Friday, October 31, 2014

ન્યૂયોર્ક શહેરની આકાશ સાથે વાતો કરતી
ઇમારતોનાં ચોસલાંમાં
ગોઠવાયેલું મારું અસ્તિત્વ !
સમયની સાંકળો
ઓક્ટોપસના પગોની માફક વીંટાળતી મને
- ને ઘડિયાળના કાંટે હાંફતી જિંદગી
ઓરેન્જ જ્યૂસ, ટોસ્ટ અને કૉફી સાથે
જાગી જતું જીવન
કારનાં પૈંડાની ગતિમાં
કમ્પ્યુટરના કી-બોર્ડના અવાજમાં
બહેરું થયેલું જીવન
‘હલ્લો’, ‘હાઉ આર યુ?’, ‘ઇટ્સ એ નાઇસ ડે!’
ખુશબો વિનાનાં રંગબેરંગી પુષ્પોનો સ્પર્શ
‘હાય’ અને ‘બાય’ વચ્ચે લટકતા સંબંધો
કદીક મગરના આંસુ જેવાં સ્માઇલ
ને ચાડિયાનો ચહેરો
ડોલરની લીલી નોટ – ઝેરીલી નાગણ
લોહી ચૂસ્યા કરે
ને વલખાં મારતા સૂરજનાં ફિક્કા પડખાં,
સાંજે બીયરની બોટલ
ટીવીનો પડદો
અને આંધળી આંખો.

– નીલેશ રાણા

No comments:

Post a Comment