Sunday, November 23, 2014

મને કામ દીધું પ્રકાશિત થવાનું,
આ મારાથી મારે પરિચિત થવાનું ?
પળેપળ આ હોવાનું ખંડિત થવાનું,
વિચારોની વચ્ચે વિભાજિત થવાનું.
અહીં માપપટ્ટી બધાની અલગ છે,
અને આપણે રોજ સાબિત થવાનું.
અહીં હાથ પોતાનો જોઈ તપાસી,
તમારે તમારા પુરોહીત થવાનું.
કદી આકરા છાંયડા પણ મળે છે,
સૂરજનાં કિરણથીય વંચિત થવાનું.
ઘણાંને હસાવી ઘણાંને રડાવે,
એ રીતે જ ઈશ્વરને સ્થાપિત થવાનું.
થવાનું અહીં એ તો થઈ ને રહે છે,
જવા દઈએ આજે આ પંડિત થવાનું.
~ગૌરાંગ ઠાકર.
વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને
તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને
તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને
તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને
સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને
મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો!
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને
બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને
ગની દહીંવાળા
આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
મને આ નગરમાં નિરાધાર છોડી,
રસ્તા બધા કોની પાછળ ગયા છે
છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે,
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે
પહાડો ઉભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે
મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે,
હું છું ને ચારે તરફ ડુંગરા છે

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ,
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે
 રમેશ પારેખ

ચાહતા હોઈએ એ પાત્રની સાથે

જિંદગીના આનંદો વહેંચતા રહેવાની છે એક મજા

જ્યાં એક બીજાનો સાથ મજબુત છે

એવા સંબંધોમાં એકાંત કદી ટકી શકે ખરું ?

જીવન મુસાફરીના આ રાહમાં

ઓચિંતા જ અણદીઠ્યા કેવા અને કેટલા 

સહૃદયી મિત્રો આવી મળતા હોય છે ! 

જીવન અધૂરું ના લાગે એ સહુની સંગતે,

આમ જીવનના રાહમાં

રંગીલો મેળો રંગ ભરતો જશે.

 

જીવન મુસાફરીના આ રાહમાં

પ્રકાશ દે તુ, મુજ જીવનમાં,

પામવાને સાચો રાહ,કે જેથી,

આનંદ વહેંચતા સતત વહીયે

માશાલ્લા… 

વહેંચવાની પણ મજા

માણવાની મજા કરતાં

કેટલી વધારે ઉમદા હોય છે!

અંતે તો, એક જ સંકલ્પ કરીએ,  

જીવન મુસાફરીના આ રાહમાં ….

ચાલો સૌને મળતા રહીએ.

આઝાદ બની એ .


  વિનોદ પટેલ

અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!
દિવસ ઊગ્યે બેચેન રહેવું, રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી, પળ પળને વિસરાવી દેવી
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!
દુનિયાની તીરછી દ્રષ્ટિમાં, વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું, મનનું કૈં મન પર ના લેવું
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!
મોજાઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે, સાગર જ્યાં રૂઠી પણ જાયે
એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

- મહેન્દ્ર વ્યાસ અચલ
મનોભાવ  
મનોભાવ

Sunday, November 16, 2014

કેવું કેવું ઝીલનારા થઈ ગયા,
જાતને ઘોળી પીનારા થઈ ગયા…
એમની સંગતનો જાદુ ઓસર્યો,
દોસ્ત પણ કેવાં બિચારા થઈ ગયા…
આપણે કેવું વહ્યાં કે શું કહું?
પાણીની વચ્ચે કિનારા થઈ ગયા…
તે સભાનો રંગ કંઈ જુદો હતો,
ચુપ હતાં તો પણ દુબારા થઈ ગયા…
- અંકિત ત્રિવેદી
આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે,
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે…
ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે…
હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે…
આ શું જુદા પડી અને મળશું ફરી કદી?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે…
પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે…

– મનોજ મુની


દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો…
બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો…
કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો…
લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

