Thursday, June 1, 2017

એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
અંદર બહારના ભેદ ભૂલીને રંગનો ઊછળે પારાવાર
લીલા રંગના ઊડે ફુવારા
ગુલાબની એક આલમ
પાંદડીઓની વચ્ચે કેવાં
પતંગિયાં  મુલાયમ
કબીર  થઈને  કાળ  વણે છે  રંગરંગના  તારેતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
સફેદ રંગ તો મીરાં જેવો
નીલ રંગ તો શ્યામ
સૂરદાસની આંખની પાછળ
રંગનું ગોકુળ ગામ
રંગરંગમાં  આંખ  જુએ  છે  હરિવરનો   અવતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

 પન્ના નાયક
કલેજા અમારા રે વીંધી રે નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટ ફાટ થાય રે .
છૂટાં છૂટા તીર અમને ન મારીયે બાઈજી
મેંથી સહ્યાં નવ જાય જી.
બાણ રે વાગ્યા ને રૂંવાડા વીંધાણા
મુખથી કહ્યાં નવ જાયજી.
આપોને વસ્તુ મુને લાભ જ લેવાને
પરિપૂર્ણ કરોને કાય રે.
બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહ રે દશા મટી જાય જી .
બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
પરિપૂર્ણ વચનમાં વર્તાય જી,
ગંગાસતી રે એમ બોલિયા પાનબાઇ
પૂર્ણ અધિકારી કહેવાય જો.

ગંગા સતી
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.


ગની દહીંવાલા
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબળ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે


સુરેશ દલાલ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
રમેશ પારેખ