Sunday, March 1, 2015

જેમ પવન માટે વાદળ
સમુદ્ર માટે લહેર
તોફાન માટે ગુલાબ
તેજ રીતે હુ તારા માટે છે

જેમ રાત ને તારલાથી વધુ હોય
વ્રુક્ષ ને વરસાદથી વધુ હોય
પ્રુથ્વી ને સ્વર્ગથી વધુ હોય
એજ રીતે તુ મારા  માટે છે

--પંડ્યા દક્ષા

અભરે આંસુ, સભરે પીડા
તરફડવું ચિરકાળ, જીવજી
તન તડકો છેમન પર્વત છે ને
શ્વાસો ખડકાળ, જીવજી
અથશ્રી હોવું : પડછાયાને પાણી ટોવું
બે હાથો જોડીને રોવું
ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં
ભમરાળ, જીવજી
ડંખ મ્હેંક ભરીને વાગ્યા
કંટક થૈ ગૈ ડાળ, જીવજી
અથશ્રી હોવું : દર્પણ થઈ ઝાકળને જોવું
બે હાથો જોડીને રોવું
સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં
અણિયાળાં કૈં આળ, જીવજી
આ સૂરજને પાદર કાઢો
ઊગે છે બરફાળ, જીવજી
અથશ્રી હોવું : વહેતા જળને જળથી ધોવું
બે હાથો જોડીને રોવું

નયન દેસાઈ

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ
રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.
બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.
ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.
કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

નયન દેસાઈ

એ તરફ હવે રસ્તાઓ વળતા નથી,
શું એટલેજ આપણે મળતા નથી?
ઉગુ ઉગુ થાય એક કેડી તારા તરફની,
ખૂટે છે એટલું કે પગલા હજુ પડતાં નથી
વ્યર્થ મથો છો એને ઝીલવા, ઓ આયનાઓ,
સૂર્યના પ્રતિબિંબો એમ રેઢા રઝળતાં નથી
માંડો કાન તો દરિયો ઘૂઘવશે મહીં,
ઝાંઝવાઓ કદી એમ ખળભળતા નથી
ઉઘડી ગઈ છે આંખ ક્યારની અમારી,
એટલું ખરું કે હવે સળવળતા નથી
ખૂટે છે એમાં જે અટવાણાં સાત સૂરમાં,
ને આઠમા સુર કાજ ટળવળતા નથી

- ડૉ. સુરેશ કુબાવત