Sunday, July 26, 2015

સૂરજની આંખમાં આંસુ ઊગ્યું એને ખરતા અંધારાનો ભાર સૂરજમુખીએ એનું આંસુ લૂછ્યું પછી છાનુંમાનું રોયું ચોધાર રેલાતાં તડકાના મોજામાં તરફડતી કોની આ કોરી શી લાગણી? અજવાળી, અશ્રુનાં પગલામાં ટળવળતી, સૂરજની ભીની શી માંગણી! સંધ્યાની ફોરમમાં ના'તા પડછાયામાં સૂરજનો નીતરતો ભાર સૂરજની આંખમાં આંસુ ઊગ્યું... આકાશી ચોકમાં તારલાઓ ટોળે મળ્યાં ચર્ચાતી વેદનાની વાત ચમકંતા ચાંદલાની શીતળ ઝળહળમાં પેલા સૂરજની ખડકાતી યાદ પીગળેલું અંધારું આંસુ બનીને પૂછે સૂરજને કેટલી છે વાર? સૂરજની આંખમાં આંસુ ઊગ્યું એને ખરતા અંધારાનો ભાર સૂરજમુખીએ એનું આંસુ લૂછ્યું પછી છાનુંમાનું રોયું ચોધાર

ગૌરાંગ દિવેટીયા

No comments:

Post a Comment