો આવી રીતે તો તરે નહિં લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે
ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકુ છું,
હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયાં છે.
નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનનાં મુંઝારે તમને જોયાં છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે[૩] તમને જોયાં છે.

- બરકત વિરાણી ‘બેફામ’


નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ…...

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ…...

થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ…...

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

 બરકત વિરાણી ‘બેફામ’

તું મારે ચાંદલીએ ચોંટ્યો, સારા મુરતમાં શામળિયો;
ક્ષણું એક વહાલા અળગા ન થાઓ, પ્રાણજીવન પાતળિયો. તું મારે..

ખડકીએ જોઉં ત્યારે અડકીને ઉભો, બારીએ જોઉં ત્યારે બેઠો રે;
શેરીએ જોઉં ત્યારે સન્મુખ આવે, વહાલો અમૃતપેં અતિ મીઠો રે. તું મારે..

જમતાં જોઉં ત્યારે હોડે બેઠો, સૂતો જોઉં ત્યારે સેજડીએ;
વૃંદાવનને મારગ જાતાં, આવીને વળગ્યો બેલડીએ. તું મારે..

પ્રીત કરે તેની કેડ ન મેલે, રસ આપે અતિ રસિયો રે;
નરસૈયાંનો સ્વામી ભલે મળીઓ, મારા હૃદય કમળમાં વસિયો રે. તું મારે..

નરસિંહ મહેતા
ગોવાળમાં ગમતો ગોવિંદ, રમતો રમત રૂડી રે.
શંખ શીંગલું મહાધુનિ વાધી, માંડતો મોહના મીટડી રે. - ૧
સુંદરવર શોભંતો દીસે, પીતામ્બર પાલવટડી રે;
નેપૂર કંકણ રમઝમા વાજે, પાઓલિએ ઘૂઘરડી રે. - ૨
શામળો સર્વે ઘેન બોલાવે, ગૌરજ મુખડે લાગી રે;
ભણે નરસૈયો : ભામણા લીજે આરત માએલી ભાગી રે. - ૩

                                              નરસિંહ મહેતા
જોશીડા જોશ જુઓને, કે દા'ડે મળશે મુને કાન રે ?

દુઃખડાની મારી વા'લા દૂબળી થઈ છું,
પચીપચી થઈ છું પીળી પાન રે. જોશીડા૦

દુઃખડાં મારાં ડુંગર જેવડાં,
સુખડાં છે મેરુ સમાન રે. જોશીડા૦

પ્રીતો કરીને વા'લે પાંગળા કીધાં,
બાણે વીંધ્યા છે મારા પ્રાણ રે. જોશીડા૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,
ચરણકમળ ચિત્ત ધ્યાઉં રે. જોશીડા૦                
                      
જાગો રે અલબેલા કા’ના મોટા મુકુટધારી રે,
સહુ દુનિયા તો સૂતી જાગી, પ્રભુ તમારી નિદ્રા ભારી રે ... જાગો રે.
ગોકુળ ગામની ગાયો છૂટી, વણજ કરે વેપારી રે,
દાતણ કરો તમો આદે દેવા, મુખ ધુઓ મોરારિ રે ... જાગો રે.
ભાતભાતનાં ભોજન નીપાયાં, ભરી સુવર્ણથાળી રે,
લવંગ, સોપારી ને એલચી, પ્રભુ પાનની બીડી વાળી રે ... જાગો રે.
પ્રીત કરી ખાઓ પુરુષોત્તમ, ખવડાવે વ્રજની નારી રે,
કંસની તમે વંશ કાઢી, માસી પૂતના મારી રે ... જાગો રે.
પાતાળે જઈ કાળીનાગ નાથ્યો, અવળી કરી અસવારી રે,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હું છું દાસી તમારી રે ... જાગો રે.
                                             મીરાંબાઈ
વાગે વધાઈ વસન્તની રે,
ફૂલડે ઊડે એની ફોર રે, કોયલ બહેની !
એક 'કુહૂ' કર આજનું રે.

મ્હૉરી લતા કંઈ માંડવે રે,
મીઠો આંબલિયાનો મ્હોર રે, કોયલ બહેની ! એક૦


વન વન વેણ વિહંગનાં રે,
ઘર ઘર ગાજતાં ગાન રે, કોયલ બહેની ! એક૦

સૂનાં લાગે સહુ એ સખિ ! રે,
પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બહેની ! એક૦

