Friday, October 31, 2014

ઊમટી આવ્યાં વાદળ,
ધોધમાર એ વરસ્યાં આંખનું રેલી નાંખ્યું કાજળ.

કોઇની કાળી નજર લાગી ને
અંગે અંગે વીજળી,
સળવળાટથી સણકે એવી
કે મારામાં ગઇ પીગળી,
મારામાંથી નીકળી ચાલ્યું કોઇ આંખની આગળ.

એવી આ તે કશી કુંડળી
ગ્રહો લડે આપસમાં,
ઝેર ઝેર લ્યો વ્યાપી ચૂક્યું
અમરતની નસનસમાં,
વિધાતાએ કરી મૂક્યો છે કાબરચીતરો કાગળ.

- પન્ના નાયક
હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.

તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..

– પન્ના નાયક

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી,
મોટો મોટો મહેલ છતાંયે મનની સૂની મેડી.
હર્યાભર્યા આ લોકો વચ્ચે
ઝૂરવું ઝીણું ઝીણું,
હરખતણી આ હાટડીઓમાં
ક્રંદન કૂણું તીણું,
ક્યારેક થાય કે ઊડી જાઉં ને બૂડી જાઉં ને પગને લઉં ઊખેડી,
દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી.
બંધ કરી ને બંધ બારણાં
એમાં હું ગૂંગળાઈ રહી,
પથરાળા આ મૌનની વચ્ચે
હોઠ સીવીને ગાઈ રહી,
કપાઈ ગયેલી આંગળીઓથી સિતાર શાને છેડી,
દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી.
- પન્ના નાયક
ન્યૂયોર્ક શહેરની આકાશ સાથે વાતો કરતી
ઇમારતોનાં ચોસલાંમાં
ગોઠવાયેલું મારું અસ્તિત્વ !
સમયની સાંકળો
ઓક્ટોપસના પગોની માફક વીંટાળતી મને
- ને ઘડિયાળના કાંટે હાંફતી જિંદગી
ઓરેન્જ જ્યૂસ, ટોસ્ટ અને કૉફી સાથે
જાગી જતું જીવન
કારનાં પૈંડાની ગતિમાં
કમ્પ્યુટરના કી-બોર્ડના અવાજમાં
બહેરું થયેલું જીવન
‘હલ્લો’, ‘હાઉ આર યુ?’, ‘ઇટ્સ એ નાઇસ ડે!’
ખુશબો વિનાનાં રંગબેરંગી પુષ્પોનો સ્પર્શ
‘હાય’ અને ‘બાય’ વચ્ચે લટકતા સંબંધો
કદીક મગરના આંસુ જેવાં સ્માઇલ
ને ચાડિયાનો ચહેરો
ડોલરની લીલી નોટ – ઝેરીલી નાગણ
લોહી ચૂસ્યા કરે
ને વલખાં મારતા સૂરજનાં ફિક્કા પડખાં,
સાંજે બીયરની બોટલ
ટીવીનો પડદો
અને આંધળી આંખો.

– નીલેશ રાણા

આજ ભીંજાવું શું છે જાણ્યું
વર્ષા એ કરી કમાલ
મારે આંગણ સાગર વરસે
લઇ નદીઓનું વ્હાલ

સોળ વરસની વર્ષા નાચે
બાંધી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમરપર
પીડાની છલક છે ગાગર

વાત ચઢી વંટોળે
હું થઇ ગઇ માલામાલ
જડ્યું અચાનક ગોપિત ઝરણું
વર્ષા એ કરી કમાલ

આભ અરીસે મીટ જો માંડી
કાયા થઇ ગઇ કંકુવરણી
ફોરાં અડે મહેક્યા સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી

ભીતર કનડે ભીજા રાગો
સાતે સૂરો કરે ધમાલ
ગમ્યું અચાનક ખુદને મળવું
વર્ષા એ કરી કમાલ

– નીલેશ રાણા

સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયુ કંઈ,
છમછમ છાલક સમ છલકાયો પળમાં ને મારામાં બંધાતુ કંઈ.

