Sunday, November 27, 2016

ઢીંગલી તારા માંડવા રોપ્યા ઢોલ વાગે ઢમ ઢમ
કાગડો પેલો વાંસળી ફુંકે પીપુડી પમ પમ.....  ઢીંગલી
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
નભથી પધારી મારી તારલી રે લોલ
અંગે અંગે તે ઓતપ્રોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
લેજો રે લોક એનાં વારણાં રે લોલ
પુત્રી તો આપણી પુનાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ
વેણીનાં ફૂલની વધાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ
લાડલી આ લાવી ઘેરઘેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
સરખાં સહુ હેત એને સીંચજો રે લોલ
લીલાં સપનાંની જાણે લ્હેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
ગૌરીના ગીતની એ ગુલછડી રે લોલ
દુર્ગાના કંઠનો હુંકાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
બાપુની ઢાલ બને દીકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
ઉગમણે પ્હોર રતન આંખનું રે લોલ
આથમણી સાંજ અજવાસ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ 
રમતી રાખો રે એની રાગિણી રે લોલ
આભથી ઊંચેરો એનો રાસ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
-મકરંદ દવે
પૂછશો મા, કોઈ પૂછશો મા,
            મારા હૈયાની વાતડી પૂછશો મા. 
દિલના દરિયાવ મહીં કાંઈ કાંઈ મોતી:
ગોતી ગોતીને તેને ચૂંથશો મા:
            મારા હૈયાની વાતડી પૂછશો મા. 
ટહુકે છે કોકિલા, પુકારે છે બપૈયો:
કારણોના કામીને સૂઝશો મા:
            મારા હૈયાની વાતડી પૂછશો મા. 
આંસુનાં નીરના કો આશાના અક્ષરો
આછા-આછા તો યે લૂછશો મા:
            મારા હૈયાની વાતડી પૂછશો મા. 
જગના જોદ્ધા! એક આટલું સુણી જજો:
પ્રારબ્ધનાં પૂર સામે ઝૂઝશો મા:
            મારા હૈયાની વાતડી પૂછશો મા. 
             -મહાકવિ નાનાલાલ
નારી નમણું ફૂલ
         જગતમાં નારી નમણું ફૂલ. 
સહજ સ્મિતે સૌંદર્ય પ્રસારી
               મહક મહીં મશગૂલ.
નારી નમણું ફૂલ
         જગતમાં નારી નમણું ફૂલ. 
એ છે તો ઉદ્યાન જગતનાં
            આજ દીસે છે હસતાં,
લક્ષ જીવન શાતા અનુભવતાં
                  એને હૈયે વસતાં. 
મૂલવતાં મુલવાય ન કો'થી
                   એનાં મોંઘાં મૂલ
નારી નમણું ફૂલ
         જગતમાં નારી નમણું ફૂલ. 
શોણિત પાઈ પ્રફૂલ્લ રાખે
                  નાના મોટા છોડ,
કોમળ કાય છતાં રત એ તો
                  સેવામાં તનતોડ. 
રડતું હૈયું, હસતી આંખો-
                 ઉર એનું અણમૂલ
નારી નમણું ફૂલ
         જગતમાં નારી નમણું ફૂલ. 
          -સુશીલા ઝવેરી
હાથ   ચીરો   તો   ગંગા   નીકળે
છેવટે     વાત  અફવા   નીકળે
બૉમ્બની માફક  પડે કાયમ  સવાર
    કચ્ચરઘાણ  ઘટના  નીકળે 
કોઈ   સપનું   છીછરું  વાગ્યું  હતું
ને   જનોઈવઢ    સબાકા   નીકળે
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ
ભોંયરાંઓ એનાં ક્યાં ક્યાં નીકળે? 
  શું   કબ્રસ્તાનનું  ષડ્‌યંત્ર  છે?
મુઠ્ઠીઓ  ખૂલે   ને  મડદાં   નીકળે
વૃક્ષની     ખંડેર   ભૂમિ    ખોદતાં
કોઈ   અશ્મીભૂત   શ્રદ્ધા    નીકળે 
માર્ગમાં  આવે   છે  મૃત્યુની  પરબ
જ્યાં  થઈ  હર  એક  રસ્તા નીકળે
’   નિરંતર  મેશમાં  સબડે  અને
સૂર્ય  પણ  નીકળે તો  કાળા નીકળે 
-રમેશ પારેખ

