Sunday, July 26, 2015

ઝરણાંને એક દિ’ આવ્યો વિચાર કે વાદળ બનું તો કેવું સારું ?
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
બુંદ-બુંદ વરસીને સ્વાતિમાં તૃષિત ચાતકની ઠારી દઉં પ્યાસ,
ધોધમાર વરસીને લાવી દઉં હેઠે હું ખેડૂતને ચઢેલો શ્વાસ,
સૂક્કીભઠ ધરાનું રોમ-રોમ ભીંજવી લીલ્લેરા તોરણે સંવારું.
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
માસૂમ શીશુના અંગોને સ્પર્શું ને યૌવનને કરું ઓળઘોળ,
આખ્ખીય સૃષ્ટિ મ્હાલી ઊઠે જાણે વરસ બેઠું હોય સોળ,
દરિયામાં વરસીને મારે શું કામ ?  દરિયાનું પાણી તો ખારું.
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
– દિનેશ ડોંગરે ‘નાદાન’

No comments:

Post a Comment