Tuesday, December 27, 2016

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે
જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

જગદીશ જોષી
અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?
એમાં શું પડી ગઈ ધાડ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં,
તો તરણું પણ બની જાય પ્હાડ.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
આંખોમાં થાક હજી એટલા.

અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં,
ખોટાં છે કાચનાં કમાડતમારી નજર જો..

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા,
પડતર જમીનનાં વેરાણ,
તમે આવળનાં ફૂલ સમું એવું જોતાં કે,
સૂકી ડાળખીને ફૂટી જાય પાન.

છણકાની છાલકથી જાશે તણાઇ
તમે બાંધેલી ઉંબરાની વાડ.. તમારી નજર જો..


અનિલ જોશી

Sunday, December 18, 2016

આંગણું બડબડ્યું  ડેલી બોલી પડી  ભીંત મૂંગી રહી
ઘર વિશે અવનવી વાત સહુએ કરી ભીંત મૂંગી રહી
 
આભમાં  ઊડતી  બારીઓ  પથ્થરે કાં જડાઈ ગઈ?
વાત    પૂછનારેય  પૂછી  ઘણી   ભીંત મૂંગી રહી
 
આવજો કહેવું શું પથ્થરોને ?’ ગણી કોઈએ ના કહ્યું
આંખ માંડી  જનારાને  જોતી રહી   ભીંત મૂંગી રહી
 
ઘર તજી  કોઈ ચાલ્યું ગયું  એ પછી બારીએ બેસીને
માથું  ઢાળી  હવા આખી રાત રડી  ભીંત મૂંગી રહી
 
કાળના ભેજમાં  ઓગળી  ઓગળી  એ ખવાતી રહી
કોઈએ એ  વિષે કો'દિ પૂછ્યું  નહીં  ભીંત મૂંગી રહી 
-મનોજ ખંડેરિયા
છે બલિહારી તારી, ઓ દોરંગી દુનિયા,
મરે કોઈ ને કોઈને છે ઉજાણી;
ખપે યુદ્ધમાં કો'ક વીરલો અડીખમ,
અને ઘેર બેઠાં રળે કો'ક લ્હાણી;
 
કોઈ જિંદગીભર રુધિર સિંચતું ને
કોઈ હેમથાળે હિંડોળે જમે છે;
મફતમાં શહાદત મળે કો'કને, ને
કોઈ યાતનાઓ અમસ્તી ખમે છે!
 
જુઓ તો ખરા, આ જગત કેરી લીલા:
કોના સ્મારકો? કોના નામે ચણાતાં!
ઘટે ભૂલવાં તેની ખોડાય ખાંભી,
અને ખાંભી-જોગાના નામો ભૂંસાતા!
 
કોઈના તપે, કોકને ઈન્દ્ર-આસન,
કોઈની ભૂલે, કોકનાં શિર કપાતાં;
કબર કો'કની, ને દટાયાં કો બીજા,
ત્રીજા કો' મુજાવર બનીને પૂજાતાં!
 
હું તો સ્મારકો દેખી આભો બનું છું;
કોના ચહેરા નીચે કોની કાય ભાળું!
દિસે કેસરી સિંહની કો'કની મૂર્તિ,
ને ભીતર હું રેંસાયેલી ગાય ભાળું!

ઠેકન્તા તોખારે તલવાર લઈને
છો બેઠા:  હું તો માટીના પાય ભાળું! 
        -કરસનદાસ માણેક
ગાય છે  ને  ઘૂમે  છે  એમ  જિંદગી  મારી
રાત્રિએ  દળે  દળણાં  જેમ  કોઈ દુખિયારી 
એમ તુજ  વિચારોને  ભૂલવા  ચહે  છે  મન
ત્યાગની   કરે  વાતો   જેમ  કોઈ   સંસારી
 
રંગ      રીતે   પૂર્યાં    કુદરતે  પતંગામાં
જે રીતે  ચિતા આગળ  હો સતીને શણગારી 
પૂર્વમાં  સરિત  કાંઠે  એમ  સૂર્ય  ઊગ્યો  છે
બેડલું  ગઈ  ભૂલી   જાણે  કોઈ  પનિહારી!
 
   રીતે  પડી  આંટી   મારી  હસ્તરેખામાં
ગૂંચવાઈ  ગઈ   જાણે   જોઈને   દયા  તારી 
બુદ્ધિ આજ એ રીતે  લાગણીને વશ થઈ ગઈ
જઈ  ઢળે  ઉષા  ચરણે  જેમ  રાત  અંધારી
 
તાપ કંઈ ગનીએવો  જિંદગી ખમી રહી છે
થઈ  ગઈ  છે  વર્ષાની   જાણે  પૂર્ણ   તૈયારી!
-ગની દહીંવાલા
મુબારક  હો  તમોને     તમારા  ઈશ્કના  રસ્તા;
અમારો  રાહ ન્યારો  છે  તમોને  જે  ન ફાવ્યો  તે! 
ગુલામો  કાયદાના છો!  ભલા    કાયદો  કોનો?
ગુલામોને  કહું  હું  શું અમારા  રાહ  ન્યારા છે!
 
