Tuesday, June 30, 2020

કમાડે ચીતર્યા મેં લાભ અને શુભ
અને આલેખ્યા શ્રી સવા પાને
સુખ આવશે અમારે સરનામે

તાબાના તરભાણે કંકુ લીધું
ને એમાં આચમની પાણીની ઢોળી
જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ
હળવે હળવેથી રહી ઘોળી
સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા
પછી કહેવાનું શું ય હોય ગામે ?
સુખ આવશે અમારે સરનામે

અવસરના તોરણિયા લીલું હસે
ને કહે : હૈયામાં હેત ભરી આવો
લાખેણી લાગણીઓ લ્હેરાતી જાય
કહે : લૂંટી લ્યો વ્હાલ ભર્યો લ્હાવો
મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી ક
દોડી આવી છું હું જ સામે
સુખ આવશે અમારે સરનામે

નાનુંશું આયખું, ને મોટેરી આશા
એમાં થઈ જાતી કેટલીય ભૂલ
ખીલવા ને ખરવાની વચ્ચે સુગંધ થઈ
જીવતાં જાણે છે આ ફૂલ
સંબંધાવું તો છે મ્હેક મ્હેક થાવું
એને મૂલવી શકાય નહીં આમે
સુખ આવશે અમારે સરનામે.
તુષાર શુક્લ

No comments:

Post a Comment