Friday, December 23, 2022

શાયર સુધ્ધાં ગેંગેફેંફે

પીડાઓ પણ પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેફેંફે,
શ્રદ્ધા મારી જોઈને છે ઈશ્વર સુધ્ધાં ગેંગેફેંફે.

હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું !
એવા બરછટ જેની આગળ પથ્થર સુધ્ધાં ગેંગેફેંફે.

ઘાવ જોઈ અટવાઈ ગયા છે આવ્યા’તા જે ઈલાજ કરવા,
દવા બધીયે મૂંગી થઈ ગઈ, હળદર સુધ્ધાં ગેંગેફેંફે.

એ રીતે જોયું એણે કે તલવારોનું કંઈ ના આવે,
પળવારે તો થઈ ગયું’તું બખ્તર સુધ્ધાં ગેંગેફેંફે.

ગુલાબ કહી દો, કહો મોગરો, બોલો કંઈ પણ બ્રાન્ડ,
એની સુગંધ આગળ લાગે અત્તર સુધ્ધાં ગેંગેફેંફે.

‘અનિલ’ ગઝલ આ સંભળાવીને તેં બહુ મોટા લોચા માર્યા,
શ્રોતાઓ છે સાવ અવાચક, શાયર સુધ્ધાં ગેંગેફેંફે.

– *અનિલ ચાવડા*

વિધાતાએ દીકરી ઘડીને

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.

*– મકરન્દ દવે*

Thursday, December 22, 2022

હાલ ને હરિ ..

હાલ ને   હરિ .....

હાલ ને   હરિ .....
  વારતાને હળવેથી માંડીએ 
દિવસ  ને  રાત  બધા  વસમાં ગયા છે 
એને હાથોમાં ઝાલી ન રાખીયે... 

રૂવેરૂવેથી રૂડા ગીતો ઊઘડે ને હાલ વાંસડીની
જેમ એ વગાડીએ 
હાથમાંથી આજ ભલે સરકે છે  શાન - ભાન 
 પાંપણને ધીમે ઉપાડીએ ....
 હાલ ને   હરિ .....
     વારતાને હળવેથી માંડીએ..... 

આવ્યા'તા પડખે ને અડયાતાં એક વાર 
તોય લાગે છે દૂર દૂર દેરું
દરિયામાં જઈને મેં જાતને ઝબોળી
તો લાગ્યું કે ભવભવના ભેરું 
નોખા છે પિંડ તોય શ્વાસો છે સરખા 
 તો આખીયે જાતને ઉજળીએ 
  હાલ ને   હરિ .....
      વારતાને હળવેથી માંડીએ..... 
----   હર્ષિદા  દીપક