Saturday, May 30, 2015

તેજના ભારા લખ્યા ને ઘોર અંધારા લખ્યાં,
તેં હરેક ઈન્સાન કેરાં ભાગ્ય પણ ન્યારાં લખ્યાં.
સૂર્ય પર જ્વાળા લખી ને રણ ઉપર મૃગજળ લખ્યાં,
રાખની નદીઓ તટે તેં સ્વપ્ન-ઓવારા લખ્યા.
શું હતો તુંયે વિવશ લખવા હૃદયને શબ્દમાં ?
જળ ઉપર લહેરો લખી ને આભમાં તારા લખ્યા !
ઘાસ પર ફૂલો લખ્યાં ને ડાળ પર પર્ણો લખ્યાં,
મોસમે આ પત્ર કોના નામના પ્યારા લખ્યા ?
ચંદ્રએ શાના ઉમળકે સાગરે ભરતી લખી ?
ડૂબતા સૂરજને નામે રંગના ક્યારા લખ્યા ?
કોણ દિવસરાત શબ્દોની રમત રમતું રહ્યું ?
રેત તો ભીની લખી, ને સાગરો ખારા લખ્યા !
- ભારતી રાણે
હાથ છુટ્ટો રાખવાથી એટલું સાબિત થયું
હા, મળે છે આપવાથી એટલું સાબિત થયું
સાવ બરછટ મારા ચહેરામાં, બીજો ચહેરોય છે
તારી સાથે ચાલવાથી એટલું સાબિત થયું
સુખ પ્રખર સૂરજ બન્યું ને જીવ સૂકાતો ગયો
ફેર પડશે નહિ દવાથી- એટલું સાબિત થયું
ક્યાંક શ્રદ્ધા પણ હશે ઘરના કોઇ ખૂણે હજુ
બારણા પર શ્રી-સવાથી એટલું સાબિત થયું
દૃશ્ય ગોરંભાય, રણમાં માવઠાની છે વકી
આંખની આબોહવાથી એટલું સાબિત થયું
દૂર ભાગો જેમ આવે એમ એ સામે ફરી
ઈન્દ્રિયોને મીંચવાથી એટલું સાબિત થયું
- નીરજ મહેતા

Monday, May 25, 2015

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે
પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત
પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત
જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
-અનિલ જોશી

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં; બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેકે. ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો; લીધી સુખડી હાટથી આપી આટો, ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.” ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી, સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી; હશે ચોરને શાહનો ન્યાય એકે, નહી હોય શિક્ષા ગુનાની વિવેકે. ન એ વસ્તીમાં એક વાસો વસીજે, ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.” કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી, તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.” ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો, “નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.” ન માની કશી વાત તે શિષ્ય જયારે, ગુરુજી તજીને ગયા ગામ ત્યારે. રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા, બહુ ખાઈપીને થયા ખૂબ તાજા; પછીથી થયા તેહના હાલ કેવા, કહું છું હવે હું સુણો સદ્ય તેવા. તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર; તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર. માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ; શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ. “એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર; રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.” વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર; ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.” કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર; ચૂક એ ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર. ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ; એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ” પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય, આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.” “મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ; પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.” મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર; શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર. ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ; એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ. ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ; શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.” જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ; બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય; ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય. જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન, આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.” ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;” અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.” ગુરુએ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ; રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ. -દલપતરામ
દયાના સાગર થઈ ને
કૃપા રે નિધાન થઈ ને
છોને ભગવાન કહેવડાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
ક્યાંના ભગવાન તમે
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો કાચા રે કાનના તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
પતિ થઈ ને પત્નીને પારખતાં ન આવડી
તમારો પડછાયો થઈ ને વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
તમથીયે પહેલા અશોક વનમાં
છો ને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાઓ પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
સીતાજીએ રાવણને હરાવ્યો દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તોયે દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
રચના: અવિનાશ વ્યાસ




