Monday, January 26, 2015

હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું,
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું
મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું
હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું,
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું
કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું
અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું
હું બોલો બોલી પાળું છું તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું
તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે!
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું શયદાસ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું

– શયદા

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,
હું સમજ્યો એમ આકાશે ચડ્યો છું
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું
પરાજય પામનારા, પૂછવું છે,
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું

મને શયદામળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું

સરવૈયાની ઐસી-તૈસી, સરવાળાની ઐસી-તૈસી,
જીવની સાથે જીવી લીધું, ધબકારાની ઐસી-તૈસી
જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી-તૈસી
શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં, તરનારાની ઐસી-તૈસી
ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી-તૈસી


- અશરફ ડબાવાલા
સદ્ વાંચનનું મહત્વ
आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:
સર્વ દિશાઓથી અમોને શુભ વિચાર પ્રાપ્ત થાઓ. આ શુભ વિચારો પ્રાપ્ત કેવી રીતે થાય્? સદ્ વાંચનથી..... સદ્ વાંચન એ વિચારોને વલોવીને પ્રાપ્ત કરવાનુ નવનીત છે. સદ્ વાંચનમા એક જબરદસ્ત તાકાત છે. સદ્ વાંચન તમને વિચારવા માટે મજબુર કરે જ. સદ વાંચન કદી વાંઝીયુ ન હોય. આવુ વાંચન આપણી વિચાર શ્રુંખલાને ઢંઢોળતુ હોય છે.આપણા આંતર મન અને ચેતનાને હલબલાવી દેતુ હોય છે.અને એ જ માણસના વિકાસની ઉર્જાનો આધાર બની જતુ હોય છે .
સ્વામી વિવેકાનન્દ અને ભગિની નિવેદિતાના પુસ્તકો તેમના લેખોની આપણા મન પર વિશેષ અસર થાય ,ધર્મની સામાજીક દ્ર્સ્ટીને આપણે સમજી શકીએ .. તન્દુરસ્ત લોકો જેમ શેરડીમાંથી પુરેપુરો રસ ચુસી લે છે અને નબળા દાંત વાળા લોકો શેરડી સહેજ ચાવી –ચુસીને ફેંકી દે છે તેવુંજ વાંચનનુ છે. પુરુષાર્થી માણસ ઓછુ બોલે છે પણ તપાસીને અભિપ્રાય બાન્ધે છે.

સુરેશ દલાલ ના શબ્દોમા કહીએ તો   પ્રત્યેક સારુ પુસ્તક પોતાના કવર પેજના ઘુંઘટમા રુપાળો ચહેરો છુપાવીને બેઠુ છે જાણે મને કહેતુ ન હોય કે-  ઘંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે ....

પુસ્તકોનુ મુલ્ય રત્ન કરતાં પણ વધુ છે. રત્નો તો બાહ્ય ચમક- દમક દેખાડે છે જ્યારે સદ્ વાંચન અંત:કરણને ઉજ્જવલ બનાવે છે. જગતમાં મહાન શક્તિઓનું સર્જન સદ્ વાંચનની અબોલ એવી લાગવગ અને તાકાત થી થયુ છે. જેઓએ શાંત ચિત્તે ગ્રંથોને ગુરુ માની તેના જ્ઞાનને  જીવનમાં ઉતાર્યુ છે તેઓએ આખા વિશ્વના વહેણ બદલી નાખ્યાં છે.નવી સ્રુષ્ટિ  કે નવા યુગના સર્જન કર્યા છે.પુસ્તકો તો ખરા પારસમણિ છે.

જૉ તમારી પાસે સારા પુસ્તકો હશે અને તેનુ સદ્ વાંચન હશે તો તમને જીવન મા સારા મિત્ર શુભેરછક સલાહકાર રાહ ચિન્ધનાર  દિલાસો આપનાર અને સાથ આપનારની ખોટ વર્તાશે નહીં .
જેમ શરીરના પોષણ માટે હવા પાણી અને ખોરાક જરુરી છેતેમ આત્માને પોષવા માટે જ્ઞાન પ્રકાશની જરુર છે. આયુષ્ય લાંબુ કરવાનો સાદો અને બિનતબીબી કિમિયો  સદ્ વાંચન ના નામે ઓળખાય છે.
સદ્ વાંચન જીવનને ઘડે છે.

