Sunday, December 20, 2015

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.
ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું,
પાણીએ,પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે:
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું,
વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠયું ;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું!
હો આજ અમે અંધારું શણગાર્યું,
થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાયે વ્રત થાતાં :
આનંદઘેલા હૈયે અમારાં આજ અંધારાને ય અપનાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યુ,

પ્રહલાદ પારેખ

Sunday, December 13, 2015

પતંગિયું  કહે  મમ્મીમમ્મી, ઝટ  પાંખો પહેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.
 
બીજાં  કરતાં  જરાક  જુદી  છે  આ મારી  સ્કૂલ,
જેના પર  બેસી ભણીએ  તે  બૅંન્ચ નથીછે ફૂલ;
લીલીછમ્મ પાંદડીઓ  કહે છે  જલ્દી જલ્દી આવ,
પતંગિયું  કહે  મમ્મીમમ્મી, ઝટ  પાંખો પહેરાવ.
 
પહેલાં  પિરિયડમાં તો  અમને  મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ  જ્યારે  દડ, દડ, દડ, દદડે છે;
કિરણો   સાથે  રમીએ  છીએ   પકડાપકડી  દાવ,
પતંગિયું  કહે  મમ્મીમમ્મી, ઝટ  પાંખો પહેરાવ.
 
લેશનમાં  તો   સુગંધ  આપે   અથવા  આપે  રંગ,
બધાં જ  દફતર ખૂલે  ત્યાં તો  નીકળે એક ઉમંગ;
મધમાખી  મૅડમ   કહે   ચાલો  મીઠું   મીઠું  ગાવ,
પતંગિયું  કહે  મમ્મીમમ્મી, ઝટ  પાંખો પહેરાવ.
-કૃષ્ણ દવે
નાના થૈને,    નાના થૈને,   નાના થૈ ને રે!
 
બાપુ ! તમે નાના થૈને રે                 
                મારા જેવા નાના થૈને રે.
છાનામાના  રમવા આવો!  નાના થૈને રે.
નાના થૈને,   નાના થૈને,   નાના થૈ ને રે!
 
નાના કેવી રીતે થાવું,                     
               આવો, બાપુ! રીત બતાવું:
ઢીંકા-પાટુ,   પીવું-ખાવું  પાડા  થઈને  રે.
છાનામાના  રમવા આવો!  નાના થૈને રે.
નાના થૈને,   નાના થૈને,   નાના થૈ ને રે!
 
શેરી વચ્ચે નાચવા આવો,                
            ઓળકોળાંબે હીંચવા આવો,
બોથડ મોટી  મૂછ બોડાવો  પૈસો દૈને રે.
છાનામાના  રમવા આવો!  નાના થૈને રે.
નાના થૈને,   નાના થૈને,   નાના થૈ ને રે!
 
સૂરજ ભૈની નાનકી છોડી,              
                   કુરડીએ કંકુડા ઘોળી,
દા'ડી દા'ડી આવે દોડી  દરિયો થૈને રે.
છાનામાના  રમવા આવો!  નાના થૈને રે.
નાના થૈને,   નાના થૈને,   નાના થૈ ને રે!
 
ડુંગર ઉપર જઈ  બોલાવો:               
             ઉષા બે'ની  આવો  આવો!
એની પાસે ગાલ રંગાવો ગોઠ્યણ થૈને રે.
છાનામાના  રમવા આવો!  નાના થૈને રે.
નાના થૈને,   નાના થૈને,   નાના થૈ ને રે!
 
રચનાઃ ઝવેરચંદ મેઘાણી
  ડાળ ડાળ   જાણે  કે  રસ્તા વસંતના
ફૂલો એ  બીજું  કૈં નથીપગલા વસંતના!
 
મલયાનીલોની  પીંછી  ને  રંગ ફૂલોનાં  લૈ
દોરી રહ્યું  છે  કોણ  આ નકશા વસંતના!
 
આ એક તારા અંગે  ને  બીજો ચમન મહીં
જાણે  કે  બે  પડી  ગયાં  ફાંટા  વસંતના!
 
મહેકી  રહી  છે  મંજરી  એકેક  આંસુમાં
મ્હોર્યાં છે આજ આંખમાં આંબા વસંતના!
 
ઊડી રહ્યાં છે  યાદનાં  અબીલ ને ગુલાલ
હૈયે થયાં  છે  આજ તો  છાંટા  વસંતના!
 
ફાંટું  ભરીને  સોનું  સૂરજનું   ભરો  હવે
પાછા  ફરી  ન આવશે  તડકા  વસંતના!
 
