Tuesday, September 30, 2014

ગોધણધણીની ભથવારી રે, હું ગોધણધણીની ભથવારી;
આંબો ને હું પ્રેમક્યારી રે, પતિ આંબો ને હું પ્રેમક્યારી.
સેંથડે સિંદૂર: પ્રેમનાં આંજણ, આંજ્યાં આંખે મતવારી;
ઢેલડી જેવી હું થનગન નાચું, આવને મોરલા રબારી રે….. હું…
રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર ઝમકે, ભાલે શી સ્નેહની સિતારી;
ખેતર ખૂંદી કંથ થાકીને આવે, દેખે ત્યાં થાક દે વિસારી રે….. હું…
હળવે ઉતારી ભાત મહીડાં પીરસું, ફૂલડાંની પાથરું પથારી;
કંથડને કાજ ઘર રેઢું મૂકીને, આવું સીમે દોડી દોડી રે….. હું…
વા’લમને છોગલે ગૂંથું ચંબેલડી, પીંછાં ગૂંથું હું સમારી;
જોઇ જોઇને એ મુખ રળિયામણું, હૈયામાં ઉડતી ફુવારી રે….. હું…

કૃષ્ણલાલ શ્રીધરાણી 


હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ.

મનની માનેલી તને, મેલું શું એકલી
વા’લી લાગે છે મુને, રાધા રુઠેલી
હે મારા તનમનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….

અરે નંદનો કિશોર, આ તો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર, આ તો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….

Wednesday, September 17, 2014

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !
લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને આઇનામાં જોઇ અમથું હસવું
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઊંબરે બેસીને તારું રડવું
ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
કે રહી ના હવે તું કશા કામની..
તને નજરું લાગી છે મારા નામની !
વાસીદું કરશે તો છાણવાળા હાથ
હવે મેંહદી રંગેલ તને લાગશે
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
અને કેટલીય ઇચ્છાઓ જાગશે
વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
પકડી લે કેડી મારા ગામની..
તને નજરું લાગી છે મારા નામની !

– વંચિત કુકમાવાલા

યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું.. ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..
ઇંતઝારની કેવી ક્ષણ છે..
પળ પળ જાણે મોટો મણ છે.
જો તું આવે બંધ નયનના
દ્વારમાં થઇને મારા મનમાં
તો એકબીજાના દિલની ધડકનનો પડધો
મૌન બનીને સાંભળીયે
યાદોનો આ કેવો દરિયો… દરિયો….
શ્વાસની અજંપ ચકલી
ઘડીકમાં હિંચકાને સળિયે
ઘડીક બેસે નળિયે
તું આવ જવાની ભુલીને
ને સમયના બંધન તોડીને
તો બચપણને પગલે પગલે
આપણ બે ઘુમી વળીયે
યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું..ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..
યાદોનો આ કેવો દરિયો… દરિયો…

– અનિલ ધોળકિયા

Saturday, September 13, 2014

કાહે ન મંગલ ગાયે, જશોદા મૈયા, કાહે ન મંગલ ગાયે;
પુરણ બ્રહ્મ અખંડ અવિનાશી, સો તેરી ધેનૂ ચરાવે … ટેક
કોટિ કોટિ બ્રહ્માંડના કર્તા, જપ તપ ધ્યાન ન આવે;
ના જાણું એ કોન પુન્યસે, તાકો ગોદ ખિલાવે … ૧
બ્રહ્માદિક ઇન્દ્રાદિક શંકર, નિગમ નેતિ કરી ગાવે;
શેષ સહસ્ત્ર મુખે જપે નિરંતર, સો તાકો પાર ન પાવે … ૨
સુંદર વદન કમલ દલ લોચન, ગૌધેનૂ કે સંગે આવે;
આરતી કરત જશોદા મૈયા, કબીરજી દર્શન પાવે … ૩
unknow
અઢી અક્ષરે પ્રેમ લખુ ને બે અક્ષરમાં હરિ
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?
હરિ તમે તો શેઠ તમોને સમયબાધ શુ નડશે
મારે તો ઓફિસ મહીથી રજા ય લેવી પડશે
એક રજા ગાળુ તમ સાથે પાછો જનમ ધરી…
સાડા ચારે હરિ ાઆપણે મળવુ છે ને ફરી ?
તમે કહો તે જગ્યા ઉપર આપણ બંને મળિયે
ત્યાંથી સાથે સાથે જાશુ મારા ઘરના ફળિયે
તમે નહી આવો તો મારો દિવો જાય ઠરી..
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?
- મુકેશ જોશી
હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..

પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….

ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..

તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..

– મુકેશ જોષી