શ્વાસો તારાથી ને શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
તસતસતા કમખામાં ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારાની જેમ;
નજરોમાં રોપાતી મોગરા-શી તું અહીં મુજમાં સુગંધાતુ કંઈ.

છલકાતા રણ પર સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું,
ઓગળતો તારામાં સ્થિર થઈ આજ હવે હું જ મને મારાથી ઝૂટવું;
હૈયું કપૂર સમ ઉડતું રહ્યું ને જૂઓ મારામાં ઘેરાતુ કંઈ.

-ડૉ.નિલેશ રાણા


-
મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.
જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.
ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.
હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.
આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.
હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

– ધૂની માંડલિયા

માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

- ધૂની માંડલિયા
ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી
વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
કાંઠા જોયાં, કંકર જોયાં, ગાગર ને પનિહારી
જંગલ જોયાં, ખેતર જોયાં, દોડી જોજન ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
નાવિક જોયાં, યાત્રિક જોયાં, અમીર ને ભિખારી
સાધુ જોયાં, સંતો જોયાં, મંદિરની ભીડ ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
ચાલી આગળ, મળતી સાગર, ગાજે ખારા પાણી
વાદળ થઇને ઉપર જાતાં, નદીયુંના આ પાણી
મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
એક નહીં પણ અનેક રૂપમાં જીવન સરિતા વહી જાતી
અનંત છે એનો પ્રવાહ, ભલે દીશાઓ બદલાતી
એંધાણી એની સૌ શોધે, તોય યુગ યુગથી અણજાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

– ડો. દિનેશ શાહ

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !
જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !
આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !
ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !
ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !
આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !
ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !
આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !
હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !
- ડો. મહેશ રાવલ

Wednesday, October 29, 2014

મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
મહતાબ સમ મધુરો….

ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
મહતાબ સમ મધુરો….

લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
મહતાબ સમ મધુરો….

નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
મહતાબ સમ મધુરો….

જોતાં નજર ઠરી રે સૌના જીગર હરી ને,
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે.
મહતાબ સમ મધુરો….

- દારા એમ્ પ્રીન્ટર
હોઠ પર હોય ખામોશી જબાં નહિ શબ્દ એક કહેતી
છતાંયે આંખ તો દિલનાં હઝારો ભેદ દઈ દેતી

મીઠી મસ્તી ભરી પ્રીતની તીરછી એ નિગાહોમાં
મળે જ્યાં આંખથી આંખો જીવન ગુલઝાર રહે મહેકી

નૈનને એક ચમકારે જીગરમાં કૈંક બંડ જાગે
છૂપી મહોબતની એ બોલી અજબ જાદુભરી રહેતી

પ્રણયના કૈંક સવાલોના જવાબો વાંચી લ્યો એમાં
જુબાં ઈન્કાર કરે તોયે નૈન ઈકરાર કરી દેતી

મળે જ્યાં નૈનોથી નૈનો ભળે જીગરથી જીગર જ્યાં
પછી સંકટ બને ધીરજ પ્રકાશી રહે અમર જ્યોતિ

- દારા એમ્ પ્રીન્ટર
ગુજરાતીમાં પ્રેમ થાય નહીં
ઇંગ્લિશવાળા ફાવે
મા, મારું મિડિયમ ના બદલાવે ?

જીન્સ, ટી શર્ટ ને ગોગ્સ પહેરી એ
મોઢું જ્યાં મલકાવે
થેંક્યુ-સોરી કહી કહી કોઈ
કેટલું કામ ચલાવે ?
ખમણ ઢોકળાં કામ ન આવે
પિત્ઝા – બર્ગર ભાવે-

હાય-બાયની દુનિયા, અહીંઆ
માવતર મમ્મી-ડેડ
મોટરબાઈક વગરનું યૌવન
અહીંઆ વેરીબેડ
ઢોરની હાફક નવરા બેઠા
રોજ ચૂંઈગ-ગમ ચાવે.

