Wednesday, January 20, 2016


આ કબૂતરનું શું કરવું ભલા છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગૂપચૂપ ગોઠવે તણખલાં . ચોક સમું ભાળે તો પારેવાપણાને ચણમાં વેરાઈ જતાં આવડે આંસુના વૃક્ષ ઉપર ખાલી માળા જેવા જણમાં વેરાઈ જતાં આવડે ધીરેધીરે મુંઝારા ચણે જ્યારે આંખ હોય ભીની ને હોવ તમે એકલા આ કબૂતરનું શું કરવું ભલા . જાણે છે પાછું ન આવવાનો અર્થ એને પીછાંનું ખરવું સમજાય છે પોતીકાપણાના જતન થકી સેવેલું ઈંડું ફૂટે તો શું થાય છે બારી પર સાંજ ઢળ્યે બેસીને ડૂમાના સૂરજ ગણ્યા હશે કેટલા આ કબૂતરનું શું કરવું ભલા
-સંદીપ ભાટિયા

Wednesday, January 13, 2016

સરલ  સુભગ સ્મિત  હસિત  વદન પર લજ્જા ધરતી કુલવંતી,
કોમળ   મીઠે    કંઠે   ગજવતી    ગીત    મધુરા   ગુણવંતી;
નયને  પ્રણયઅમી   વરસે;   ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

ગૌર  ગુલાબી  કાંતિ  તનની,  મુખ  પર  લાલી  લલિત  રમે;
ચિત્ત   પ્રસન્ન  પ્રફુલ્લિત  હૈડું,   શીલ  સ્વભાવે   શિર  નમે!
સતીઓનાં જ્યાં સ્મરણ વસે, ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

સ્વચ્છ   સુઘડ  આરોગ્યમનોહર  ચતુરા  નિશદિન  ચમકંતી,
પહાડના    પડછંદા    જેવી    ધરતી     ઉપર     ધમકંતી!
મુખડે  ગંભીર  હાસ્ય  હસે! ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

સજ્જનમાં   મૃદુ   પુષ્પકળી  શી  નિજ  પરિમલથી  પ્રસરાતી,
દુર્જન   દેખી   સિંહણ   સરખી   અંતરમાં   એ   અકળાતી;
સુરુચિ   હૃદય  સદૈવ  વસે;  ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

શુભ  શણગાર  સજી   મરજાદે  મલપતી  ગૃહલક્ષ્મી   જાણે!
રૂપ  જણાવા  દે  જગને  કદિ  ના  એ  આછા ભભકા માણે;
કંથ  રીઝાવતી  રસિક  રસે; ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!

જીવનના    રસ   મધુરા    ઝરતી,   બાલુડાંની    કલ્પલતા;
કુળ-આંબાની   મીઠી    કોયલ,   ટહુકા   કરતી   મનગમતા;
શાં   સહકારે  ઉર  વિકસે!  ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!
નમ્ર વચન મુખ ભાવે ભીંજ્યું, હૈડામાં હુલ્લાસ વસ્યો; ગુણિયલનો સોહાગ અનેરો દીપે કુળના દીપક શો! દર્શનથી દુઃખ દૂર ખસે! ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે!
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે  વારસાગત   સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની  અનિદ્રાના  માણસ;
પ્રભાતોની  શાશ્વત પ્રતીક્ષાના  માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત  ઝિબ્રાતા  ટોળાના  માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી - નૉટ ટુ બી’ ની   ‘હા-ના’ ના  માણસ.

ભરત  કોઈ  ગૂંથતું  રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા  ટહુકાના માણસ.

મળી આજીવન  કેદ  ધ્રુવના પ્રદેશે;
હતા આપણે  મૂળ તડકાના માણસ

-ભગવતીકુમાર શર્મા