ગાંઘીજીના જીવનમાં અને વિચારોમાં મોટું પરિવર્તન લાવનાર   અન ટુ ધિસ લાસ્ટનામના પુસ્તકનુંવાચન જ હતું.આપણા આદરણીય પુર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામનું પાંચ દાયકાથીનજીકના મિત્ર અને સાથી તરીકે સાથ આપનાર પણ એક પુસ્તક  લાઇટ ફ્રોમ મેની લેમ્પ્સ જ છે. એટલે તો તેઓ કહેછે કે જ્યારે જ્યારે મારે કોઇ સમસ્યાનો સામનો કરવાનો આવે છે ત્યારે હું આ પુસ્તકનું શરણું લઉં છું. અને તે મારા આંસુ લુછવામાં મદદરુપ થાય છે.
ચીનમાં તો એક સરસ કહેવત છે- એ બુક ઇઝ લાઇક એ ગાર્ડન કેરીડ ઇન ધ પોકેટ – એટલે કે પુસ્તક હાથમાં લ્યો અને ખિસ્સામાં બગીચો લઇને ફરતા હોવાનો અનુભવ થાય. પુસ્તકો એમ કહેછે કે મારા અસ્તિત્વમાં તમારુ અસ્તિત્વ સમાયેલું છે . જો તમે મને સાચવશો તો તમારી સંસ્ક્રુતીને સાચવી શકશો.....

લાકડામાંથી બનેલું પારણું તો માત્ર બાળપણમાં જ આનન્દ આપી શકે છે પરંતુ સદ્ વાંચન થી બન્ધાયેલું  પારણું જીવન જીવવાની નવી ચેતના, નવું સામર્થ્ય પુરું પાડે છે.આજની સ્થિતિમાં માણસ ટેસ માં રહેવાને બદલે ટ્રેસ  માં રહેવા લાગ્યો છે.  શું આનો કોઇ ઉપાય છે? હા.......... છે...... સદ્ વાંચન........ માત્ર ટેસ માટે નહીં પણ આપણા દેશની ધરોહરને ઉજાગર કરવા માટે સદ્ વાંચન જરુરી છે.સારુ વાંચન મુલ્ય શિક્ષણનું ઘડતર કરશે.જ્ઞાનની સરિતામાં પાવન થવા માટે સદ્ વાંચન કરતાં જ રહેવું પડશે. કારણકે આવું વાંચન જ આપણો પ્રકાશ છે. ઝરણાની જેમ સદ્ વાંચન પણ માણસને  ખળખળ વહેતો કરી દે છે. હળવો ફુલ બનાવી દે છે.પારદર્શી બનાવી દે છે. નવી દિશા આપે છે કશુંક કરવા પ્રેરે છે. સારુ વાંચન માણસને આંખ આપે છે સૌદર્યસભર જોવાનું શીખવે છે. સારા નરસા નો મર્મ સમજાવે છે. બીજાની લાગણીઓને સમજી શકે તેવું હ્રદય આપે છે.
સદ વાંચનનો સ્વભાવ તો આપણી પ્રક્રુતિ જ બનવી જોઇએ . કારણ કે આપણું જ એવું ગુજરાત રાજ્ય છે જ્યાં હેમચન્દ્રાચાર્યની પરમ્પરા છે. જ્યાં ગ્રંથનું ગૌરવ છેઅને એ ગૌરવ પણ કેવું?  કે રાજા અને રાજગુરુ પગે ચાલે અને ગ્રંથ અમ્બાડીમાં બેઠો હોય. આવો સંસ્ક્રુતિ વારસો જેની પાસે હોય તેની પાસે વિચારો અને લાગણીઓ ઘડવાનું ઓજાર  સદ્ વાંચન હોવું જ જોઇએ.

જીવનનાં સારા નરસા સંજોગોમાં રામાયણ ભાગવત અને ગીતાજીનું વાંચન આપણને તરાપો બનીને તારે છે. આપણા જીવન પર તેની ઉંડી સકારાત્મક અસર છોડતા જાય છે.સદ્ વાંચનથી,  પુસ્તકોની મૈત્રીથી પરિપક્વતા આવે, શબ્દભંડોળ વધે,  અભિવ્યક્તિને વાચા મળે, એકાગ્રતા, કલ્પનાશીલતા અને સ્થિરતા વધે . એટલે જ તો બાળગંગાધર તિલકે કહ્યું છે કે હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ  કારણકે મને વિશ્વાસ છે કે સદ ગ્રંથોમાં એટલી શક્તિ છેકે તે જ્યાં હોય ત્યાં સ્વર્ગ બનાવી દેશે.

અત્યારના સંજોગોમાં લોકોમાં હતાશા વધી છે ત્યારે સદ વાંચન શ્રેષ્ઠ ઔષધ છે. ગ્રીસમાં થીબ્સમાં એક પુરાણા પુસ્તકાલયના દ્વાર પર કોતરેલ છે કે  આત્માનું ઔષધ...  આત્માના ઔષધ સમાન સારા પુસ્તકો આજે ધુળનાં થરમાં કેદ છે. શુભ વિચારોના વાહક પુસ્તકોને કેદમાંથી બહાર કાઢો.

યૂ નોક ધ ડોર એન્ડ ઇટવિલ બી ઓપન્ડ-      એટલે કે – એકવાર પુસ્તકના દ્વાર ખટખટાવી જુઓ 
પછી આપોઆપ દિશાઓ ખુલતી જશે.....