Monday, August 20, 2018

આંખોને સંબોધીને હ્રદયે કહ્યું : બહુ નસીબદાર છો તમે . ક્યારેક હિમાલય દર્શન કરો છો તો ક્યારેક ગંગા દર્શન 
અરે રસ્તામાં કોઈ સરસ ચહેરો જોવા મળે તો કેવું ટગરટગર જોયા કરો છો ક્યારેક એ ચહેરા માટે રાત રાત ભર 
જાગો છો એના માટે કોઈ સરસ કવિતા વાંચો છો . કેટલા બધા ચહેરા તમને ગુલાબ જેવા દેખાય છે . તમને થાક પણ નથી લાગતો ? આંખોએ હ્રદયને જવાબ આપતા કહ્યું . અમે નસીબદાર તો ખરા જ પણ સાચું કહીએ તો એક સરસ ચહેરા ની પાછળ 
એક સુંદર હ્રદય ની તલાશ કરીએ છીએ જેથી ઓ હ્રદય તારી કંપની તને મળી જાય . કદાચ સાચી લાગણી 
મળી જાય તો તું (હ્રદય) મંદિર બની જાય અને એમાં સ્વયમ પરમ ના પગલાનો અવાજ સંભળાય પછી અમારે બીજા ચહેરા
જોવાની જરૂર નહિ પડે પછી તો એ જ હ્રદયની લાગણી તે ગંગા અને એજ ચહેરાનું સ્મિત તે હિમાલય . 
આંખોના જવાબે હ્રદય ગદગદિત થઇ ગયું અને એટલું જ બોલ્યું : ગયા જન્મથી આ કામ તમે થાક્યા વગર કરો છો .. ખબર નહિ 
તમને સફળતા ક્યારે મળશે ? આંખોએ કહ્યું : હ્રદય , તું તો જાણે છે કે એક સાચો સ્નેહ પામવા થોડાક જન્મો ફરવા પડે 
તે ફરીશું . પણ પ્રેમી તો મીરાંને મળ્યો તેવો મળશે ત્યારે જ અમે અમારી જાતને મીંચી દઈશું 

મુકેશ જોશી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી
હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
- હેમંત

Friday, August 17, 2018

બોલે    બુલબુલ
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ! બોલે બુલબુલ’