આજ કળી ઉઘડી રહે રે,
ઉઘડે અણબોલ ઉર રે, કોયલ બહેની ! એક૦

અંતર એમ ઉઘાડજે રે,
સંતાડ્યા છેડજે સૂર રે, કોયલ બહેની ! એક૦

આજ રહે ક્યમ રૂસણાં રે,
આજ થવાં શાં ઉદાસ રે, કોયલ બહેની ! એક૦

ઊભી સખી આવી આંગણે રે,
પ્રેમનો કરજે પ્રકાશ રે, કોયલ બહેની ! એક૦

કાલ્ય વસન્ત વહી જશે રે,
આભમાં ઉડશે આગ રે, કોયલ બહેની ! એક૦

આવશે મેઘ અષાઢનો રે,
વીજળી પામશે વાજ રે, કોયલ બહેની ! એક૦

દાદુરનાદ ડરાવશે રે,
ઝિલ્લી તણા ઝણકાર રે, કોયલ બહેની ! એક૦

માન ત્યારે મન રાખજે રે,
અવર તણે શિકાર રે, કોયલ બહેની ! એક૦

આજ રાણી તું તો રાગની રે
સૌરભનો શણગાર રે, કોયલ બહેની ! એક૦

વેદઋચા તું વસંતની રે,
ધીમી સુધા કેરી ધાર રે, કોયલ બહેની !
એક 'કુહૂ' કર આજનું રે.
દામોદર બોટાદકર
મારે ઘેર આવજે બેની !
નાની તારી ગૂંથવા વેણી.

આપણા દેશમાં નીર ખૂટ્યાં ને
સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બેનડી ! તારા
શોભતા નો’તા વાળ – મારે૦

બાગબગીચાના રોપ નથી બે’ની
ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની
મારે માથે મ્હેર – મારે૦
[  ]
રૂપ સુગંધી હું કાંઇ નો જાણું
ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી
કાંટ્યમાં આથડનાર – મારે૦

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં
રાતડાં ગુલેનાર
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી
બે’ન સાટુ વીણનાર – મારે૦

પ્હાડ તણે પેટાળ ઉગેલાં
લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળિયું
વીણીશ છેલ્લી ડાળ – મારે૦

ખેતર વચ્ચે ખોઇ વાળીને
ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુખશે પાની
તોય જરીકે ન બ્હીશ. – મારે૦
[  ]
સાંજ વેળા મારી ગાવડી ઘોળી
આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બેની
માંડશે ઝૂંટાઝૂંટ – મારે૦

મોઢડાં નો મચકોડજે બાપુ !
જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો
ઓપતાં’તાં અણમૂલ – મારે૦

શિવ ભોળા, ભોળાં પારવતી, એને
ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી મારી દેવડી ! તુંને
શોભશે સુંદર ભાત. – મારે૦

ભાઇભાભી બેય ભોળાં બેસીને
ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે’રી રાખજે વીરનાં
વીણેલ વેણી-ફૂલ !

મારે ઘેર આવજે બેની
લાંબી તારી ગૂંથવા વેણી !


Sunday, July 12, 2015

આથમતી સાંજે એક જૂની ખાતાવહી લાગી હાથ. એકલતાનો હિસાબ કાઢતાં મળ્યાં ફેરા સાત. સંબંધો બધા જ ઉધાર જમા માત્ર ઉઝરડા આંસુનું ચક્રવૃદ્ધિ વ્યાજ ને વાયદા બધા માંડી વાળેલા સપનાં વિશે વિગત નથી ખાસ આટલું જોયું માંડ ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા કહે છે અમે તો કાયમના માગણ વિતેલાં વર્ષો પણ ડોકાવા લાગ્યાં ને ભીંજાયા ચોપડાના કાગળ અંધારું હળવેથી ઓરડામાં ઊતર્યું ને સાચવી રહીને બધું લૂછ્યું આખીય રાત પછી આંખો મીંચાય કંઈ પડખાં બદલતાં મેં પૂછ્યું કોણે લખેલી આ કોરી કિતાબ છે કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે - કાજલ ઓઝા વૈદ્ય
મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં
અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથ્થર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં
એકાન્તોના મશહુર ધનાગાર ઉઘાડી જોયાં
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં ઊંડે ઊંડે નિજ મહીં સર્યો તેજકણ કામવાને
વર્ષાવતાં મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા
વિશ્વે વન્દ્યા અન્ય સકલ ભંડાર મેં ખોલી જોયાં ને આ સર્વે ગડમથલ નિહાળતાં નેણ તારાં તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ ન્હોતો તેમાં અવગણનનાં દુ:ખનો લેશ ભાસ જ્યોતિ લાધે શિશુને ફક્ત એટલી ઉરકામ મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ
-કરસનદાસ માણેક
ખુશ્બૂમાં  ખીલેલા  ફૂલ  હતાં  ઊર્મિમાં ડૂબેલા જામ  હતાં
શું આંસુનો ભૂતકાળ  હતો  શું  આંસુનાં  પણ  નામ  હતાં

થોડીક  શિકાયત  કરવી'તી   થોડાક   ખુલાસા  કરવા'તા
ઓ મોત જરા રોકાઈ જતે  બેચાર  મને  પણ  કામ  હતાં

હું  ચાંદની  રાતે  નીકળ્યો'તો  ને  મારી સફર ચર્ચાઈ ગઈ
કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતાં

જીવનની  સમી   સાંજે   મારે  જખ્મોની   યાદી  જોવી'તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં

પેલા   ખૂણે  બેઠા   છે   એ  "સૈફ"   છે  મિત્રો  જાણો  છો
કેવો   ચંચલ   જીવ   હતો    ને    કેવા   રમતારામ   હતા
-‘સૈફ’ પાલનપુરી