Thursday, March 31, 2016

પૂછ  એને  કે  જે   શતાયુ છે,
કેટલું  ક્યારે   ક્યાં  જીવાયું છે.

શ્રી  સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી  બીજું   શું  સવાયું છે.

આંખમાં  કીકી  જેમ સાચવ તું,
આંસુ  ક્યાં દોસ્ત ઓરમાયું છે.

આપણો  દેશ   છે  દશાનનનો,
આપણો  માંહ્યલો   જટાયુ   છે.

તારે  કાજે  ગઝલ  મનોરંજન,
ને મારે  માટે તો  પ્રાણવાયુ છે.
-મનોજ ખંડેરિયા

Sunday, March 27, 2016

આવો   આવો    આમ,    હે   બાળકો તમામ;
આપણે    ઉમંગે    કરીએ,    કાપણીનું   કામ.

જો  જો  પેલી  વાદળીઓ, વરસીને ચાલી જાય;
બાર માસનું  અનાજ  પીરસી,  સંપે રહે સદાય.

ખેતર  માંહે  ઊભરાયો  છે,  કેવો  સુંદર ફાલ!
લણીએ ચાલો ખંત ધરીને, કાં કરીએ સૌ કાલ?

વાંકું   દાતરડું  લઈ   હાથે,  ડૂંડાં  કાપો આમ;
લઈ  ખળામાં  ઢગલો  કરતાં,  રાખો હૈયે હામ.

અનાજની  લણણી પૂરી થઈ, કાપો  સર્વે  ઘાસ;
ચાર  ઘાસની  કોળી  લઈને, મૂકો સૌ આ પાસ.

પૂળા  કરી  ગાડામાં  નાખી,  પૂરું  કરીએ  કામ;
ઘેર  જઈ  વાળુ  કરી  સર્વે,  લો  ઈશ્વરનું નામ.

(રાગ ભૈરવી)

આવો બાળકો  આ વાર, દીસે  જો  ખળાં  તૈયાર;
ડૂંડાંમાં રહેલું  અનાજ,  ચાલો  છૂટું  કરીએ આજ.

બળદો ગોળ ફરતાં જેમ, ફરીએ  આપણે સૌ તેમ,
ડૂંડાં  જો  સરસ પિલાય, છૂટા કણ તરત તો થાય.

ભરીએ ટોપલામાં આમ, ઊપણીએ અનાજ તમામ;
ડૂંસાં ઊડી  જો!  જો!  જાય, નીચે કણ બધા વેરાય.

લઈએ  કોથળાઓ  સાથ, ભરીએ આમ હાથોહાથ;
કરીએ ખેડૂતનું  કાજ, મહેનતનું  મળે  ફળ  આજ.

-અજ્ઞાત
એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે

પલકમાં ઢળી પડે આથમણે
જળને તપ્ત નજરથી શોષી ચહી રહે ઘન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગરને મન વસવા
એક રજકણ સૂરજ થવાને શમણે
વમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે
ગતિ જાચી ઝંઝાનિલથી એ રૂપ ગગનથી ચ્હાય
જ્યોત કને જઈ જાચી દીપ્તિ જ્વાળા કને જઈ લ્હાય ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે
એક રજકણ સૂરજ થવાને શમણે
હરીન્દ્ર દવે
અમે સૂતા ઝરણાને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે વન વનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
અમે ગોત્યું વસંતની પાંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
અમે ખોળ્યું શૈશવને ગાલે,
અમે ગોત્યું કંઈ સેંથીની વાટે, લોચનને ઘાટે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે જોયું જ્યાં સ્વર્ગગંગા ઘૂમે, ને તારલાની લૂમે, અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી, વિરાટની અટારી,
(મુંબઈ, ડિસેમ્બર ૧૯૩૪)
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. ઉરે આંસુ પછવાડે હીચંતું, ને સપનાં સીંચંતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
-ઉમાશંકર જોશી
કોકના તે વેણને વીણી વીણીને વીરા ઊછી ઉધારાં ન કરીએ હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને મોરલો કોઇની કેકા માનવીનું કાળજ તે કેવું કર્યું પીડ પોતાની પારકા લ્હેકા રૂડાં રૂપાળાં સઢ કોકના શું કામનાં પોતાને તુંબડે તરીએ હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ કોકના તે વેણને... કોઈ કોઈ ચીંધે છે રામ ટેકરી કોઈ ઓઢા-હોથલની ગુહા ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે ક્યાંક દરદે નીંગળતા દુહા જીવતી ને જાગતી જીવનની ખોઈમાં કોઈની ભભૂત ન ભરીએ હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ કોકના તે વેણને... પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર ઝીલનારું એને ઝીલી લેશે ભલે પાસે જ હોય કે દૂર ઓલ્યા તો મોતમાં જીવી ગિયા વીરા જીવતાં ન આપણે મરીએ હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ કોકના તે વેણને વીણી વીણીને વીરા ઊછી ઉધારાં ન કરીએ
રચનાઃ મકરંદ દવે

