Friday, March 3, 2023

જાગ્યા ને ત્યારથી સવાર...

 ને ત્યારથી સવાર...

કેવી મીઠાશ છે આ ભાષામાં, સમજાતાં લાગી ભલે ને થોડી વાર!
જાગ્યા ને ત્યારથી સવાર...

આખી નહીં ,અર્ધી નહીં, પા પા પગલીનો થશે બીજી ભાષામાં તરજુમો ?
રહી રહીને એકસરેમાં કોઈને તો દેખાયો બાઝી ગયેલો એક ડૂમો !

પંખીને પોતાને સમજાવા લાગશે ભાઈ પોતીકા ટહુકાનો સાર, 
જાગ્યા ને ત્યારથી સવાર...

બીજી ભાષામાં ક્યાં મળશે આ શબ્દો, ભાઈ ઢગો, ઢીંઢું ને વળી ઢાંઢો ?
ઢાંકોઢુંબો ને વળી ઢોલ પણ મળે ને મળે લટકામાં મીંઢો ને વાંઢો !

ધારો કે “ઢ” લઈને ઢંઢેરો પીટીએ તો ધાર્યું પણ થાય છે ધરાર,
જાગ્યા ને ત્યારથી સવાર...

મીરાંબાઈ, પ્રેમાનંદ,અખ્ખાની સાથે આ નરસિંહ મ્હેતા પણ હરખાશે,
જેક એન્ડ ઝીલ સાથે નાનકડા હોઠ હવે “જાગને જાદવા” ય ગાશે,

તે’દિ આ વાણીનાં લોચન ઊભરાશે ને હરખનો રહેશે નહીં પાર!
જાગ્યા ને ત્યારથી સવાર...

કૃષ્ણ દવે