Friday, October 31, 2014

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !
જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !
આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !
ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !
ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !
આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !
ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !
આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !
હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !
- ડો. મહેશ રાવલ

No comments:

Post a Comment