Saturday, March 26, 2016

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછું વળે, એમ પણ બને
એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
અંધારું ઘરને ઘેરી વળે, એમ પણ બને
તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને
-મનોજ ખંડેરિયા

Thursday, March 24, 2016

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા! અમને એમ હતું કે તમને વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું, તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું; તમને કૈંક થવાના કોડ, અમને વ્હાલી લાગે સોડ; જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા, તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! અમને એમ હતું કે સાજન! કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું, તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું; તમારાં અળગાં અળગાં વ્હેણ, અમારાં એક થવાનાં ક્‌હેણ; એકલશૂરા નાથ! અમે તો પળે પળે સંભાર્યા; તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! -સુરેશ દલાલ
શ્યામ તારી દ્વારકામાં કેમ કરી આવું? એવડી એ દ્વારકામાં આવડું આ ગોકુળ કહે ને રે શ્યામ કેમ લાવું? તારી દ્વારકામાં કેમ કરી આવું? જમનાની સાટું તું દરિયો આપે છે પણ દરિયામાં પૂર કેમ આવશે? તારી મરજાદી ગોમતીના બાંધેલા ઘાટમાં કેમ કરી વનરાવન વાવું? તારી દ્વારકામાં કેમ કરી આવું? વાંસળિયું સાટું તું સોનાની શરણાયું દેવાની દે છે ડંફાસ શરણાયું કેમ કરી ભીતરમાં વાગશે જેમાં નહિ હોય તારા શ્વાસ? તારા મહેલુંના પાણામાં વનરાનાં ગાણાંને કહેને રે શ્યામ કેમ ગાવું? તારી દ્વારકામાં કેમ કરી આવું? ગોરસના ઘૂંટ તને કડવા લાગે છે અને આવે છે અમૃતમાં સ્વાદ ગાયુંની ઘંટડીયું ગોઠે ના શ્યામ તને ગમતા છે નોબતુંના નાદ ઓઢ્યું છે એક અમે ગોકુળનું ઓઢણું કેમ કરી દ્વારકાનું ધારું તારી દ્વારકામાં કેમ કરી આવું?
-ઈસુભાઈ આયદાન ગઢવી
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
એક મારું વેણ તને, મૂકજે અંબોડલે.

હું તો નાનું ફૂલડું,
ખીલ્યું અણમૂલડું,
હીંચું હીંચું  ને  હસું ડોલતે રે ડોડલે.
ચૂંટે  તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

વાયુરાજ   પૂછતો,
આંખ મારી લૂછતો,
મુજને ફાવે ન એને વીજફાળ ઘોડલે.
એક મને ભાવે આ હીંચવું  રે ડોડલે.

આજ તારી આંખમાં,
ફૂલ દીઠાં  લાખ શાં!
હોડે હૈયું તે ચડ્યું હેત કેરે  હોડલે.
હું ય ઝૂલું આંખશું તારે દેહડોડલે.

