Thursday, March 24, 2016

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા! અમને એમ હતું કે તમને વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું, તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું; તમને કૈંક થવાના કોડ, અમને વ્હાલી લાગે સોડ; જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા, તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! અમને એમ હતું કે સાજન! કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું, તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું; તમારાં અળગાં અળગાં વ્હેણ, અમારાં એક થવાનાં ક્‌હેણ; એકલશૂરા નાથ! અમે તો પળે પળે સંભાર્યા; તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! -સુરેશ દલાલ

1 comment:

  1. તમારી પાસે આ ગીતની mp3 ફાઈલ હોય તો મને મોકલવા વિનંતી...

    ReplyDelete