Thursday, April 30, 2020

ચલ રાધીકે રાસે રમવા આપણ સાથે જઈએ
ઘેરો ઘાઘર લલચુનરીયા માથે પહેરી લેજે
પીળું પીતાંબર માથે છોગુ ખેશ મને તું દેજે
પુષ્પોનો સણગાર વાળમાં તું વેણી લઈ લેજે
યમુનાસી મમ કાળી લટ પર મોરપીછતું દેજે
કેડ કંદોરો પગમાં પાયલ નથણી પહેરી લેજે
રસે રમવા ઘુઘરી દાંડીયા તું સાથે લઈ લેજે
રસવંતો કોઈ રાસ રમીશું સંગે તું ફુંદડિ લઈ લેજે
– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’
કેવી અનહદ મળી
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.
– મારા મૌન ઉપર શબ્દોના થાપા હતા
એમાં કેટલા ઉઝરડા ને કાપા હતા
મારી અલગારી, કુંવારી સોબત મળી
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.
હાશ ! એકાંતનો તંબુ હું તાણી બેઠો
હું કેટલો નજીક – દૂર એ જાણી બેઠો.
કિસ્મતની વાત :
મને મારી પોતાની પાછી મિલ્કત મળી !
મને મારી સાથે જીવવાની ફુરસદ મળી.

સુરેશ દલાલ

હરી પર અમથું અમથું હેત,
હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.

અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
હરી પર અમથું અમથું હેત.

‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.

– રમેશ પારેખ

Thursday, April 23, 2020

કદી તું ઘર તજી ને રે
વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાત ને ખો ને રે … 
સુખ મોટું કે નામ નથી કાંઈ રે ,
બાગ બગીચા ગામ નથી કાંઈ રે ,
આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;
અમે છૈ એમ તું હોને રે… 
કેટલા સૂરજ કેટલા ચાંદા,
ગણવા તારે કેટલા દહાડા,
સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા માં ટેકરા ખાડા રે ;
જાગ્યો તો એમ તું સોને રે..
-ધ્રુવ ભટ્ટ

ધસમસતું આવ્યું, જો! પૂર…
બારી ઊઘાડતાં જ સુગંધનું ત્સુનામી આવી ચડ્યું ભરપૂર-
બેઉ, રાતરાણી ને હું ચકચૂર!
પવનની પીઠ પર સુગંધ સવાર થઈ,
સુગંધ પર સંભારણાં હેતનાં;
આકંઠ બેહોશી એવી છવાઈ,
જાગી સદીઓથી સૂતેલી ચેતના,
વીતેલા દિવસોના અજવાળાં તાણી ગ્યાં અંધારાં ક્યાંય દૂરદૂર…
ધસમસતું આવ્યું, જો! પૂર…
આંખોથી ચાખી’તી, હોઠેથી સાંભળી’તી,
ઝાલી’તી મેં કે પછી શરમે?
રામ જાણે કયા કેલેન્ડરની વારતા પણ
લાગે જીવી હો કાલ-પરમે,
કિયા તે ભવની ઊઘડી ગઈ બારી તે એક થ્યાં પાછાં બે ઊર.
બેઉ જણ, રાણી ને હું ચકચૂર!
– વિવેક મનહર ટેલર

હરિ પર અમથું અમથું હેત,
હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખું અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
હરિ પર અમથું અમથું હેત.
‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરિએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરિ પર અમથું અમથું હેત.
– રમેશ પારેખ

સુંદર કન્યા સ્મિત ઝરે પણ બોલે નહિ કંઈ,
મુજ શ્વાસ ન ભીતર ઉતરે, નીકળે બાહર પણ નંઈ.

મૌનના પડદા સાત હો તો પણ ચીરી દઈએ,
સ્મિતની મોનાલિસાને ક્યાંથી ઉકલીએ?
વાદળ હો કાળાં તો એને નીચવી દઈએ,
વીજળીના ચમકારા બોલો, કેમ પકડીએ?
ચાંદ ખીલ્યો પણ ચાંદનીનું એક ટીપું નઈં
આગિયાના ઝબકારે મારગ ક્યમ સૂઝે તંઈ?

દ્વાર ક્રોધના ખોલવાનું તો કંઈકે સહેલું,
સ્મિતની સીડી પર થઈ ચડવું, ભારે કપરું;
શબ્દ વેર્યા હો તો અર્થોને ચુગી લઈએ,
કેવું મુશ્કેલ મૌનની માયાજાળથી છૂટવું?
બોલો, હજીયે મૌન જ રહેશો? કહેશો નહીં કંઈ?
સમજણ સાથે જાત પાથરી દેશું રે સંઈ!

– વિવેક મનહર ટેલર

તું લખે એ સાચું, બેટા! તું લખે એ સાચું,
તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?
છાપાં, કાગળ, નોટબુક – તું જે મળે એ ધાપે,
ટાઇલ્સ હો કે ચાદર, તું બસ, એક માપથી માપે;
ભીંતોના મુડદાલ રંગોમાં આજે વર્ષો બાદ,
જાન આવી છે તારા ચિતરડાઓના જ પ્રતાપે,
તું કે’ તો એ પોકિમોન છે, તું કે’ તો પિકાચુ.
તું લખે એ સાચું, બેટા! તું લખે એ સાચું.
આ તારી એબીસીડી ને આ એકડા તારા,
આમ જુઓ તો કૈં નથી એ, છે નકરા ગોટાળા;
પણ જે રીતે તું મચી પડીને કામ આ કરે છે,
ખરું કહું તો થઈ રહ્યા છે સપનાંના સરવાળા,
પણ ભણી ગયેલી આંખો મારી, મારું ભણતર કાચું.
તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?
– વિવેક મનહર ટેલર

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં; બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેકે. ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો; લીધી સુખડી હાટથી આપી આટો, ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.” ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી, સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી; હશે ચોરને શાહનો ન્યાય એકે, નહી હોય શિક્ષા ગુનાની વિવેકે. ન એ વસ્તીમાં એક વાસો વસીજે, ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.” કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી, તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.” ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો, “નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.” ન માની કશી વાત તે શિષ્ય જયારે, ગુરુજી તજીને ગયા ગામ ત્યારે. રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા, બહુ ખાઈપીને થયા ખૂબ તાજા; પછીથી થયા તેહના હાલ કેવા, કહું છું હવે હું સુણો સદ્ય તેવા. તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર; તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર. માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ; શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ. “એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર; રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.” વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર; ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.” કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર; ચૂક એ ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર. ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ; એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ” પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય, આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.” “મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ; પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.” મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર; શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર. ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ; એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ. ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ; શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.” જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ; બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય; ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય. જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન, આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.” ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;” અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.” ગુરુએ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ; રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ. -દલપતરામ