Saturday, November 21, 2015




દરિયાને મન એમ કે થઈને રસ્તો ખૂબ જ દોડું,
રસ્તાને  મન એમ  થાય કે વાદળ થઈને થોભું;
એમાં ફૂલ હસે છે ઠાલું.

શ્રાવણને મન એમ કે આળસ ગ્રીષ્મબપોરે મરડું,
સૂરજ અમથો એમ  વિચારે શ્રાવણ થઈને વરસું;
એમાં ઝાકળ મલકે મીઠું.

કૂંપળને  ભમરો  થઈ   કોઈ  ભેદ  થયું   ઉકેલું,
ભમરાને  મધુબિન્દુ  થવાનું  એક જ લાગ્યું ઘેલું;
એમાં ડાળ મરકતી લીલું.

આભ વિચારે પ્હાડ  થઈને  ઘડીક ઘડી  વિસામું,
પર્વતને  સૌ  ગાંઠ  ઉકેલી આભ  મહીં  વિહરવું;
નિર્ઝર સ્મિત કરે ખળખળતું.

-મહેશ શાહ



એવું કૈં કરીએ  કે આપણ એક બીજાને ગમીએ! 
હાથ  હાથમાં આપી  સાથે  હૈયું  પણ સેરવીએ,

ભૂલચૂકને   ભાતીગળ    રંગોળીમાં   ફેરવીએ!
શા  માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં  ચાંદો  ઘાલી   હું   ફેકું  તારે  ફળીયે

સામેસામી તાલી દઈ દઈ રસબસ રાસે રમીએ!
એવું કૈં કરીએ  કે આપણ એક બીજાને ગમીએ!
-રમેશ પારેખ
અમથી અમથી મૂઈ ઓલ્યા માંડવાની જૂઈ!
કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી ગઈ
એની કાયામાં સુવાસ, જોબન શમણાનો ઝંકાર
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ!
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું રે હરણ
કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન એને ઝાકળમાં નવડાવી, એને ધૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ!
 જિતુભાઈ પ્ર. મહેતા
જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની
માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની
માથાકૂટ છે. કૃષ્ણ
રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું, ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની
માથાકૂટ છે. ભીષ્મ
સમજણની નજરેયથી ના સમજે તો સમજી
લેવાનું પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. ધૃતરાષ્ટ્ર
આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની
માથાકૂટ છે. ગાંધારી
નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં
તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની
માથાકૂટ છે. કુંતી
નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની
માથાકૂટ છે. સહદેવ
ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો
નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની
માથાકૂટ છે. દ્રૌપદી
સો સો હાથીનું બળ પણ લાચાર બની
ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. - ભીમ
કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ
આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની
માથાકૂટ છે. કર્ણ
તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ
પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ
ફર્યાની માથાકૂટ છે. અર્જુન
અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં
બસ..
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની
માથાકૂટ છે. 
એકલવ્ય
છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને
લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની
માથાકૂટ છે. અભિમન્યુ
મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે
સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની
માથાકૂટ છે. શકુનિ
નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ
પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની
માથાકૂટ છે. દ્રોણ
થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો
સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની
માથાકૂટ છે. દુર્યોધન
અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ
હર્યાની માથાકૂટ છે. 
અશ્વત્થામા
ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની
માથાકૂટ છે. યુધિષ્ઠિર
મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ
વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની
માથાકૂટ છે. વેદવ્યાસ


દીકરો :
પપ્પા, મને એક થાય છે સવાલ તમે મમ્મીને કઈ રીતે ગોતી?
નહોતો મોબાઈલ, નહોતી કંઈ વેબસાઈટ એફબી પણ ક્યાંય નહોતી ..........
ઝાકળથી લથબથ તાજા ગુલાબનું આપેલું ફૂલ કોણે પહેર્યું ?
વાદળ જેવું કૈંક આંજીને કોણ કોનામાં જઈ વરસેલું?
સપનાની જેમ કોઈ અધખુલ્લી બારીએથી તમને એ રોજ રોજ જોતી?.......
બાપ :
નજરુંના હિંચકે બેસીને રોજ અમે સપનાની ચોકલેટ ચાખી;
સમજાવું કેમ તને ખોબો ભરીને અમે પીધી'તી નદીયું આખી,
ટૂંકમાં કહું તો મેં ગણી હતી વીજળી, એણે પરોવ્યું'તું મોતી.....
  કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ કુવામાં વાંસ વાંસ પાણી
ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો
છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર
ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું
કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
- જગદીશ જોશી

Monday, November 16, 2015

મંદિરમાં મંજીરાં રણકે એમ રણકવા જાઉં ?
પાંચીકાની ગમતી મોસમ ગળે લગાડી આવું.
આંબાડાળે ટીંગાડેલું ગીત ફરીથી ગાવું ,
એક સખીની અડધી તાલી પાછી દેતી આવું .
થાક ઉતારે એવો ફેરો. બોલ સાજના જાઉં પિયરિયે?

