Tuesday, April 21, 2015

નીંદરભરી રે ગુલાલે ભરી,
બેનીબાની આંખડી નીંદરભરી રે.

નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,
અકાશી હિંચકાની હોડી કરી બેનીબાની.

દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી. બેનીબાની.

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરિયા દૂધના કટોરા ધરી. બેનીબાની.

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝૂંબે,
કળીઓ નિતારીને કચોળી ભરી. બેનીબાની.

સીંચ્યા એ તેલ મારી બેનીને માથડે,
નાવણ કરાવે ચાર દરિયાપરી. બેનીબાની.

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા
બેસીને બેન જાય મુસાફરી. બેનીબાની.

સાતે સિંધુને તીર સફરો રે કીધી,
સૂરજ ઉગ્યો ને બેન આવ્યા ફરી. બેનીબાની.


  ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી
·         ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયોમારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી

·         કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી
ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...
અલક મલકનું અલબેલું... સાંબેલું...
જનમ જનમથી વહુને માથે ભાંગેલું...
સાંબેલું...
જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી
સાંબેલું..
ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...
અલક મલકનું અલબેલું... સાંબેલું...
જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી
જેવો કુવો ઊંડો, જેઠ એવો ભૂંડો
સાંબેલું...
ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...
અલક મલકનું અલબેલું... સાંબેલું...
હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો
સાંબેલું...
ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...
અલક મલકનું અલબેલું... સાંબેલું...
એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો
સાંબેલું...
ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...
અલક મલકનું અલબેલું... સાંબેલું...


·         લોકગીતો
હે ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,
હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે
હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,
હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ
હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા
હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા
ગરબો માથે કોરિયો માએ ઝબક દીવડો થાય મારી માડી,
ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,
હે તાળીઓની રમઝટ,
હે તાળીઓની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે
જીલણ જીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા
હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય,
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય
હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે
જીલણ જીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા

ચ્યમ જઉં ઘર આંગણીયે, આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા
થઈ જાઉં હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા
હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે

જીલણ જીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા

Friday, April 10, 2015

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે
તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !… તારી બાંકી રે
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે
·         લોકગીતો


તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો
માદેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ
માદેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો
આવ્યાં ત્યારે અમર થઇને રો
માદેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર
પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો
હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો

·         હાલરડાં

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી
હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કેવાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી
ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી
અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી
: 

·         લોકગીત
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા

પાસું રે મરડો તો વાલા ! ચીર લઉં હું તાણી રે
સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા

પંખીડા બોલે રે વાલા ! રજની રહી થોડી રે
સેજલડીથી ઊઠો વાલા ! આળસડાં મરોડી રે
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા

તું ને સાદ રે પાડું તો વાલા ! સૂતાં લોકું જાગે રે
અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા

સાસુડી હઠીલી વેરણનણદી મારી જાગે રે
પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા

જેને જેવો ભાવ હોયેતેને તેવું થાવે રે
નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા
નરસિંહ મહેતા 
જા જા નીંદરા ! હું તને વારુંતું છો નાર ધુતારી રે

જા જા નીંદરા ! હું તને વારું
નીંદરા કહે હું નહી રે ધુતારીહું છું શંકર નારી રે
પશુ પંખીને સુખડાં આપુંદુઃખડા મેલું વિસારી રે
જા જા નીંદરા ! હું તને વારું

એક સમે રામ વનમાં પધાર્યાલખમણને નીંદરા આવી રે
સતી સીતાને કલંક લગાવ્યુંભાયુમાં ભ્રાંતું પડાવી રે
જા જા નીંદરા ! હું તને વારું

જોગી લુંટયાભોગી લુંટયાલુંટયા નેજા ધારી રે
એકલ શૃંગીને વનમાં લુંટયાનગરના લુંટયા નરનારી રે
જા જા નીંદરા ! હું તને વારું

પહેલા પહોરે રોગી જાગેબીજા પહોરે ભોગી રે
ત્રીજા પહોરે તસ્કર જાગેચોથા પહોરી જોગી રે
જા જા નીંદરા ! હું તને વારું

બાર બાર વરસ લખમણે ત્યાગીકુંભકરણે લાડ લડાવ્યાં રે
ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામીઆશ પુરો મોરારી રે
જા જા નીંદરા ! હું તને વારું

કેસરઘોળી કંકાવટી, ને કુંકુમઘોળ્યો થાળ;
સૂરજ ! તુજને પૂજશું મ્હારે સૂરજદેવળ પાળ :
મ્હારા સાવજશૂરા નાથ હો ! ત્‍હારે દેશ-કશા પરદેશ !

આભ ઢળ્યાં ધરતી ઉરે, ત્ય્હાં ગોરંભે કાંઈ ગીર;
કુંજે બોલે મોરલો, મ્હારે હૈયે નણદલવીર :
મ્હારા સાવજશૂરા.

રાતે ઉઘડે પોયણાં, ને દિવસે કમળની વેલ;
ભાદર ભરજોબન ભરી, એવી મુજ હૈયાની હેલ :
મ્હારા સાવજશૂરા.

ઉંચો ગઢ અલબેલડો, પડખે ચારણના નેહ;
ઝીણી ઝબૂકે વીજળી, મ્હારે ઝીણા વરસે મેહ :
મ્હારા સાવજશૂરા.

સાતમે માળ અટારીએ કાંઈ આછા વાય સમીર;
જીમી મ્હારી હેલે ચ્‍હડી, મ્હારાં ઝૂલે આછાં મલીર :
મ્હારા સાવજશૂરા.

