Sunday, September 11, 2016

 બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિ 
કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ?
 
રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા   તારા મનને ક્યાંથી બાંધું 
તું ના માને એ સાંજે  હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુ 
મારા ગઝલો  વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો દોર થયો કે નહિ ?
 
સ્મિત તણા પારેવા તું ઉડાવે એને આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે 
એમ સીવે તું હોઠ કે જાણે શબ્દો બધા ઠોઠ અને તું કરે સાથીયા નામ લઇ મનમાંહે  
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે એ છોને મનગમતો પણ ચોર થયો કે નહિ 
 
મુકેશ જોષી 

No comments:

Post a Comment