Sunday, September 20, 2020

ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને

 ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને મથુરાએ ખોંખારા ખાધા,

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.

ગુલ્લાબી કાગળને ખોલીને જોયું તો બીડયો'તો કેવળ સન્નાટો

પટરાણી બોલ્યા કે ગર્વીલી રાધાને લઇ ગઇ છે હુશિયારી આંટો

જાણતલ તેડાવો કાગળ ઉકેલો ભૈ આપણે તો ભાષાના વાંધા

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.

માથું ધૂણાવીને ઓધવ વિચારે કે હું યે છું મૂરખનો જામ,

કાનાને સોંપી દઉં એની અમાનત, શું રખડાવું ઠેરઠેર આમ !

મૂછોમાં મલક્યા કે કોરાકટ કાગળનો શું રે જવાબ દઇશ માધા?

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.

હૈયે અડાડીને , રોકીને શ્વાસ પછી કાનાએ કાગળને ખોલ્યો,

આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ અને એ બાજુ કાગળ ન બોલ્યો

આંખો લૂછીને હરિ હળવેથી બોલ્યા કે મારે તો રડવાની બાધા

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.

—પારુલ ખખ્ખર 

No comments:

Post a Comment