માળમાં વીંધીશ મા,
કાંડે   ચીંધીશ   મા,
મૂકજે આંખોથી કોઈ  ઊંચેરે  ટોડલે.
ચૂંટે  તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

ચૂંટજે ને ચૂમજે,
ગૂંથીને   ઘૂમજે,
હૈયાની  આંખ બની  બેસું અંબોડલે.
ચૂંટે  તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

-ઉમાશંકર જોશી
તને જોઈ જોઈ તો ય તું અજાણી (જાણે) બીજને ઝરુખડે ઝૂકી'તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી તું તો છે સંધ્યાની શોભા સોહામણી લોચને ભરાય તો ય દૂર દૂર ધામની વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય બાહુને બંધને ના સમાણી તને જોઈ જોઈ તો ય તું અજાણી પોઢેલો મૃગ મારા મનનો મરુવને જલની ઝંકોર તારી જગવી ગૈ એહને સીમ સીમ રમતી તું ના'વતી જરી કને સાબરના નીતરેલ નીર તું ભલે હો આજ મારે તો ઝાંઝવાના પાણી તને જોઈ જોઈ તો ય તું અજાણી -રાજેન્દ્ર શાહ

Monday, March 21, 2016

આ  કાળું પાટિયું ને  ચોક, લ્યો જનાબ લખો
તમારા  હાથ  વત્તા   કેટલાં  ગુલાબ?  લખો

ખરું  ને?  શોખ  છે તમને  પ્રથમથી  ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ? લખો

ફરી પૂછું છું  કે  શું  અર્થ  છે  આ જીવતરનો
લ્યો, ચોક લ્યો, અને  આ પ્રશ્નનો જવાબ લખો

ખરાબ  સ્વપ્નથી  નંબર  વધે   છે   ચશ્માંના
તો  કેવા સ્વપ્નને  કહેશો તમે  ખરાબ? લખો

લખો,  લખો કે છે,  તમને  તો  ટેવ લખવાની
બધા   તમારા  આપઘાતના   હિસાબ  લખો

આ  કાળા  પાટિયાની  બીક  કેમ રાખો છો?
તમે  સમર્થ છો,  લ્યો ચોક, ‘આફતાબ’  લખો

 -રમેશ પારેખ
કાગડાઓએ વાત માંડી પણ સુણનારાનાં સાંસાં
નીંદમાં હોલો ટાપસી પૂરે બગલો ખાય બગાસાં

ચકલીઓએ  ચીડિયા કર્યાં  રોષમાં બોલ્યો મોર
વાર છે  હજી ઊંઘવા દો ને પાછલી રાતને પ્હોર

પારેવડાંએ  ચાંચ  મારી  ને  ખેંચી  કિરણ દોર
હંસલાઓએ હાર  ગૂંથ્યો  ને તેડવા ચાલ્યા ભોર

મરઘો  મુલ્લાં બાંગ પુકારે  જાગજો રે સહુ લોક
બંદગી  કરે  બતક  ઝૂકી  કોયલ  બોલે  શ્લોક

તીડ  કૂદી  કરતાલ બજાવે  ભમરો  છેડે  બીન
કંસારી   મંજીર   લઈને   ભજનમાં    તલ્લીન

રાત ગઈ  જ્યાં મૃત્યુ  જેવી  સહુનાં જાગ્યાં મન
પ્રાણને  પાછો  દિન મળ્યો છે  દુનિયાને  જીવન

-નિનુ મઝુમદાર

Thursday, March 3, 2016

પ્રાર્થું આટલું એક  પૂજારી
એકાદી તો  આ મંદિરમાં
રાખ     ઉઘાડી    બારી
પ્રાર્થું આટલું એક  પૂજારી

રહ્યો રુંધાઈ  આતમ મારો  યુગ યુગના બંધિયારે
અકળાયાને  શેં   અકળાવે   આરતીના  અંધારે
પ્રાર્થું આટલું એક  પૂજારી

પગમાં  દોરો  કેડ  કંદોરો  ડોકે   હારની  ભારી
અંગેઅંગ  જંજીર  જડી તેં  તેની  બળતરા કાળી
પ્રાર્થું આટલું એક  પૂજારી

રમે  તું  રંગે  ને  હું  તુરંગે  આફત કેવી ઉતારી
મુક્તિ માગી મશ્કરી કર મા  દયા હું યાચું તારી
પ્રાર્થું આટલું એક  પૂજારી

-કરસનદાસ માણેક