Thursday, May 18, 2023

નહીં ઓછું વધુ કંઈ લઉં,પ્રભુ

કવિ શ્રી દાદ ની ખુબ સરસ રચના..
કેટલી સરળ ભાષા!!

નહીં ઓછું વધુ કંઈ લઉં,
પ્રભુ તું આપે એટલું લઉં

મોંઘા હોય તો ય મોતી ખવાય નહીં
ખાય સૌ બાજરો ને ઘઉં,

મિલના માલિકથી તાકા પે'રાય નહીં સવા ગજ પ્હેરે સૌ,
પ્રભુ તું આપે એટલું લઉં'..

'સમંદર પીધે પ્યાસ બુઝે નહીં
અપચો થઈ જાય બઉ,
મીઠડું નાનું ઝરણું મળે તો અમૃત ઘુંટડા લઉં,
પ્રભુ તું આપે એટલું લઉં'...

ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલું શીદ ગાઉ ના ગાઉ
"દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં તું રાખે તેમ રહું પ્રભુ તું આપે એટલું લઉં'.

Wednesday, May 17, 2023

ચકો કે' "એલી ચકી,હોંકારો આપો




ચકો કે' "એલી ચકી,
હોંકારો આપો તો એક વાત કહું."
ચકી કે' "ચીં..."
ચકો કે' "સાંભળ,ચકો કે' "એલી ચકી,
હોંકારો આપો તો એક વાત કહું."
ચકી કે' "ચીં..."
ચકો કે' "સાંભળ,
જો હવે નથી સોનલના દેશ
કે નથી અલા ખાચરની ડેલી,
ને મન પાંચમના મેળા પણ ક્યાં?
ગધની આ માનવજાતને
આવડી છે જ્યારથી ચપટી વગાડતાં,
ત્યારથી જ નિકળી ગયા છે
આપણા કચ્ચરઘાણ.
જ્યાં લગી હતાં ચશ્માના કાચ જાડા,
ત્યાં લગી હતાં આપણાં રજવાડાં,
હવે તો એય ગયાં."
ત્યાં જ સૂની હવેલીમાં
ખડિંગ કરતો અવાજ આવ્યો 'ને
પાટિયા પરથી પુસ્તક પડ્યું :
"છ અક્ષરનું નામ"
ચકી કે', "એલા ચકા,
રજવાડા ગયા,
દબદબા નહિં હો..."
- અર્જુન ગઢિયા

Monday, May 15, 2023

લઈ જા દરિયા પાર....

લઈ જા દરિયા પાર.... 

મુને તારી કંઈ વાતોનો રંગ એવો લાગ્યો કે લથબથતી હાલી હું બહાર.... 
પહેલી આ પ્રીતનો છાંટો જ્યાં અડ્યો ત્યાં ઊડતી રે સમણાંની હાર... 
મને લઈ જાને દરિયાની પાર....

આંગણ આવીને ઊભો મનનો માનેલ એને દેખીને સાન - ભાન ભૂલી 
મેઘધનુ રંગોની લાલીમા પાથરતી ઓરતાની વણઝારું ખૂલી 
પ્રીતના ગુલાલભર્યા વાસંતી વેલડામાં મહેકાવી જીવતરનો સાર..... 
મને લઈ જાને દરિયાની પાર.....

રેશમિયે ઢોલિયે રે હુંફાળી સેજ પરે પાંખાળા ઓરતાઓ ઊડે 
શ્વાસો ભરીને હવે સંગે વિતાવવાની ઘટનાઓ આંખડીમાં બૂડે ? 
આછેરાં દર્શનમાં પ્રીત તારી પીવાનું ઝંખન ઝબૂકતું અપાર..... 
મને લઈ જાને દરિયાની પાર.....

       -- હર્ષિદા દીપક