Tuesday, November 30, 2021

અંજલિ ભરીને પ્રેમ ચાખ

અંજલિ ભરીને પ્રેમ ચાખ... 

ખળખળતી નદીયુંના નીર આજ બોલ્યા કે ચાલ તારી ઘીમી તો રાખ.....                               પરપોટા જેમ ભર્યો પ્રેમ તારી  ભીતરમાં અંજલિ ભરીને રોજ  ચાખ્....

સોનેરી કિરણોમાં સરતી તું જા  
ટહુકામાં અજવાળું ભરતી તું જા 
અંધારી ઓરડીમાં દીવડાનું તેજ ભરી અજવાળે બારણીયા વાખ.... 

ખળખળતી ધારામાં વહેતા રહેવું 
હૈયાને હેત ભરી  ચૂમતા રહેવું
જીવતરના રસ્તા પર ઉન્માદી ઓરતાને મોજાઓ જેવી દે પાંખ....

     ---- હર્ષિદા દીપક

Tuesday, November 23, 2021

ઘરનું અજવાળું

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

– અનિલ ચાવડા