Sunday, July 12, 2020


સ્વર અને સ્વરાંકન-માયા દીપક
હરિ તું વરસે પારાવાર
આખે આખો ઊંચક્યો મુજને
મને શેનો લાગે ભાર
હરિ તું વરસે પારાવાર
ગ્રહ્યું શરણ તો લાગ્યું મુજને
આ પર્વત તો તરણું ;
ભવસાગરની બીક હવે શું !
એ તો કેવળ ઝરણું
શરણાગતને સેની ચિંતા
જેના માથે જગદાઘાર
હરિતું વરસે પારાવાર.
સુખ દુ:ખની આ આવન જાવન
ક્યાંક મૂંઝાતું મન ;
ત્યાં સધિયારો આવે તારો
બધું થાય મનભાવન.
એક ભરોસો એક આશ.
બાકી સબ બેકાર
હરિ તું વરસે પારાવાર

ગીત-શુકદેવ પંડ્યા

Saturday, July 11, 2020

જેથી ઊંચોનીચો થાય છે દરિયો,

કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.
દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.
કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.
ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.
પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !
કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !
જીવન સાચુંપૂછો તો એમનું કીકીના જેવું છે,

કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !
ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.
બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!
ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,
દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !
 અમૃત ‘ઘાયલ’