આડાં ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પન્થ;
માણકીએ ચ્‍હડી આવશે મ્હારો સૂરજમુખો કન્થ :
મ્હારા સાવજશૂરા.

નેણથી ભાલા છોડતો, કાંઈ આંકડિયાળા કેશ;
ધણ વાળીને વળશે મ્હરો કન્થડ જોબનવેશ :
મ્હારા સાવજશૂરા.

આભ ઝીલીને રેવત ઉભો, ફરતો ગિરિનો સાથ;
વનમાં ગાજે કેસરી, કાંઈ ધીંગાણે મુજ નાથ :
મ્હારા સાવજશૂરા.

કસુંબલરાતી આંખડી, રોમેરોમ ઢીંગલનાં દૂધ;
બળબાહુમાં બરછી ઉછળે, ઢાલે ઢળકે જુદ્ધ :
મ્હારા સાવજશૂરા.

સાગર સમ સોરઠ તણી રે હિલોળા લેતી ભોમ,
ભરતીને પૂર પધારશે મ્હારો છેલડ જળને જોમ :
મ્હારા સાવજશૂરા.

ભાલે ટમકે ટીલડી, મ્હારે હાથે હેમત્રિશૂળ;
સિન્દુરે છાંટી ચુંદડી, મ્હારાં સોહે સૂરજકુળ :
મ્હારા સાવજશૂરા.

આશભરી અલબેલડી રે હીંચે હિન્ડોળાખાટ;
પિયુના પન્થ નિહાળતી કાંઈ વ્હાલમની જૂવે વાટ :
મ્હારા સાવજશૂરા.

આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત;
રંગભીના ! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાત 

Tuesday, April 7, 2015

પોળ પછવાડે પરબડી ને
વચ્ચમાં લેંબડાનું ઝાડ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

વગડા વચ્ચે વેલડી ને
વચ્ચમાં સરવર ઘાટ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

ગામને પાદર ડોલી ડોલી
ઢોલ વગાડે ઢગલો ઢોલી
કાજળ આંજી આંખલડી ને
લહેરણિયું છે લાલ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

નાકે નથડી ચરણે ઝાંઝર
હૈયે હેમનો હાર
હાલો ત્યારે ધરણી ધમકે
આંખે રૂપનો ભાર
પગ પરમાણે મોજલડી
જાણે હંસી ચાલે ચાલ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

·         લોકગીત
ખળખળતું પાણી તે અગનથી આકરું, ચોકમાં લાવીને મેલ્યુમ આણી,
પોતાના જાણ તેને ગણ્યા પારકા, અન્ય જાણી તીની ત્રીઠ તાણી ખળખળતું. ૧
માગ્યા મહેતે જઈ , વહેવાઈને કહી, ઉષ્ણમાં ભેળવા ટાઢું પાણી,
ગીત ગાશો તંહી મેહૂલો વરસશે, આફણીયે થાશે જળ સમાણી. ખળખળતું. ૨
કીધો મલ્હાર તે સાંભળ્યો શામળે, થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું,
વાય છે વાવડો વીજ ચમકા કરે, ગાજિયો ગગન તે જગતે જાણ્યું. - ખળખળતું ૩
ચાતુર્માસ નથી, નથી રત-માવઠું, કારમો ઉમગ્યો ખડક કાઢી,
અવની ઉપર થઈ નીર ચાલ્યું વહી, જાણીએ મેહ વૂઠ્યો અષાઢી ખળખળતું. ૪
ધાઈ વહેવાઈ આવ્યા મહેતાજી કને , ‘ધનો મહેતા ! ધન્ય ભક્તિ સાચી,
પહેરામણી પણ નરસૈ કરશે ભલી, મૂરખ આપણી બુદ્ધિ કાચી.’ – ખળખળતું. ૫



ઓતરાદા વાયરા ઊઠો ઊઠો હો તમે ઓતરાદા વાયરા ઊઠો
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી ઓતરાદા વાયરા ઊઠો
ધૂણન્તાં શિવ જોગમાયાને ડાકલે હાકલ દેતા ઓ વીર ઊઠો
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે પૂરપાટ ઘોડલે છૂટો
ઓતરાદા વાયરા ઊઠો
ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ સડિયેલાં ચીર ધૂળ કૂંથો
જોબનના નીર મહીં જામ્યાં શેવાળ ફૂગ ઝંઝાના વીર તમે ઊઠો
ઓતરાદા વાયરા ઊઠો
કોહેલાં પાંદ ફૂલ ફેંકી નાખો રે ભાઈ કરમાતી કળીઓને ચૂંટો
થોડી થોડી વાર ભલે બુઝાતા દીવડા ચોર ધાડપાડ ભલે લૂંટો
ઓતરાદા વાયરા ઊઠો
છોને છૂંદાય મારી કૂણેરી કૂંપળો સૂસવતી શીત લઈ છૂટો
મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં ચીરો ચમકાટ એનો જૂઠો
ઓતરાદા વાયરા ઊઠો
ઊઠો કદરૂપ પ્રેતસૃષ્ટિના રાજવી ફરી એક વાર ભાંગ ઘૂંટો
ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા હુહુકાર સ્વરે કાળ ઊઠો
ઓતરાદા વાયરા ઊઠો
કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ રહેજે ચંદનની ગોદ સૂતો
નથી નથી પર્વ પુષ્પન્ધવાનું આજ ઘોર વિપ્લવના ઢોલડાં ધડૂકો
ઓતરાદા વાયરા ઊઠો
: