Sunday, November 23, 2014

અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!
દિવસ ઊગ્યે બેચેન રહેવું, રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી, પળ પળને વિસરાવી દેવી
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!
દુનિયાની તીરછી દ્રષ્ટિમાં, વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું, મનનું કૈં મન પર ના લેવું
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!
મોજાઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે, સાગર જ્યાં રૂઠી પણ જાયે
એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

- મહેન્દ્ર વ્યાસ અચલ

No comments:

Post a Comment