ગામડે, ફૂલ ગમે તે ધરીએ
પ્રેમનો થાય સ્વીકાર
અહીંઆ ફૂલના રંગની સાથે
નીકળે અર્થ હજાર
માણસ તો ઠીક, ફૂલ ગૂંચવે
કઈ રીતે કોઈ ફાવે ?

- તુષાર શુક્લ
વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.
ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.
વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.
મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.
- તુષાર શુક્લ
એનીવર્સરી

વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!
- એષા દાદાવાળા

-
બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારા વિનાનું મારું પહેલું ચોમાસું…!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું…..!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખથી વરસે ના પાણી
તારા વિના આ વરસાદે પલળુમ
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું….!

સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે…
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું…!

- એષા દાદાવાળા
તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!

આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

- એષા દાદાવાળા
આકાશે ઉડતા પંખીને જોઇ, 
મારા સપનાને હુ રે ઉડાવતી. 

ઉછળતા સાગર જેમ સપના ઉછળતા, 
તેને બાન્ધવા ન દોરી કે રાશ હતી. 

દુરસુદૂર ઘણી સફરો યે કરતી
મનડાની નાવ એમ તરતી હતી.

કુદરતની કારીગરી કોઇ નથી જાણતુ,
પંખ કપાવાની ઘડી આ હતી.

વેદનાને સથવારે ઢગલો થઇ ઢળી પડી!
હવે, ના કોઇ પંખી દરિયો કે નાવડી હતી.

“તૃષા” ની તરસ ખારા દરિયાથી ના છિપાઇ,
ફરી, મીઠડા સરવર કાંઠે મઢુલી કરી.
-પંડ્યા દક્ષા ( તૃષા )

Tuesday, October 28, 2014

પિયુ મારો લીલો લજામણીનો છોડ,
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં રે
શરમું ના ફુટે પરોઢ….
…. પિયુ મારો
વ્હાલપના વેણ બે’ક બોલું બોલું ત્યાં તો
અવળું રે મુખ કરી લેતો,
ઘેન ના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો
ના રે કહેવાનું કહી દેતો;
એને જોઇ જોઇ કુણા આ કાળજડામાં
જાગે કેસરિયા કોડ
…. પિયુ મારો
લીલી છમ લાગણીની વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું,
સાગ તણા સોટા પર ઊઘડતું ફુલ જેવું
ફુલ હજી ક્યાંય ના દીઠું;
એને મોહી મોહી બાંધ્યો મેં માહ્યરામાં
મનના મિલનનો મોડ
…. પિયુ મારો

– ભાસ્કર વ્હોરા

સમદર સભર સભર લહરાય !
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઇ રોવે, કોઇ ગાય :
સમદર સભર સભર લહરાય !

કોઇ રમે તેજની લકીર,
કોઇ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવન જાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય !

કોઇ બુંદે પોઢ્યું ગગન,
કોઇ બુંદે ઓઢી અગન,
કોઇ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય !

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઇ રોવે,કોઇ ગાય :
સમદર સભર સભર લહરાય !

- બાલમુકુંદ દવે
આજ મારા નુપૂરઝંકારને જગાડી કોણ જાય,
સૂર મારા પોઢી રહ્યા, નિંદરને ખોળલે,
રૂમઝુમ ઝુમ નાદ એનો વિશ્વમહીં વિસ્તરે..

સંધ્યા સલૂણી જઇ સાગરમાં પોઢતી,
અવનીએ ચૂંદડી અંધાર ઘેરી ઓઢતી
આજ મારી અંજલિએ પૂર્ણિમાની ચાંદની ઢોળાય…

ઘેરો રણકાર આજે વાગે મારી ઘૂઘરીમાં,
સૂરના સમીરણો ભરાય મારી બંસરીમાં,
આજ મારા આતમના આઠઆઠ વિંધ વિંધી જાય…

દેહના શૃંગાર જાગે, મનના મલ્હાર જાગે,
નવલા સંગીત આજ હંસ કેરા ગાન જાગે,
આજ મારી જીવનશિશિરમાં વસંતિકા લહેરાય…

- પ્રવિણ બક્ષી
એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?
સાંજ મને સોનેરી જોઈતી નથી
કે નથી રૂપેરી રાતના ય ઓરતા
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં
એમાં ગુલમોર છોને મ્હોરતા
અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું
સાંજ તણી આશાએ અહીં…
મારામાં ઊગેલું મારાપણું ય હવે
તારામાં રોપી હું છુટ્ટી
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી
ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ
એવું આંખોમાં જોતી હું રહી.

