Wednesday, September 28, 2016

મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળના વાવડ ગમે, કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે, કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે, કે મારી આ કોયલનું કૂતને
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે, કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે, કે દરિયાનો કાંઠો ને હુંતને
તને છોને વરસાદ હોય વ્હાલો પણ, કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય, તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે,ને ચોમાસે કહે છે જા છૂતને


મુકેશ જોશી
સુખની આખી અનુક્રમણિકા, અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ
પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે, કેમ બચાવો દર્પણતમે જિંદગી
હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં, ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….
આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને, પીડા નામે વળગણ…. તમે જિંદગી…..


મુકેશ જોશી
ફરી આંખ કાં સજલ,
ગીત લખું કે ગઝલ
કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!
આ કોણ કાપતું મજલ, ગીત લખું કે ગઝલ
કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં
આ કોણ આટલું સરલ, ગીત લખું કે ગઝલ!
હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કોક લખાવી જાય છે ને, માનું મારો હક
(
તો) થશે કોક દી ટસલ, ગીત લખું કે ગઝલ!


મુકેશ જોશી
હુ તો કાગળને રંગતી, વાદળને રંગતી, રંગતીતી પડતા વરસાદને
હુ તો ફૂલોના સ્મિતમાં પંખીના ગીતમાં સાંભળતી કુદરતના સાદને….
એક વાર પાંચીકા આભ લગ ઉછાળયા કે સૂરજને લાગી નવાઈ
બદલામાં આકાશે તારા વરસાવ્યાને મારી આ ઓઢણી ભરાઈ
હુ તો સ્વપનની અટારીથી અધખુલ્લી બારીથી જોતીતી આથમતાં ચાંદને
મમ્મીના ગીત હુ તો મનગમતા ઝાડવાની ડાળીઓને જઈને સુણાવતી
મુઠ્ઠીમાં સંઘરેલી વરસાદી વારતાઓ સુક્કા બગીચામાં વાવતી
હુ તો મોરલાની ગહેક સંગ ધરતીની મહેક સંગ ચાખતીતી પડતા વરસાદને


મુકેશ જોશી

Saturday, September 24, 2016

પંખીના બચ્ચાએ કીધું કે ચાલોને વાદળને પાણીથી ધોઇએ
પંખીએ ટહુકાના લ્હેકામાં કીધું કે એ માટે પાસપોર્ટ જોઇએ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી ..આપણે તો પાંખ નહીં લાવેલા તડપંતા માનવપંખી
પાસપોર્ટ આવ્યોને બચ્ચાને લાગ્યું કે આવી ગૈ ઊડ્વાની પાંખ
પંખીએ કીધું કે સપનાને અડવામાં જોઇએ વિઝાની આંખ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી..આપણે તો સરહદની વાડમાં ઝુરંતા માનવપંખી
વિઝાનું સિમત જોઇ પંખીના બચ્ચાએ આભ લગી માંડેલી મીટ
પંખીએ કીધું કે ધીરજ તો રાખ હજુ ઉડવાને જોઇએ ટિકીટ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી..આપણે તો પિંજરને સાથે લૈને ઉડંતા માનવપંખી 


મુકેશ જોશી

Sunday, September 11, 2016

હરિ આ મારા જન્માક્ષર તો વાંચો
લખચોર્યાસી ફેરામાં આ કયાંક પડે છે ખાંચો.. હરિ મારા જન્માક્ષર તો વાંચો
હરિ, તમે તો ભાગ્યવિધાતા આગળપાછળ ઘણું વિચારો ને લખતી વેળાએ પાછા સાવધ ને સચેત
હરિ તમે લખતાંતા તે દિ હું તો સાવ જ નાનો ખાલી છ જ દિવસનો નહીં તો તમને એ જ દિવસ હું કહેત
હરિ, તમે મુકવું ભૂલ્યાં છો સૂરજ નામે ઝળહળ ખાનું લ્યો હવે કરી આપો એમાં એક સુધારો સાચો ..હરિ આ મારા જન્માક્ષર તો વાંચો
હરિ, હવે આ જનમકુંડળી વચ્ચે છોને સૂરજ ના મૂકાય ખાલી દીવો પણ મૂકી આપો તો ય ચાલે
દીવો પણ મૂકવાનું તમને ના ફાવે તો કેવળ તમરુ નામ લખી દો પછી નહી ફરિયાદ આવતીકાલે
હરિ આ મારી જનમકુંડળીમાંથી સીધો રસ્તો તમ લગ આવે છો ને ઉબડ્ખાબડ હો ને પાછો કાચો …હરિ આ મારા જન્માક્ષર તો વાંચો
હરિ, જાઉં છું પાછો કિંતુ કામ હશે તો જરુર પાછો આવીશ ને નક્કી જ તમારું કામ મને પડ્વાનું
તમને પણ કૈ કામ હોય તો મળજો આવીને તો થાશે સંબંધો યે પાકા પાછુ અરસપરસ મળવાનું
હરિ, તમારી આવનજાવ્ન થતી રહેની મળે ખાત્રી તો મારે ક્યાં વાંધો છો ને જન્માક્ષ્રરમાં ખાંચો…હરિ આ મારા જન્માક્ષર તો વાંચો
મુકેશ જોશી
 બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિ 
કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ?
 
રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા   તારા મનને ક્યાંથી બાંધું 
તું ના માને એ સાંજે  હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુ 
મારા ગઝલો  વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો દોર થયો કે નહિ ?
 
સ્મિત તણા પારેવા તું ઉડાવે એને આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે 
એમ સીવે તું હોઠ કે જાણે શબ્દો બધા ઠોઠ અને તું કરે સાથીયા નામ લઇ મનમાંહે  
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે એ છોને મનગમતો પણ ચોર થયો કે નહિ 
 
મુકેશ જોષી 
મને યાદ છે મારે તને એક સાંજ આપવાની છે. એ પણ યાદ છે કે મારે નીલા આકાશમાં
મોરપીંછ ના રંગ ભરવાના છે. ઘડિયાળના બે કાંટા વચ્ચે ગુલાબી રંગ ની ચાદર પાથરવાની છે
પીળા સુરજને સુર્યમુખીની કંકોત્રી આપવાની છે. દરિયાના પાણી ને રેતીની વાર્તા કહેવાની છે
મેં છેલા કેટલય દિવસોથી મોર ને તાકી રેહવાનું , ઘડિયાળને નિયમિત ચાવી આપવાનું ,
સૂર્યમુખીના ફૂલોમાં પાણી રેડવાનું અને  રેતીની   આત્મકથા વાંચવાનું શરુ કરી દીધું છે
તો ય ખુલાસો કરી દઉં કે મને હાથમાં સુગંધી મોગરાનું ફૂલ દોરતા નથી  આવડતું
બહુ બહુ તો  બે  હાથમાં વિશ્વાસ નું અત્તર લગાવી શકીશ
 નારંગી સાંજ તારા ચેહરા ઉપરથી  ઢોળાતી હશે ત્યારે
મોબાઈલ ને બદલે આંખોથી તસ્વીર પાડી શકીશ
અને હા તારા ગમતા ગીતની એકાદ પંક્તિ ચોક્કસ ગાઇશ
કદાચ ગરમ સાંજ સામે તને કુલ્ફી ખાતા ખાતા હિમાલયની વાતો કરી શકીશ
પણ આટલી અમથી વાત કરવા મળવાની શી જરૂર ? આ વાતો અમસ્તીય
ફોન પર થઇ શકે
ત્યારે  તે મને કહેલું કે મેચ જોવાની મજા ટીવી માં ને સ્ટેડીયમમાં
પણ આવે પણ આંખ સામે વિરાટ ની રમત જોવાની મજા આવે કે ટીવીમાં ?

મૂકેશ જોષી
પાંચીકા રમતીતી દોરડાઓ કુદ્તીતી ઝુલતીતી   આંબાની ડાળે
ગામને પાદરીએ જાન એક આવી ને મારું બચપણ ખોવાયું એ જ દાડે
મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખાતીતી દાદાને ચિઠ્ઠી
લખવાનું લખીતંગ બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી
આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
                                                   ને મારું બચપણ ખોવાયું એ જ દાડે
પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી જી બાપુના ચશ્માં પલાળે
                                                  ને મારું બચપણ ખોવાયું એ જ દાડે
ઢોલ અને શરણાઈ શેરીમાં વાગીયા ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપળ તોડાઈ એક તાજી
પાંચ પાંચ વર્ષોથી ગોરમાને પૂજ્ય ને ગોરમા જ નાવ ને ડુબાડે
                                               ને મારું બચપણ ખોવાયું એ જ દાડે
   મૂકેશ જોષી 

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
મનોજ ખંડેરિયા 


Tuesday, September 6, 2016

શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને લ્યો અમે તો આ ચાલ્યા
જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓમાં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને લ્યો અમે તો આ ચાલ્યા
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યુંતું,
સાચવી ને રાખ્યુંતું, અશ્રુ એ જ સાર્યુંતું,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને લ્યો અમે તો આ ચાલ્યા
ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉને આ મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને……લ્યો અમે તો આ ચાલ્યા

તુષાર શુકલ       

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .
ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું હાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,
ભીંજાતા શીખવું હું હાલ.
લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .
આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર , પળમાં તું શાંત ,
અલ્યા વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

ચૈતાલી જોગી

સૂરજ તું સળગે છે શાને ? તું ય કદી ચાંદલિયા જેવો ઠંડો ઠંડો થાને !
ઉગમણે આભ તને જોઇ કોણ ઢોળે છે 
રોજ - રોજ રંગનો કટોરો ? 
ધોધમાર વરસે વરસાદ છતાં આમનામ 
તું કાં રહી જાય સાવ કોરો ?
સાંજ પડ્યે દેશ કયે ચાલ્યો તું જાતો ફરવાને ? 
સૂરજ તું સળગે છે શાને ?
વાદળીઓ જેમ તને થાય કદી એવું 
કે ચાલો દોટમદોટ્ટા કરીએ ! 
થાય વળી એવું કે લ્હેરાતા રહીએ 
લ્હેરે છે જેમ મોજાંઓ દરિયે !

તારકની ટોળી બોલાવે છે રમવા તો જાને ! 
સૂરજ તું સળગે છે શાને ?

....કિરીટ ગોસ્વામી