 – કૈલાસ પંડિત

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું
એ… હું તો નીસરી ભરબજાર જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

એ… લાજી રે મરું મારો સાહ્યબો ખોવાણો
કોને કહું આવી વાત જી રે
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ટોડલે ટોડલે મેં તો તોરણ બાંધ્યા
મારી મેડીયું ઝાકઝમાળ જી
એ… જોબન ઝરુખે રૂડી ઝાલર્યું વાગે
ઝાંઝર ઘૂંઘરમાળ જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

રાત ઢળીને ઘેરા ઘડિયાળાં વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યા દોર જી
એ… તો ય ન આવ્યો મારો સાહ્યબો સલૂણો
જાગી આઠે પહોર જી

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

--ચતુર્ભુજ દોશી

ખુદાની મને મહેરબાની ઘણી છે
ઘણાની મહોબ્બત અને લાગણી છે

અમસ્તી નથી નામના થઈ અમારી
અમે વાવણી જે કરી, તે લણી છે

બધે પેશ આવ્યા અમે લાગણીથી
અમે લાગણી લોહી સાથે વણી છે

ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ
મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

--કુતુબ આઝાદ

લખુડી, લખલખ કર મા, ભજ ભાવે ભગવાન.
તર, આવી છે તક આ તુંને, મેલ સલુણી માન… લખુડી…

વિવિધ વિષયનાં વર્ણન વખતે ભૂલ ન ભોળી ભાન.
નવ બોલ્યામાં નવ ગુણ એનું કેમ ન સમજે શાન ?… લખુડી…

ષડરસ ભોજન વિષમ વિસારી કર હરિરસનું પાન.
અવસર જાય અરે આ અમથો, એ જ ખરેખર જાન… લખુડી…

પરનિંદા પિશુનાઈ પરી કર, લે તરવાનું તાન.
કૂડ કપટ છલ ભેદ ભમેલી, આખર નરક નિદાન…. લખુડી….

વિનય વિવેક ભરેલાં વચનો છે પીયૂષ સમાન.
ઈચ્છા હોય તને તો તેનું દે લે પ્રતિદિન દાન…. લખુડી…..

ગુણસાગર નટવરનું નિશદિન ગુણિયલ, કરને ગાન.
સારું નરસું સર્વ સુણે છે કેશવ હરિના કાન……… લખુડી…..

--: કેશવલાલ ભટ્ટ

હતું મીઠું જેવું વિરસ પણ તેવું બની રહ્યું,
અરે! તુંને કહેતાં 'કુસુમ' દિલ મ્હારું જળી રહ્યું!
ગઈ કહો ક્યાં પેલી સુરભ? રૂપ ને કોમલપણું?
ગયું કહો! ક્યાં એવું અમીભર હતું તેહ મુખડું?

હસન્તી ત્હારી તે ઉછળી ઉછળી પાંખડી બધી,
હવે તો એવી એ સૂકી સૂકી જ સંકુચિત બની!
અને મીઠો એવો મધુબર હતો મોહ સઘળે,
હવે સર્વે વ્હીલું રસરહિત ભાસી રહ્યું જગે!

હવે પેલો વાયુ તુજ સહ લપેટાઈ ઉડતો -
પરાગે ભીંજાઈ સકલ દિન રહેતો મહકતો -
નહીં સ્પર્શે તુંને! નહિ જ નિરખે મુગ્ધ નયને!
નિહાળી દૂરેથી નકી જ વળશે અન્ય જ સ્થળે!

હવે સંધ્યાભાનુ કરથી ગ્રહી ત્હારા અધરને -
અમી પીતાં દેતો દ્વિગુણી ત્રિગુણી લાલી મુખને,
જરાએ ના જોશે પ્રણયી નજરે તે તુજ પરે!
નહીં ભાવે ધારી રમત તુજથી આચરી શકે!

