Tuesday, April 7, 2015

ઓતરાદા વાયરા ઊઠો ઊઠો હો તમે ઓતરાદા વાયરા ઊઠો
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી ઓતરાદા વાયરા ઊઠો
ધૂણન્તાં શિવ જોગમાયાને ડાકલે હાકલ દેતા ઓ વીર ઊઠો
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે પૂરપાટ ઘોડલે છૂટો
ઓતરાદા વાયરા ઊઠો
ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ સડિયેલાં ચીર ધૂળ કૂંથો
જોબનના નીર મહીં જામ્યાં શેવાળ ફૂગ ઝંઝાના વીર તમે ઊઠો
ઓતરાદા વાયરા ઊઠો
કોહેલાં પાંદ ફૂલ ફેંકી નાખો રે ભાઈ કરમાતી કળીઓને ચૂંટો
થોડી થોડી વાર ભલે બુઝાતા દીવડા ચોર ધાડપાડ ભલે લૂંટો
ઓતરાદા વાયરા ઊઠો
છોને છૂંદાય મારી કૂણેરી કૂંપળો સૂસવતી શીત લઈ છૂટો
મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં ચીરો ચમકાટ એનો જૂઠો
ઓતરાદા વાયરા ઊઠો
ઊઠો કદરૂપ પ્રેતસૃષ્ટિના રાજવી ફરી એક વાર ભાંગ ઘૂંટો
ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા હુહુકાર સ્વરે કાળ ઊઠો
ઓતરાદા વાયરા ઊઠો
કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ રહેજે ચંદનની ગોદ સૂતો
નથી નથી પર્વ પુષ્પન્ધવાનું આજ ઘોર વિપ્લવના ઢોલડાં ધડૂકો
ઓતરાદા વાયરા ઊઠો
: 

No comments:

Post a Comment