Sunday, March 31, 2019


ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….
ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.
ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….
- રમેશ પારેખ



દર્દનો તેથી વધેલો ભાર છે,
આંસુઓ ડૂસકાંના વારસદાર છે.
બ્હાર ભૂખ્યાને જમાડો પ્રેમથી,
મંદિરોનો એ જ જીર્ણોદ્ધાર છે.
કાચ તૂટેલો મને જોઈ કહે,
એકસરખો આપણો આકાર છે !
વૃક્ષ શ્વાસોનું થયું છે વૃદ્ધ ને,
સૌ કુહાડી મારવા તૈયાર છે !
ડૂસકાઓને હવા આપે છે એ,
શ્વાસનો પણ કેવો અત્યાચાર છે !
નહિ તો ઈશ્વરનેય નીચે મોકલે,
સારું છે કે સૌ અહીં લાચાર છે !
ટોચ પર જાવાનું સપનું રહી જશે,
પાર્થક્યાં થોડોક પણ વગદાર છે
?
પાર્થ પ્રજાપતિ



મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.
ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.
કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?
- હરીન્દ્ર દવે



તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?
એકાદિ મુઠ્ઠીનુ અજ્વાળુ આપવા આખીય જિદગી બળયા છો?
તમે લોહીઝાણ ટેરવા હોય તો ય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા?
તમે લીલેરાં છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?
તમે એક્વાર એનામાં ખોવાયા બાદ ક્દી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?
તમે કોઇનીય આંખોમાં વીજના કડકાથી ખુદમાં વરસાદ થતો જોયો?
તમે કોઇના યે આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજ ને ખોયો?
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?

મુકેશ જોષી