– નંદિતા ઠાકોર

મને ચોમાસું થાવાનાં કોડ
હજુ મને ચોમાસું થાવાનાણ કોડ
નસનસમાં ઇન્દ્રધનુ કેરો તરંગ
અને અંગમાં ગુલાબી મરોડ

અમથું અમથું તે કાંઇ વરસી શકાય નહીં
મારા પર મારી છે બેડી
ચોમાસું થઇએ તો અઢળક કંઇ વહીએ
ને ભીંજવીએ લીલીછમ મેડી

રેશમિયા વાદળની ઓઢું હું ઓઢણી
ને આખા તે આભલાંની સોડ

મારી તે જાતનો આ કેવો અવતાર
એમાં હું જ સદા વહેતી ઝિલાતી
રેતીની કાયા પર વરસી વરસીને હું ય
વીત્યા સપના શી વિલાતી

નભની સાથે તે મારું સગપણ એવું
કે એને કેમ કહું હવે મને છોડ

- નંદિતા ઠાકોર
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ 0

આજ ઓ પારથી ગંધને લાવતી
. દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0

- પ્રહલાદ પારેખ
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !
આકાશે આવ્યો પેલો મહુલો, જી —– હાલો

તારા તે રંગ કેરો મેહુલો છે શામળા !
ને તારા તે રંગ કેરી વીજ, અલ્યા ધોળીયા !—–હાલો

બાંકી છટાએ આવ્યો ડુંગરની ધારે એ તો.
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારેઃ
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા ને
માટીની સોડમ દેતી સાદ. અલ્યા શામળા —–હાલો

સુકી આ ધરતી માથે, જૈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત.
મારા આ આયખાની સુલી ને લીલીમા છે
ધરતી ને ધોરીનો સંગાથ,અલ્યા ધોળીયા —-હાલો

- પ્રહલાદ પારેખ
વાદળી ! ક્યાંરે રે ગૈ,એલીવાદળી ?
તને જોઇતી મેં દુર મારી સીમે;
તું તો આવંતી પાસ ધીમે ધીમે;
હતી જોઇ તારી વીજ,
હતું સુણ્યું તારું ગીત;
મેંતો આશાની માંડી’તી મીટજી
તને સુઝી શી આ મતિ ?
તેં તો આડી કરી ગતિ ! એલી વાદળી….

મેં તો જાણ્યું, તું વરસી અહીં જાશે,
મારા ખેતર સૌ અંકુરિત થાશે.
મારાં પંખીડા ન્હાશે,
મારા ઝરણાઓ ગાશે.
મારું મનડું ઉમંગે એ નાચશે જી !
ત્યાં તો થઇ તું અદીઠ !
આ તે કેવી તારી રીત ? એલી વાદળી….

હવે લાવે જો નીર ફરી વારે,
અને આવે જો ગામ ચડી મારે.
વેણ કે’વાને ત્યારે
મારા ડુંગરની ધારે
એક બેસી જોઇશ તારી વાટ જી.
બેન જાતી ના આમ
રાખી સુકું તમામ. એલી વાદળી….

- પ્રહલાદ પારેખ

Saturday, October 25, 2014

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્રાર પર વરસાદ હોવો જોઇએ.
વક્ત હો હિલ્લોળતો પંખી સમો નીડે, નભે,
કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.
ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.
ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર?
હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.
સાવ ખુલ્લું આભ છે ને તો ય એકલ સાંજ છે,
આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઇએ.
કોઇ ભટકે છે અચાનક એક ટીપું ઝીલતાં
એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ.
- દિલીપ જોશી
મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય…
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય
એને નવું વર્ષ કહેવાય…

- અંકિત ત્રિવેદી
શમણાની વાત, 

મારે આંખોના શમણાની કહેવી છે વાત, 
મારે ભીંજાયેલ હ્રદયેથીવહેવી છે વાત. 

