Saturday, October 25, 2014

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્રાર પર વરસાદ હોવો જોઇએ.
વક્ત હો હિલ્લોળતો પંખી સમો નીડે, નભે,
કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.
ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.
ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર?
હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.
સાવ ખુલ્લું આભ છે ને તો ય એકલ સાંજ છે,
આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઇએ.
કોઇ ભટકે છે અચાનક એક ટીપું ઝીલતાં
એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ.
- દિલીપ જોશી

No comments:

Post a Comment