Sunday, September 20, 2020

ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને

 ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને મથુરાએ ખોંખારા ખાધા,

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.


ગુલ્લાબી કાગળને ખોલીને જોયું તો બીડયો'તો કેવળ સન્નાટો

પટરાણી બોલ્યા કે ગર્વીલી રાધાને લઇ ગઇ છે હુશિયારી આંટો

જાણતલ તેડાવો કાગળ ઉકેલો ભૈ આપણે તો ભાષાના વાંધા

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.


માથું ધૂણાવીને ઓધવ વિચારે કે હું યે છું મૂરખનો જામ,

કાનાને સોંપી દઉં એની અમાનત, શું રખડાવું ઠેરઠેર આમ !

મૂછોમાં મલક્યા કે કોરાકટ કાગળનો શું રે જવાબ દઇશ માધા?

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.


હૈયે અડાડીને , રોકીને શ્વાસ પછી કાનાએ કાગળને ખોલ્યો,

આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ અને એ બાજુ કાગળ ન બોલ્યો

આંખો લૂછીને હરિ હળવેથી બોલ્યા કે મારે તો રડવાની બાધા

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.

—પારુલ ખખ્ખર 


Sunday, September 13, 2020

 બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા

બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા

એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

…………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ખોરડાંને આડ નહીં ફરતે દીવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયું

તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયું

બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાંએ ટાંગેલાં દોરડાં


………………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ઘરમાં બેસું ને તોયે સૂરજની શાખ દઈ ચાંદરણાં તાળી લઈ જાય છે

કેમનું જિવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે

એક વાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચિતરેલ બધા મોરલા

……………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ધૃવ ભટ્ટ


' તું યે ચૂપ ... હું યે ચૂપ ' .....


તું યે ચૂપ ... હું યે ચૂપ .....
           તું યે ચૂપ ... હું યે ચૂપ .....

હો ... હો ... હો ....
આ તો  મેઘલો વરસે સોહમ સોહમ
લીલી ધરતી કંઇ તરસે મોઘમ મોઘમ

   ગાલની લાલી રળતી હાલી
        આંખનું કાજળ  ઢળતું  હાલ્યું
   પાંપણ  નીચી  પડતી  ઝાલી
        હૈયામાં  કંઇ  હળવું   હાલ્યું
હો .... હો ... હો .....
વહેતો ધીમો સમીરો ગુમસુમ ગુમસુમ
નાદ હળવેથી સંભળાતો સુનમુન સુનમુન
          તું યે ચૂપ ... હું યે ચૂપ .....

    નજરું તારી બોલતી જાતિ
        મન  માલીપા  એક  કહાની
    વાયરો વીટી ઝાંઝરી  ગાતી
        આકાશેથી    વરસી   બાની
હો ... હો .... હો .....
તારા સૂરમાં થયું છે આજ ઘેલું તનમન
ભીંજે રાધા-ઘનશ્યામનું મીઠું ઉપવન
           તું યે ચૂપ ... હું યે ચૂપ .....

     ----- હર્ષિદા  દીપક