Tuesday, May 12, 2015

હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

- ગની દહીંવાલા
સાવ સીધું છે ગૂંચવાવું શું,
કાળું ધાબું છે એમાં જાવું શું.
એ નથી જાણતા રિસાવું શું !
તો કહો એમને મનાવું શું !
એણે આપ્યું નહીં કશુંય મને,
બંધ મુઠ્ઠીમાં હું છુપાવું શું !
વહી ગઈ એમ વિસરાઈ ગઈ,
જિંદગીમાં કહો ભુલાવું શું !
કંઈ નથી આવતું બીજું મોઢે,
એક બગાસું છે એમાં ખાવું શું !
- ભરત વિંઝુડા
તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !
ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?
ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !
મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો !
મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !
- શ્યામ સાધુ

Sunday, May 10, 2015

હરિના હાથમાં કાતરને ગજ,
ઈ બેઠ્ઠો છે થઈ સજ્જ….. હરિના હાથમાં કાતરને ગજ….
ગજથી માપે કાતરથી કાપે, એને યાદ રહે રજે રજ,
વિચારીને વેંતરે છે, તારા કુડ કપટને તજ.
……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…
મોટો કારીગર કસબી મોટો, ખેલાડી ખોખડ ધજ,
માપી માપીને કાપે કાતર લઈ, સંચો હાંકે થઈ સજ.
……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…
આંટી ઘૂંટીથી માપે એ તો, ભુલા પડ્યા એમા અજ,
ક્યાં કેટલું કેમ વેંતરવું, એની એને સમજ.
……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…
‘નાનુ ભરાડ’તું નક્કી રાખજે, ઈ ખોટું માપે નહીં સહજ,
એની માપણીમાં જગત સમાયું, આખા જગતનો જજ.
……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…

– નાનુ ભરાડ


હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚
હઠીલા હરજી અમને‚
માર્યા રે પછી રે મારા નાથજી‚ બહુ દોષ ચડશે તમને…
એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚ હાર તમે લાવોને વ્હેલા‚
માંડલિક રાજા અમને મારશે‚ દિવસ ઊગતાં પહેલાં…
એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! નથી રે જોતો હીરાનો હારલો‚ વેગે તમે ફૂલડાંનો લાવો‚
દયા રે કરીને દામોદરા‚ દાસને બંધનથી છોડાવો…
એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! કાં તો રે માંડલિકે તું ને લલચાવિયો‚ કાં તો ચડિયલ રોષો‚
કાં તો રે રાધાજીએ તું ને ભોળવ્યો‚ કાં તો મારા કરમનો રે દોષો…
એવા હારને કાજે નવ મારીએ…

હે જી વ્હાલા ! દાસ રે પોતાનો દુઃખી જોઈને‚ ગરૂડે ચડજો ગિરધારી‚
હાર રે હાથોહાથ આપજો રે‚ મ્હેતા નરસૈંના સ્વામી…
એવા હારને કાજે નવ મારીએ…
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુખી દેખી દુખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું !

સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામી પંડે તજે સ્વાદ તો તે,
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું !

લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજુ મને કોણ દેતું ?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું !

પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી,
પછી કોણ પોતાતણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું !

મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ ?
તળે તાપ પાપે મળે જેથી મુક્તિ?
ચિતે રાખી ચિંતા રૂડું કોણ ચાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું
મહા હેતવાળી દયાળી જ મા, તું !

તથા આજ તારૂં હજી હેત એવું,
જળે માછલીનું જડ્યું હેત જેવું,
ગણિતે ગણ્યાથી નથી એ ગણાતું!
મહા હેતવાળી દયાળી જ મા, તું !

અરે, આ બધું શું ભલું જૈશ ભૂલી?
લીધી ચાકરી આકરી જે અમૂલી ?
સદા દાસ થૈ વાળી આપીશ સાચું !
મહા હેતવાળી દયાળી જ મા, તું !

અરે દેવાના દેવ આનંદદાતા,
મને ગુણ જેવો કરી મારી માતા,
સામો વાળવા જોગ દેજે સદા તું !
મહા હેતવાળી દયાળી જ મા, તું !

 – દલપતરામ


 આભમાં આવડી શી ફુલવાડી
કે ફુલડાં કેણે વાવ્યાં રે લોલ !

