Sunday, November 15, 2015

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા,
કે મહેક્યા વિના તે કેમ રહીયે
ફૂલની ફોરમની પકડીને આંગળી,
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને,
ઝૂમે છે આખુ ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને,
પકડ્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
પછી મલક્યા વિના તે કેમ રહીયે….
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ,
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર,
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ,
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

- મેઘબિંદુ

No comments:

Post a Comment