Wednesday, November 23, 2016

બા જોતો જરા મને રુપિયો મળ્યો
રુપિયાની પંચાતમાં અમારી ટોળીમાં ટંટો પડ્યો.....બા
આદિતભાઇ કહે ચાલો હોટલમાં દુધીનો હલવો તાજો કર્યો... બા
હારિતભાઇ કહે ચાલો ફીલમમાં બૈજુ બાવરાનો ખેલ સારો પડ્યો ... બા
તારો હું  દિકરો મા એવું કદી ના કરું સૌની સાથે હું એકલો લડ્યો ....બા

ભુખ્યા  અપંગને ખાવાનું આપ્યું  રુપિયાનો ઉપયોગ આવો કર્યો .. બા 
ચાંદામામા આવે ચાંદામામા આવે
ચાંદામામા આવે ને અજવાળા લાવે ... ..
ફુલ સરીખા ધોળા ધોળા  કેવાં લાગે ભોળા ભોળા
બાબા  બેબીને હસાવે  ચાંદામામા આવે ........ ચાંદા
દુનિયા ધોળે ધોળી કરતાં વાદળમાં એ હરતા ફરતા
દરિયાને ડોલાવે એવા ચાંદામામા આવે ..... .ચાંદા
પકડ્યા ના પકડાયે એ તો વાદળમાં સંતાયે
સંતાકુકડી રમાડે અમને ચાંદામામા આવે ...... ચાંદા
પોષી પુનમ આવે ત્યારે બેનીને હરખાવે
શરદપુનમની રાતે અમને દૂધ પૌઆ ખવડાવે ..... ચાંદા 

Saturday, November 19, 2016

જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં 
રામને  ચોપડે  થાપણ  કેરા  ભંડાર  ભરીને  રાખ્યાં
ન કરી કદીએ ઉઘરાણી તેમ સામા ચોપડા ન રાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં
 
માગણા  કેરા વેણ હરખથી કોઈને  મોઢે    ભાખ્યાં
રામકૃપાના  સુખ  સંસારી   સ્વાદભર્યાં  નવ ચાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં
 
હરિએ  કંઠમાં  હાર પહેરાવ્યો  મોતી મોઢામાં નાખ્યાં
મોતીડાં  કરડી  માળાઉં  ફેંકી  તાગડાં  તોડી નાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં
 
રામનાં  સઘળાં કામ કર્યાં  ને  બેહણાં બારણે રાખ્યાં
રાજસત્તામાં  ભડકાં  ભાળ્યાં  ધૂડ્યમાં  ધામા નાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં
 
અંજની માતાની  કુખ  ઉજાળી  નિત  રખોપાં રાખ્યાં
ચોકી  રામની  કદી    છોડી  ઝાંપે  ઉતારા રાખ્યાં
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં
 
કાગ કહે  બદલો ન માગ્યો  પોરહ કદીએ ન ભાખ્યાં
જેણે બદલો  લીધો  એનાં  મોઢાં  પડી  ગીયાં ઝાંખા
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં 
-દુલા ભાયા કાગ
  તો  ઈશ તણો  આવાસ 
તું  આમંત્રિત  અતિથિ  એનો
નહિ સ્વામી નહિ દાસ
  તો  ઈશ તણો  આવાસ 
એ પીરસે તે ખા તું રસથી   એ આપે તે લે
એનાં જનને તારાં ગણીને એ રાખે તેમ રહે 
વેરતો  પ્રતિપળ  હેતનું  હાસ
  તો  ઈશ તણો  આવાસ 
અખંડ ચાલે બ્રહ્મચિંચોડો  કોઈ તાણે કોઈ માણે
તું નવરો નવ  રેજે   વહેજે
ધૂંસરી      ગજા     પ્રમાણે 
કામમાં નાવે  કદીય  કચાશ
  તો  ઈશ તણો  આવાસ 
તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી
સૌ સાથે  વહેંચીને  ખાજે રામની  દીધેલ રોટી 
સુધાસમ સમજી સહ્યારી છાશ
  તો  ઈશ  તણો  આવાસ 
-કરસનદાસ માણેક
કે કાગળ હરિ લખે તો બને
અવર લખે  તો એકે અક્ષર  નથી ઊકલતા  મને

મોરપીંછનો  જેના  ઉપર  પડછાયો   ના પડિયો
શું વાંચું  એ કાગળમાં  જે હોય શાહીનો ખડિયો