ફુલડાં એક એકને જોઇ ભૂલું
કે રંગની ભભક ભરી રે લોલ.

આભમાં બાલૂડો એક માળી
કે ફૂલનો ભારે ભોગી રે લોલ.

માળીએ દીઠલ ભોં આસમાની
કે પડતર જૂની પાની રે લોલ.

માળીએ દસ દિગપાળ તેડાવી
કે જોતર્યાં હળ ઝાઝાં રે લોલ.

માળીએ ખેતરડાં ખેડાવ્યાં
કે મેરૂની કોશ કીધી રે લોલ.

માળીએ ખાતરડાં પૂરાવ્યાં
કે માણેક હીરા મોતી રે લોલ.
માળીએ ઓરણાંમાં ઓરાવ્યાં
કે હાસ હસમુખાં તણાં રે લોલ.

માળીએ ક્યારીઓમાં સીંચાવ્યાં
કે માનાં ધાવણ મીઠાં રે લોલ.

માળીએ લાખ લાખ ટોયા રોક્યા
કે મોરલા પોપટ મેના રે લોલ.

ઉગીયાં નખતર મોટાં ઝાડ
કે ફુલના ફાલ ફાલ્યા રે લોલ.

ચડી ચડી આભગંગાની વેલ્યું
કે ફુલડે લચી પચી રે લોલ.

ફુલડાં નવરંગી સહુ ભાળે
કે કોઇને ફોરમ નાવે રે લોલ.

આભમાં બાલૂડો એક માળી
કે ફોરમ માણી રહ્યો રે લોલ.

આભમાં આવડી શી ફુલવાડી
કે ફુલડાં કેણે વાવ્યાંરે લોલ!
આછાં નીચે ઊછળી રહી રે પેલી વાહિની વાધે,
આંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે.
વ્હાલા અનેક વળામણે રે એક અંતર ફાટે;
જેઠતપી રહ્યો જગતમાં રે એને શ્રાવણ આંખે.


આજ મરી જતી માવડી રે એને કાળજે કાણાં;
દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવાં આણાં.



ઢોલીડા ! ઢોલ ઢબૂકતો ઘડી રોકજે તારો,
ઘાવ ઊંડા ઘટ્માં પડે રે નથી વેઠવા વારો.



ઘમઘમ ગાજ્તી ગોંદરે આવી વેલડી ઊભી,
રોકી શકે નહીં રાંકડી રે જતી મહિયર-મોંઘી.
ધોરી! ધીરે તમે ચાલજો રે મારું ફૂલ ન ફરકે,
ઊડી જશે પળ એકમાં રે એનું કાળજું ધડકે.



સાસરવાટ શિલાભરી રે એને છેક અજાણી,
ક્યાંય શીળી નથી છાંયડીરે નથી પંથમાં પાણી.



લાજભરી મારી લાડકી રે એને મોઢડે તાળાં,
કોણ પળેપળ પૂછશે રે દુઃખી જોઇ દયાળાં.
આજે તપે ક્યમ આવડો રે કે’ને સૂરજ શાણા?
ખાલી ઉરે ખમશે નહીં રે તીણા ન્હોર એ તારા.



આગ ભલે મુજ અંતર રે વરસાવજે વીરા!
જાઇનો પંથ તો જાળવી રે રથ ખેડજે રૂડા.
ઊડતી વાટે વસુમતી! રે તારી રોકજે રેણુ,
કમળથકી કોમળું રે બહેની! છે અંગ એનું.
ઊંચાનીચા તારા અંગને રે સખિ ! દેજે શમાવી,



જાત કઠણ એને જોઇને રે ઘડી કરજે સુંવાળી.
વનવન વીંઝાતા વાયરા રે એને સાચવી વાજો,



વીર સમાન વળાવિયા રે વાટે ઠાવકા થાજો.


ઘામ વળે એને ઘૂમટે રે ઝીણા વીંઝણા દેજો,


પાલવડાને પલાળતાં રે લૂછી આંસુડાં લેજો.
વ્હાલભરી વનદેવીઓ રે ઊંડા આદર દેજો,
જતન કરી એના જીવનું રે મીઠાં મીઠડાં લેજો.