હવે, રાત દિવસ તારા સાનિધ્યે રહીને, 
આ ભરાયેલ દિલમાથી સેરવવી છે વાત. 

તારા નિખાલસ પ્યારને આંખોથી માણતી,
આ વણખુલ્યા હોઠોથી સાંભળવી છે વાત.

પડખેના મુક સાક્ષીને દુર હડસેલીને,
દિલદાર તારા અહેસાસની માણવી છે વાત.

હવે ફક્ત સ્મિતથી ચલાવવુ નથી,
ખુલ્લા મનના એકરારની સાંભળવી છે વાત.


પંડયા દક્ષા (તૃષા)

કુદરત નો ચમત્કાર

મન તને ક્યા જાણ છે , ખોખલા ખેંચાણ છે
લોક પરમેશ્વર ગણે , હુ કહુ છુ: પહાણ છે.

ઉપરોક્ત પંક્તિ દ્વારા દરરોજ ઇશ્વર ની ગેરહાજરીને અનુભવતી. કારણકે ૧૮ વર્ષથી રુમેટોઇડ આર્થરાઇટીસની યાતના ભોગવતી હતી તેના કારણે છેલ્લા આઠેક માસથી પથારીવશ બની ગઇ હતી.શરીરના એકપણ joints કામ કરતા ન હતા. સખત સોજા ચડી ગયા હતા. બાજુમાંથી કોઇ પસાર થાય અને તેમના કપડા જો અડકી જાય તો પણ ચીસ પડી જતી. મારી દૈનિક ક્રિયાઓ કરવા માટે પણ ઘરની વ્યક્તિની મદદ લેવી પડતી. આધારની જરુર પડતી. આયુર્વેદની દવાને કારણે જમવામા સવારે મગનુ પાણી અને સાંજે ખીચડી આપવામા આવતી.હુ મારુ જ વજન ઉંચકી શકતી નહી. પરેજી અને દવાને કારણે ૫ માસ પછી સોજા ઉતરી ગયા પરંતુ ગોઠણ થી એક પગ વાંકો વળી ગયો જમણો હાથ ૯૦ અંશ ના ખુણે વળી ગયો.અને સમ્પુર્ણ પરાધીનતા આવી ગઇ.હુ જાણે અધુરપનુ કાયમી સરનામુ બની ગઇ હતી. એક સમયે દોડતી વ્યક્તિ વ્હીલચેર પર આવી ગઇ કારણ ....

