Sunday, September 11, 2016

મને યાદ છે મારે તને એક સાંજ આપવાની છે. એ પણ યાદ છે કે મારે નીલા આકાશમાં
મોરપીંછ ના રંગ ભરવાના છે. ઘડિયાળના બે કાંટા વચ્ચે ગુલાબી રંગ ની ચાદર પાથરવાની છે
પીળા સુરજને સુર્યમુખીની કંકોત્રી આપવાની છે. દરિયાના પાણી ને રેતીની વાર્તા કહેવાની છે
મેં છેલા કેટલય દિવસોથી મોર ને તાકી રેહવાનું , ઘડિયાળને નિયમિત ચાવી આપવાનું ,
સૂર્યમુખીના ફૂલોમાં પાણી રેડવાનું અને  રેતીની   આત્મકથા વાંચવાનું શરુ કરી દીધું છે
તો ય ખુલાસો કરી દઉં કે મને હાથમાં સુગંધી મોગરાનું ફૂલ દોરતા નથી  આવડતું
બહુ બહુ તો  બે  હાથમાં વિશ્વાસ નું અત્તર લગાવી શકીશ
 નારંગી સાંજ તારા ચેહરા ઉપરથી  ઢોળાતી હશે ત્યારે
મોબાઈલ ને બદલે આંખોથી તસ્વીર પાડી શકીશ
અને હા તારા ગમતા ગીતની એકાદ પંક્તિ ચોક્કસ ગાઇશ
કદાચ ગરમ સાંજ સામે તને કુલ્ફી ખાતા ખાતા હિમાલયની વાતો કરી શકીશ
પણ આટલી અમથી વાત કરવા મળવાની શી જરૂર ? આ વાતો અમસ્તીય
ફોન પર થઇ શકે
ત્યારે  તે મને કહેલું કે મેચ જોવાની મજા ટીવી માં ને સ્ટેડીયમમાં
પણ આવે પણ આંખ સામે વિરાટ ની રમત જોવાની મજા આવે કે ટીવીમાં ?

મૂકેશ જોષી

No comments:

Post a Comment