ઝૂકી રહ્યાં પંથ ઝાડવાં રે દેજો સોરમ છાયા,
એક ઘડી એને કારણે રે મન રાખજો માયા
વાટનાં વીર વિહંગડા રે ! એની સોબતે રે’જો,
ગીત નવાં નવાં ગાઇને રે ઊંડી ધીરજ દેજો.
હૈયાસૂની હબકી જતી રે એને રાખજો રાજી,
મેં તો ત્યજી હવે હાથથી રે હતી જાળવી ઝાઝી.
દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી,
જોઇ-ન-જોઇ વહી જતી રે વનપંખણી જેવી.
આજ માડી તારે આંગણે રે રૂડા રાસડા લેતી,
કાલ અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી.
સાયર સાચલ સાસરું રે એનાં નીર તો ઊંડા,
દોડી દોડી કરે ડોકિયાં રે મહીં જળચર ભૂંડા.



મીઠા તળાવની માછલી રે પાણી એ ક્યમ પીશે?
ઘેરા એના ઘૂઘવાટથી રે મારી બાળકી બીશે.
જાય અહો!વહી વેલડી રે, વીલી માત વિમાસે;
સૂનું થયું જગ સામડું રે ભૂમિ ડોલતી ભાસે.
ઊનો અનિલ આ એકલો રે વહે ધ્રુસકાં ધીરે,
હાય! હણાયેલી માતને રે ચડી અંતર ચીરે



કોઈ દી સાંભરે નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ...

શ્રાવણની કોક કોક વે'લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લઈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ

કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરી નઇ.

Friday, May 8, 2015

ખૂબ તરસ્યો છું ધોધમાર વરસ,
તોડ બંધન બધાં ધરાર વરસ.
કોઇ એકાદ જણ તો ભીંજાશે,
છે વરસવું ભલે અસાર, વરસ.
મન અમારું ય સાવ માટીનું,
બસ અમસ્તું ય એક વાર વરસ.
યાદ પેઠે ફરી ફરીને તું;
આવ આવીને અનરાધાર વરસ.
આજ પણ કોઇ ભલે ના આવે,
આજ અંદર નહીં બહાર વરસ.
કોઇ ટહુકે છે ખૂબ આઘેથી,
ચાલ મિસ્કીન મૂશળધાર વરસ.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કેટલી ને ક્યાં લગી કરવી હજુ અટકળ સજનવા.
કાં હવે આવો કાં તેડાવો લખી કાગળ સજનવા.
આંખની સામે જ સઘળે ચીતર્યા હરપળ સજનવા.
કેટલા ભરચક ભરેલા હોય છે હર સ્થળ સજનવા.
‘આવજો’ કીધા પછી વળતી નથી જે કળ સજનવા,
એ જ બસ ખુટવાડતી ચાલી હવે અંજળ સજનવા.
આંખ જ્યાં મીંચાય ત્યાં ઝબકીને પાછું જાગવાનું.
એમ કૈં ખખડ્યાં કરે છે દ્વાર ને સાંકળ સજનવા.
આ અહીંની જેમ ત્યાં પણ કૈંક તો થાતું હશે ને?
પૂર છે ઊમટ્યાં રગેરગમાં હવે ખળખળ સજનવા.
એ જ આશાએ હવે આ સાવ સૂનો પંથ કાપું,
રાહ જોતા ક્યાંક બસ ઊભા હશો આગળ સજનવા.

 – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ ભલે લાગે છે અક્ષર મોકલું છું,
ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

તું સ્વયમ ઝળહળ છે જાણું છું છતાંયે,
કોડિયું મારું આ થરથર મોકલું છું

થઈ ગયું મોડું પડ્યું જન્મોનું છેટું,
તો ય લાગે છે સમયસર મોકલું છું.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ,
તેં કદી દોર્યું’તું એ ઘર મોકલું છું.

નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,
છે બધાથી પર એ ભીતર મોકલું છું.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,
એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો

દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો

ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

- મનોજ ખંડેરિયા
વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….

ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….

સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….

– મનોજ ખંડેરિયા
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.
કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.
સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.
આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.
- મનોજ ખંડેરિયા