હવે પેલો ભોગી મધુપ તુજ ગન્ધે ડુબી ડુબી -
ધરન્તો મૂર્ચ્છા જે તુજ ઉરપદે દેહડી ધરી -
તને પાસેથી એ નિરખી નહિ જાણીય શકશે!
હવે આવ્યો એવો શિથિલ બની ગુંજી ઉડી જશે!

દશાનો કેવો આ ક્રમ જ સઘળો આમ ઉલટ્યો?
અરે! તે દિનોનો પલટી જ ગયો રંગ સઘળો?
ગઈ તે વ્હાલી ને ફકીરી ધરીને આજ ભટકું!
વિલાઈ એંધાણી તુજ સમી ય! પ્યારા! શું કરવું?

ગઈ તે વ્હાલી ને વરસ દશ ગાળ્યાં તુજ પરે!
વિલાયું'તું હાવાં! રહ્યું શું અવલમ્બું શું ઉપરે?
વિલાયું'તું ત્હોયે નહિ જ તજું તુંને મન થકી,
વિલાયું એવું એ હજુ મુજ પ્રિયાનું મટ્યું નથી.

તજે વાયુ, ભાનુ, મધુપ, સહુ તુંને તજી શકે,
ગયાં પેલાં વ્હાલાં સ્વરૂપ સદ્‌ગન્ધી સકલ તે;
મને તો તું હૂતું પ્રિયથી મળ્યું તે તેવું જ હજુ!
સરે અશ્રુ ત્યારે હૃદય શું ધરું ને ધરી રહું!

હવે હું પૂજું છું, મૃતફુલ! તને એ પ્રણયથી,
હવે તું મ્હારે છું, વધુ પ્રિય થયું આ મરણથી!
જશે છેલ્લા શ્વાસો, મુજ પ્રિયતમામાં મળીશ હું,
ત્યહાં સુધી ચાંપ્યું હૃદય શું તને ધારીશ જ હું.

--કલાપી

બહેતર બોલવું; પ્યારી! 'નથી ને ના હતી યારી;'
પરન્તુ ના કહેજે તું, 'હતી ન હતી થઈ ત્હારી!'

નહીં આ ઇશ્કદરિયાનાં ચડ્યાં મોજાં ઉતરવાનાં,
નથી તું યાર આજે તો, હતી દિન કોઈ ના યારી!

કર્યું કુરબાન આ દિલ મેં 'હતી હું ચાહતી તેને,'
કહેતાં બોલ તું એવા નહીં શરમિંદ શું થાશે?

નઝરથી દૂર હું થાતાં, અગર દૌલત ઉડી જાતાં,
જબાંથી બોલશે શું તું, 'હતી હું ચાહતી તેને?'

કબજ આ રૂ થશે ત્યારે જમીનમાં ગારશે મુર્દું-
ફુલો ફેંકી ઉપર તે શું કહેશે "ચાહતી તેને"?

કબર નીચે - ખુદા ઉપર નથી કૈં દૂર - ઓ દિલબર!
છતાં 'દિન એક તેની હું હતી' એવું કહેશે શું?

કહેવાનું કહી ચૂકી! હવે ફરિયાદ શી ગાવી?
ભલે તો ખેર કિસ્મતમાં ફકીરી ખાક છે લાગી!

હવા તુજ વસ્લની પલટી, ચમન મ્હારો ગયો ફીટી;
હવે આ હાડપિંજરને રહી અંજામની બરકત!

અરે! એ મસ્ત યારીમાં ખુદાઈ શી હતી બરકત!
હવે તો બેહયાઈને રહી બેઝારીમાં બરકત!

રહેવું મોજમાં માશુક - તને આમીન એ બરકત!
હમારી પાયમાલીમાં હમોને છે મળી બરકત!

અમીરી બો અને ઇઝ્ઝત રહે હરગિજ તુજ કાયમ!
ફકીરોને ફકીરીમાં ફકીરોને ખરી બરકત!

મગર અફસોસ - ઓ માશૂક! હતું દિલ આ ઝબે કરવું -
નિવાઝી કોઈને તેને હતું ખેરાતમાં દેવું!