બાપુના અક્ષરની લ્હેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
કાગળમાં છે માનો ચહેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
-
મુકેશ જોષી
ઉગમણે વ્હાલભર્યું દાદાનું ગામ પણે આથમણે મધમીઠું સાસરું,
કાચી હથેળિયું કૂંચી દઈને કહે સાચવજો બે કુળની આબરૂ .
સાત ફેરામાં ભવભવની વાત,
અમે પારકી થાપણની જાત.
-
મુકેશ જોષી
રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં 
રાણાજી અમે ટહુકાતી પીડાની જાતનાં
આંખ ઊઘડે છે હવે સૂની સવાર અને ડાળે ગુલાબ કેરો ગોટો 
મંદિરની ઝાલરનાં મોતી વિણાય નહી લટકાવી કાનજીનો ફોટો 
રાણાજી અમે ખળખળતાં ઝરણાનાં પ્રાંતનાં
રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં 
જંગલમાં જેમતેમ ઊગ્યા છે થોર એમાં વાંસળીના સૂર કેમ ભાળું
ખુલ્લાં મેદાન મને તેડાવે રોજરોજ ક્યાં લગ હું કહેણ એનાં ટાળું ?
રાણાજી અમે ટળવળતાં હરણાંની જાતનાં
રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં 
ગઢ રે ગિરનાર તણી ટોચે ચડીને અમે સળગાવ્યાં ઈચ્છાનાં તાપણાં
પાણી વચાળ રહ્યા કોરા તે આજ અમે પાણીને થઈ ગ્યાં અળખામણાં
રાણાજી અમે તરતા એક તરણાની ભાતનાં
રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં
-
મધુમતી મહેતા
ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની હાશલઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યુંતું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકીતી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો હુંને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો હાબોલી દો;
હાબોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
રિષભ મહેતા

Sunday, November 15, 2015

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
નથી એ હાથ હૂંફાળો નથી એ મેશનું ટીલું
મને એથી જ હર ડગલે હવે દુનિયાનો ડર લાગે
છે મારા નામ પર આજે રૂપાળાં કૈંક છોગાઓ
બેટાકોઇ કહેનારું મને વસમી કસર લાગે.
જીવનના સર્વ સંઘર્ષોમાં સાંગોપાંગ નીકળતો
મને તારી દુવાઓની જ એ નક્કી અસર લાગે.
હજી મારી પીડા સાથે નિભાવ્યો તેં અજબ નાતો
હજી બોલી ઊઠું છું ઓયમાઠોકર અગર લાગે.
સદા અણનમ રહેલું આ ઝૂકે છે તારાં ચરણોમાં
મને ત્યારે હિમાલયથી યે ઉન્નત મારું સર લાગે.

-કિશોર બારોટ
મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં,
અંગ અધીરાં શ્વાસ અધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
ગોકુળથી લઇ મથુરા, મથુરાથી મેવાડ લગી જે વ્હેતા,
એ સૂર બધાયે લીરે લીરા, ચાલો રમીએ મીરાં મીરાં.
ગીત-ગીતમાં પ્રિત-પ્રિતમાં રીત-રીતમાં અજબ-ગજબની,
છાની છલકે એક મદિરા, ચાલો રમીએ મીરાં મીરાં.
મોરપીંછની કલગી સાથે રંગ-રંગનાં સમણાં મારાં,
સઘળાં બોલ્યાં ધીરાં ધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
રોમ રોમમાં આજ અચાનક લાગ્યું એવું તીણું તીણું,
રણકયાં છાતી વચ મંજીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
-
અનિલ ચાવડા
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે.
સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદા આ આટલી તુજને વિનતી છે આ નાઝિરની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે.
- નાઝિર દેખૈયા
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા,
કે મહેક્યા વિના તે કેમ રહીયે
ફૂલની ફોરમની પકડીને આંગળી,
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને,
ઝૂમે છે આખુ ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને,
પકડ્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
પછી મલક્યા વિના તે કેમ રહીયે….
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ,
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર,
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ,
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

- મેઘબિંદુ
આંખોમાં દરિયો થઇ છલકાવું હોય, અને સહરાની જેમ પછી બળવું પડે
પીળાપચ પરબીડિયે ખાલીપો હોય, અને સરનામું તારું ત્યાં કરવું પડે,
ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે, તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે, ને તોય તારી વાટ જોઉં ઢાળથી
આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે, તને કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે, પછી મારાથી મારે પણ ડરવું પડે
ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ, અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય, અને તારા હોવાનું શુભ લાભમાં
તારો ઉજાસ તને પાછો મળે ને, એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે, પછી મારાથી મારે પણ ડરવું પડે.

રવીન્દ્ર પારેખ
અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.
સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને
જે તમે ના દઇ શક્યા એ સાદ પણ શું ચીજ છે.
તોડી નાખે છે રગેરગને ચીરી નાખે ત્વચા
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.
એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.
ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ
કોઇએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

મનોજ ખંડેરિયા

Saturday, November 14, 2015

 નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.
જાણીજોઇને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહી છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે
નથી રે
સામો આવી સરકી જાતો દોડી હં તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટોશી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી
ત્યાં ક્યા કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે
નથી રે
-
પ્રિયકાંત મણીઆર
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી
અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી
શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે
સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી
તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું
જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી
છેલછબીલે છાંટી

- પ્રિયકાંત મણીયાર