-મનોજ ખંડેરિયા
વ્હાલપને નામ  નવ દઈએ,   ઓ સખીવ્હાલપને નામ  નવ દઈએ 
આંસુથી ભીંજેલા પત્તરને કેમ, સખી! કોરો તે કાગળ અમીં કહીએ?
કાળા તે અખ્ખરનો અમને ના મોહ, સખી! આંસુથી પત્તર ભીંજવીએ 
સૂરજથી  દાઝેલી  વેણુંને   એમ  સખી   વર્ષાની  વાત   કેમ  કરીએ
વેણુની સંગ  વીત્યા દિવસોની  વાત  હવે  દરિયો  ઉભરાવીને કરીએ 
દરિયાનું નામ  નવ દઈએ,    હો સખી,   દરિયાનું નામ  નવ દઈએ
આંસુથી ભીંજેલા પત્તરને કેમ, સખી! કોરો તે કાગળ અમીં કહીએ? 
અમથી વહે જો કદી  હવાની લહેરખી તો  વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે  જો ચહો  વૈશાખી વાયરો  તો  વાયરાનું નામ નવ દઈએ 
આંસુથી ભીંજેલા પત્તરને કેમ, સખી! કોરો તે કાગળ અમીં કહીએ?
વ્હાલપને નામ  નવ દઈએ,   ઓ સખીવ્હાલપને નામ  નવ દઈએ
-મેઘનાદ ભટ્ટ
થોડો બાવળને આવ્યો કંટાળો.
          ઑફિસમાં  બોલાવી  સુઘરીને  પૂછ્યું  કે  કેટલોક  બાકી  છે   માળો?
          થોડો બાવળને આવ્યો કંટાળો. 
          સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ?
          એક એક તરણાંની રાખીએ ડિટેલએને જાતમાં પરોવીએ  ને સાંધીએ.
          વ્હાલસોયાં  બચ્ચાંનો  હોય છે સવાલએમાં સ્હેજે  ના ચાલે ગોટાળો.
          થોડો બાવળને આવ્યો કંટાળો. 
          ધોધમાર  ધોધમાર  વરસે   વરસાદ   તોય   છાંટાની  લાગે  ના  બીક,
          ફલૅટની દીવાલ અને ધાબાં  જોયાં  છે!  એક ઝાપટામાં  થઈ જતાં લીક,
          રેતી  સિમેન્ટમાં હેત  જો  ભળે નેતો જ  બનતો    માળો  હૂંફાળો. 
          થોડો બાવળને આવ્યો કંટાળો.
          ક્વૉલિટી માટે તો  ધીરજ પણ  જોઈએ નેબાવળ કહે કે ભાઈ ઑ.કે.,
          ચોમાસું  માથે  છે   એટલે  કહ્યું   જરાક   જાવ  હવે  કોઈ  નહીં  ટોકે.
          ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે 
          આ ઊંધા લટકીને  જે પ્લાસ્ટર કરો છો,
                                              એમાં  થોડીક  શરમાય છે  આ ડાળો. 
          થોડો બાવળને આવ્યો કંટાળો.

-કૃષ્ણ દવે
   આપણે તો  એટલામાં રાજી! 
આખાયે  જંગલમાં  રોજ રોજ ફૂટે છે  ક્યાંક એક કૂંપળ તો તાજી
                                       આપણે તો  એટલામાં રાજી! 
એકાદું પંખી  જો ડાળ ઉપર  બેસે  તો  થાય મળ્યું  આખું આકાશ
એકાદું  ગીત  કોઈ  મોસમનું  ગાય  તોય  રોમ રોમ  ફૂટે  પલાશ  
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે ત્યાં રણઝણતી ઝાલરી બાજી
                                       આપણે તો  એટલામાં રાજી!  
પાણીની  એકાદી છાલકમાં હોય  કદી  રીમઝીમ  રેલાતો  મલ્હાર
છાતીમાં  નાંગરેલ  સપનામાં હોય  કોઈ  એકાદી  ક્ષણનો વિસ્તાર  
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય? કોઈ પૂછે તો કહીએ કે હાજી
                                       આપણે તો  એટલામાં રાજી!  
-રમણિક સોમેશ્વર

Thursday, December 3, 2015

ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે;
ત્યજી  વાંસવન નીરવ  વસીએ  મુરલીધરને હોઠે.
 
અંગુલિસ્પર્શ તણી  આરતમાં  ઝુરી રહ્યાં  છે છેદ,
સુગંધભીની  ફૂંક  શ્યામની  કરવી  નિજમાં  કેદ.
 
શ્વાસ કૃષ્ણનો અડે  તો પ્રગટે  દીવા બત્રીસ કોઠે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
 
આનાથી  તો  ભલો  વાંસના  વનમાં  લાગે  દવ,
ગોપી ઘેલી  થાય નહિ તો  બળ્યો  બંસીનો ભવ!
 
યમુનામાં  વહી  જાય રાખ  ને  સૂર ઉઠે પરપોટે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
-ભગવતીકુમાર શર્મા
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણીગર મોહન
એક નાની શી ગાંઠે ગંઠાયો
જશોદાનો જાયો
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો.
 
એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે
આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ના ખૂટે
આજ ઠીક લાગ હાથ મારે આવ્યો જશોદાનો જાયો
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો.
 
મારે કાંકરીયા ને મટકી ફૂટે
મારગ આવી મારા મહીડા નીત લૂંટે
મુને લૂંટતા એ પોતે લૂંટાયો જશોદાનો જાયો
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો.
 
સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું
 મહીં ચંદ્ર-સૂરજ-તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર, લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો જશોદાનો જાયો
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો.
 
-અવિનાશ વ્યાસ