પરન્તુ છેવટે, ભોળી! હતું કહેવું રડીને કે:
'અરે! તું છે હજુ મ્હારો અને હું છું સદા ત્હારી.'

--
કલાપી

હું તો જાઇશ ગિરિધર જોવા રે,
મા મુને વારીશ મા,
મારા ઉરમાં છબિલાજીને ખોવા રે
નેણલે મારીશ મા.

જાઇશ જોવા હું તો નંદજીનો લાલો,
હા રે મુને પરમ સ્નેહી લાગે વ્હાલો રે
મા મુને વારીશ મા.

છેલછબિલો વ્હાલો કુંજનો વિહારી,
હા રે એતો જીવન દોરી છે મારી રે
મા મુને વારીશ મા,

વારિશ મારે તુંને કહું છું રે વે'લું
હા રે હું તો માથુ જાતા નહીં મેલુ રે.
મા મુને વારીશ મા,

પ્રેમાનંદના સ્વામીને સારું
હા રે કુરબાન કર્યું જીવન મારું રે
મા મુને વારીશ મા,

-: પ્રેમાનંદ

ગરજ હોય તો આવ ગોતવા, હું શીદ આવું હાથ, હરિ !
ખોજ મને જો હોય ખેવના, હું શીદ સ્હેલ ઝલાઉં, હરિ !

ગેબ તણી સંતાકુકડીમાં દાવ તમારે શિર, હરિ !
કાળાન્તરથી દોડી રહ્યા છો તોય ન ફાવ્યા કેમ, હરિ !

સૂફીઓ ને સખી ભક્તો ભૂલ્યા, વલવલિયા સૌ વ્યર્થ, હરિ !
‘સનમ! સનમ!’ કહીને કો' રઝળ્યા કોઈ ‘પિયુ! પિયુ!’ સાદ કરી

પોતાને પતિતો દુષ્ટો કહી અપમાને નિજ જાત, હરિ !
એ માંહેનો મને ન માનીશ,હું સમવડ રમનાર, હરિ !

તલસાટો મુજ અંતર કેરા દાખવું તો મને ધિક, હરિ !
પતો ન મારો તને બતાવું હું-તું છો નજદીક, હરિ !

મારે કાજે તુજ તલસાટો હવે અજાણ્યા નથી, હરિ !
હું રિસાયલને તું મનવે વિધવિધ રીતે મથી, હરિ !

પવન બની તું મારે દ્વારે મધરાતે ઘુમરાય, હરિ !
મેઘ બનીને મધરો મધરો ગાણાં મારાં ગાય, હરિ !

વૈશાખી બળબળતાં વનમાં દીઠા ડાળેડાળ ભરી,
લાલ હીંગોળી આંગળીઆળા તારા હાથ હજાર, હરિ !

માછલડું બનીને તેં મુજને ખોળ્યો પ્રલયની માંય, હરિ !
હું બન્યો કાદવ, તું બની ડુક્કર રગદોળાયો — શરમ, હરિ !

પથ્થર લક્કડ પશુ પંખી થૈ નજર તમારી ચુકાવી, હરિ !
માનવ થઈ પડું હાથ હવે, તો જગ કહેશે, ગયો ફાવી, હરિ !

લખ ચોરાશીને ચકરાવે ભમી ભમી ઢુંઢણહાર, હરિ !
ડાહ્યો થૈ કાં દાવ પૂરો દે, કાં તો હાર સ્વીકાર, હરિ !

-: ઝવેરચંદ મેઘાણી

ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;
ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,
જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,
નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;
ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,
તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી;
વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?

૧૮૯૨ -કલાપી

"સીત હરી દિન એક નિશાચર
લંક લહી દિન એસોહિ આયો,
એક દિનાં દમયંતિ તજી નલ
એક દિનાં ફિરહી સુખ પાયો,
એક દિનાં બન પાંડુ ગયે
અરૂ એક દિનાં શિર છત્ર ધરાયો,
શોચ પ્રબીન કછૂ ન કરો
કિરતાર યહી બિધિ ખેલ કરાયો."

---કલાપી