એ પરબીડિયું શું ખોલું  જેની વાટ ન હો આંખને
કે કાગળ હરિ લખે તો બને

મીરાં કે પ્રભુ  શ્વાસ અમારો  કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય  લઈને  થેલો  ખાલી ખાલી

ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને
કે કાગળ હરિ લખે તો બને


- રમેશ પારેખ

Wednesday, November 16, 2016

જે  આંસુ  ખોઉં  છું  એનો  મને અવેજ મળે
કે  હું  રડું  તો  તમારા  નયનમાં  ભેજ  મળે

તમારી   પ્રીત  મળે   ને  ફકત  મને જ મળે
પછી ભલે  ને  વધારે  નહિ  તો  સહેજ મળે

મળે  છે  સ્નેહના  સાથી  ઘણાં યે  દુનિયામાં
હૃદયને હઠ છે પ્રથમ જે મળ્યા'તા એ જ મળે

જો મળવું  હોય તો  ‘બેફામ’ની કબર પર જા
હવે  એ  રખડું  નથી  કે  તને  બધે  જ મળે

-બરકત વિરાણી ‘બેફામ’

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં ચકમકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પોં'ચે ત્યાં કૂંપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? -સુન્દરમ્

આ મોજ ચલી  જે દરિયાની  તે મારગની મુહતાજ નથી,
એ કેમ  ઉછળશે  કાંઠા  પર  એનો  કોઈ  અંદાજ  નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે  ક્યાં  બજવૈયો?  કૈં સૂર નથી કૈં સાજ નથી.

હા, બે’ક  ઘડી  એ નયનોમાં  જોઈ  છે  એવી એક છબી,
ઝબકારે એક જ  જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ  હજારો ગફલતમાં  હું  ભૂલી જાઉં  તને, પ્રીતમ!
ને  એમ છતાં  એવું  શું છે  જે  પ્રીતમ  તારે કાજ નથી?

આ  નૂર વિહોણી  દુનિયામાં  મેં  એક  જ નૂર  સદા દીઠું,
એક  પંખી  ટહુકી  ઊઠ્યું  તો  લાગ્યું  કે  તું નારાજ નથી.

આ   આગ  કટોરી  ફૂલોની  પરદા  ખોલી   પોકાર   કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.
- મકરંદ દવે

થવાનું ન થવાનું  કહે  નજૂમી કોણ એવો છે?
ન  જાણ્યું  જાનકીનાથે  સવારે  શું  થવાનુ છે!

હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું
જગત સૌ  દાખલા આપે  સવારે શું થવાનું છે

જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે
ન જાણ્યું  ભીષ્મ જેવાએ    સવારે શું થવાનું છે

થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે
ન જાણ્યું  ધર્મ રાજાએ     સવારે શું થવાનું છે

અરે થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે
જણાયું તે ન ગૌતમથી     સવારે શું થવાનું છે

સ્વરૂપે મોહિની દેખી  સહુ જન દોડતાં ભાસે
ભૂલ્યા યોગી થઈ ભોળા  સવારે શું થવાનું છે

હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગૂલ
હજારો શોચમાં છે   કે   અમારું શું થવાનું છે

થવાનું તે થવા દેજે બાલ મનમસ્ત થઈ રહેજે
ન  જાણ્યું  જાનકીનાથે   સવારે  શું થવાનુ છે
- બાલાશંકર કંથારિયા

પાસેપાસે તોય
કેટલાં જોજન
દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ
તોય છેટાંનો ભાસ
ઝાડથી ખરે પાંદડું એમાં ય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે!
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે?
કે યાદ જેવું કોઈ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ!
....જેમ કે, ગગન સાવ અડોઅડ,
તો ય છેટાંનો ભાસ.....

-માધવ રામાનુજ 

Tuesday, November 15, 2016

ઘોડો ઘુઘરીયાળો મારો ઘોડો ઘુઘરીયાળો
     ઘાસ દઉ તો ખાય છે
     રાજી રાજી થાય છે
     થોભાવું તો થોભે છે
     દોડાવું તો દોડે છે
દડબડ દડબડ દોડે ત્યારે લાગે પાંખોવાળો ....ઘોડો
     આખે ડીલે કાળો છે
     તો પણ બહુ રુપાળો છે
     ચાબુકનું શું કામ છે
     ચેતક એનું નામ છે

એની ઉપર બેસું ત્યારે લાગુ હું મુંછાળો .....ઘોડો