મને  ઘેલો  કહીલોકો!  હજારો  નામ આપો છો! 
અમે  મનસૂરના  ચેલાં,    ખુદાથી  ખેલ  કરનારા! 
નહીં  જાહોજલાલીના, નહીં  કીર્તિ  ઉલ્ફતનાં 
અમે લોભી છીયે, ના! ના!  અમારા રાહ ન્યારા છે!
 
કુરંગો  જ્યાં   કૂદે  ભોળાંપરિન્દોનાં  ઊડે  ટોળાં
કબૂતર  ઘૂઘવે   જ્યાંઅમારા  મ્હેલ  ઊભાં   ત્યાં 
લવે બેત  નદીઓ જ્યાંગઝલ દરખત  રહ્યાં ગાતાં
અમે ત્યાં નાચતાં  નાગા!   અમારા રાહ  છે ન્યારા!
 
તમારા  કૃષ્ણ  ને  મોહમદ, તમારા માઘ, કાલિદાસ
બિરાદર એ  બધા મારાઅમારા  રાહ  છે ન્યારા! 
હતાં મહેતો અને  મીરાંખરા  ઈલ્મીખરા  શૂરા
અમારા  કાફલામાં    મુસાફર   બે  હતાં  પૂરાં!
 
પૂજારી    અમારાંને  અમો   તો  પૂજતાં   તેને
અમારાં એ હતાં  માશૂકઅમો તેનાં હતા  દિલબર 
તમારા  રાજદ્વારોનાં  ખૂની   ભભકા  નથી  ગમતા
મતલબની  મુરવ્વત  ત્યાં  ખુશામતના  ખજાના ત્યાં
 
હવાઈ  મ્હેલોના  વાસી,   અમે  એકાન્ત  દુઃખવાદી
અમોને  શોખ  મરવાનો! અમારો  રાહ  છે  ન્યારો!
 
-કલાપી
આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!

આપ જ આવા તો જોયા!
મેં તો  માનેલું, કે  ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

દુર્બલ, દીન, નિરાશ વળેલો,
દૂરથી  દેખી  શું  રોયા!  પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

પંકનિમગ્ન હતાં ચરણો તે,
પોતે દયાથી  શું  ધોયાપિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

સ્વચ્છ કરી જખમો સહુ જૂના,
લેપ   લગાડી   લોહ્યાં!  પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

મેં તો  માનેલુંકે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

 -મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત

   ચૈતર  ચંપો  મ્હોરિયોને   મ્હોરી  આંબાડાળ, 
મઘમઘ  મ્હોર્યા   મોગરામેં  ગૂંથી  ફૂલનમાળ. 
જૂઈ  ઝળૂંબી   માંડવેને   બાગે   બાગે  ફાલ;
તું ક્યાં છો  વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ! 
 
  ચૈતર જેવી  ચાંદની, ને  માણ્યા  જેવી  રાત; 
ગામતરાં તને  શે ગમેતું પાછો  વળ  ગુજરાત.  
કોયલ   કૂજે    કુંજમાં,   ને   રેલે   પંચમ   સૂર,
વાગે  વન  વન  વાંસળી, મારું  પલ પલ વીંધે ઉર.
 
અવળું  ઓઢ્યું  ઓઢણું  ને મારા  છુટ્ટા  ઊડે કેશ, 
શું  કરું  નિર્દય  કંથડા!  મને  વાગે  મારગ   ઠેસ. 
જોબનને      ધૂપિયે,   પ્રીત    જલે   લોબાન, 
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?
 
સમજી  જાજે  સાનમાંમન  બાંધી  લેજે  તોલ; 
હોય  ઈશારા  હેતના, એના  ના  કંઈ વગડે ઢોલ! 
નારી   ઉર  આળું   ઘણુંબરડ  કાચની   જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?
 
બ્રહ્મા!   ભારી  ભૂલ  કરી  તેં  સરજી  નારી  ઉર,
ઉરને   દીધો  નેહ   ને  વળી  નેહને  દીધો  વ્રેહ!
-બાલમુકુંદ દવે

Sunday, December 11, 2016

તારી તે  લટને  લ્હેરવું  ગમે
ઘેલા કો  હૈયાને  ઘેરવું  ગમે 
મંદ મંદ વાયુના  મનગમતા છંદમાં
વેણીનાં   ફૂલની   વ્હેતી  સુગંધમાં 
ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે
તારી તે  લટને  લ્હેરવું  ગમે 
એનું તે ઘેન કોઈ  નેનમાં છવાય છે
તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે 
એ સૌ ઊલટભેર હેરવું ગમે
તારી તે  લટને  લ્હેરવું  ગમે 
-નિરંજન ભગત