Wednesday, October 29, 2014

ગુજરાતીમાં પ્રેમ થાય નહીં
ઇંગ્લિશવાળા ફાવે
મા, મારું મિડિયમ ના બદલાવે ?

જીન્સ, ટી શર્ટ ને ગોગ્સ પહેરી એ
મોઢું જ્યાં મલકાવે
થેંક્યુ-સોરી કહી કહી કોઈ
કેટલું કામ ચલાવે ?
ખમણ ઢોકળાં કામ ન આવે
પિત્ઝા – બર્ગર ભાવે-

હાય-બાયની દુનિયા, અહીંઆ
માવતર મમ્મી-ડેડ
મોટરબાઈક વગરનું યૌવન
અહીંઆ વેરીબેડ
ઢોરની હાફક નવરા બેઠા
રોજ ચૂંઈગ-ગમ ચાવે.

ગામડે, ફૂલ ગમે તે ધરીએ
પ્રેમનો થાય સ્વીકાર
અહીંઆ ફૂલના રંગની સાથે
નીકળે અર્થ હજાર
માણસ તો ઠીક, ફૂલ ગૂંચવે
કઈ રીતે કોઈ ફાવે ?

- તુષાર શુક્લ

No comments:

Post a Comment