Friday, October 31, 2014

દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી,
મોટો મોટો મહેલ છતાંયે મનની સૂની મેડી.
હર્યાભર્યા આ લોકો વચ્ચે
ઝૂરવું ઝીણું ઝીણું,
હરખતણી આ હાટડીઓમાં
ક્રંદન કૂણું તીણું,
ક્યારેક થાય કે ઊડી જાઉં ને બૂડી જાઉં ને પગને લઉં ઊખેડી,
દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી.
બંધ કરી ને બંધ બારણાં
એમાં હું ગૂંગળાઈ રહી,
પથરાળા આ મૌનની વચ્ચે
હોઠ સીવીને ગાઈ રહી,
કપાઈ ગયેલી આંગળીઓથી સિતાર શાને છેડી,
દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી.
- પન્ના નાયક

No comments:

Post a Comment