રોજ હુ મરવા પડુ ને રોજ જીવી જાઉ છુ એવુ અનુભવતી હતી . કોઇ કવિના શબ્દો યાદ કરતી
એ જ માણસ જીન્દગી સહેલાઇથી જીવી શકે
જે મરણના આગમનની વાત ભુલી જાય છે
કોઇપણ હાલતમા ખુશ રહેવાનુ મન શીખી ગયુ
એટલે મારા બધાય દર્દ હાંફી જાય છે
છતાય હિમ્મત હતી. સતત ૮ મહિના એક જ ઓરડામા પસાર કરવા ખુબ જ કઠિન છે.
આવા સમયે F. B. મારી મદદે આવ્યુ .મિત્રોની ઓળખ, નવા કાવ્યો, સુન્દર લખાણો, સુન્દર વિચારોની આપ- લે, સ્વભાવનો પરિચય અને એક પરિવાર જેવી હુંફ …………આ બધુ મને F. B. દ્વારા મળ્યુ. મનના ભાવો વ્યક્ત કરવાની તક મળી. મને ક્યારેય મારા જીવન પ્રત્યે અભાવ નથી આવ્યો. કારણ કે જીવન જીવવા માટે જાણે નવી દિશા મળી ગઇ.
આ જ સમયગાળામા મને ફેસબુક દ્વારા અમદાવાદ રહેતા યોગાચાર્ય દિલિપભાઇ ધોળકિયા વિશે માહિતી મળી. તરત જ ફોન કરી જાણકારી મેળવી.અને તેઓને રુબરુ મળ્યા તેમણે પુરા આત્મવિશ્વાસથી મને ચાલતી કરી દેવાની વાત કરી. તેમનો જુસ્સો, વાત કરવાની રીત જોતા થયુ કે બસ, હવે તો રોગને જવુ જ પડશે.સારવાર ચાલુ કરી ત્રણ ચાર દિવસમા હુ મારા પગપર ઉભી થઇ ગઇ. ન માની શકાય એવી વાત બની ગઇ. ભાવનાત્મક રીતે વિચારીએ તો આંખમા હર્ષાશુ આવ્યા. મને જોનાર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત બની ગઇ . આજે હુ સરળતાથી ચાલી શકુ છુ. મે વ્હીલચેરનો ઉપયોગ કર્યો જ નથી. ખરેખર.... મને તો જાણે પુનર્જન્મ મળ્યો.
હુ અમદાવાદ સારવાર માટે જવાની હતી તે અંગેના સ્ટેટસમા કોમેંટસ દ્વારા તેમજ ઇનબોક્ષ મેસેજ દ્વારા ઉપરાંત ફોન દ્વારા મારા અમદાવાદમા રહેતા ફેસબુક મિત્રોએ મને બનતી મદદ કરવા માટેની તત્પરતા દાખવી છે તે બદલ આપ સર્વે નો હ્રદયપુર્વક આભાર માનુ છુ . ખાસ તો મારા મોટાભાઇ (આપણા સર્વેના વડલા સમાન “દાદુ” ઉર્ફે
સનતભાઇ દવે ) અવારનવાર ફોન દ્વારા તેમજ રુબરુ મળીને મારા દુ:ખમા ભાગીદાર થયા છે, ફોન પર વાત કરતા પણ રડી પડ્યા છે અને સાથેસાથે મારુ મનોબળ ટકાવી રાખવાની મને હિમ્મત આપી છે. તેઓનો હુ ખાસ આભાર માનુ છુ . ફેસબુક દ્વારા પણ આવા નિકટના સમ્બન્ધ બન્ધાય છે તેનુ આ જ્વલંત ઉદાહરણ છે.
મારી દિકરી જાનકી અને જગદીશ બન્ને મારી સાથે આ સમય દરમ્યાન પુત્ર બનીને ઉભા રહ્યા છે. મારુ મનોબળ વધારવામા તેમનો અમુલ્ય ફાળો છે.
ખરેખર મારા માટે તો આ કુદરતી ચમત્કાર જ છે. તેમા શ્રી દિલિપભાઇની મહેનત આપ સર્વેની શુભકામના અને વડીલોના આશિર્વાદ થકી જ અશક્ય લાગતી વાત શક્ય બની છે
આ પરિચિત માર્ગ પરથી સાવ છેલ્લી વાર જ્યારે નીકળુ,
ભવભીના હ્રદયે આભાર સાથે સો સો સલામુ આપને .
ફરીથી આપ સર્વેનો ખુબ ખુબ આભાર

બીજુ આપ સૌ ની જાણકારી માટે યોગાચાર્ય શ્રી દિલિપભાઇ ની વેબસાઇટ તેમજ ફોન ન. ૯૮૯૮૨ ૮૭૬૨૭ - ૯૦૩૩૦ ૬૫૪૯૬
www.yagocharyadilip.com


Wednesday, October 22, 2014

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
. હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

- રાજેન્દ્ર શુક્લ
બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો…

છલકયાં ને કીધું મેં ગોકુળીયું ગામ અને મલકયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલકયાં નો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતીનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો…

બંસી જેવા જ તમે પાતળીયા શ્યામ અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બીરદાવું કૈ રીતે મનમાં જન્મે છે વિવાદ જો…

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારૂ એ અણપ્રગટયું ગીત હવે ગોકુળીયું દેશે રે દાદ જો…

- દિલીપ રાવળ