Sunday, July 26, 2015

કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે ?
આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે !
જંગલોમાં જઈ કરે તપ એને ક્યાંથી હો ખબર?
શહેરની આ જિંદગી પણ એક ધૂણી હોય છે!
વાત માણસની સરળકોણી થશે ક્યારેય પણ ?
એ સદા બહુકોણી અથવા કાટખૂણી હોય છે !
હું ય માણસ છું, મને સ્વીકાર સૌ ભૂલો સમેત,
તું ય જાણે છે, કોઈ ક્યાં સર્વગુણી હોય છે !
આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,
હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે !
સુધીર પટેલ

No comments:

Post a Comment