Sunday, December 21, 2014

આંખમાં દ્રશ્યોને રોપી, ટેરવે આતંક દઈ,
સ્વપ્ન ક્યાં ચાલી ગયું, આ વાણીપતનો જંગ દઈ
પૂર્ણતાથી અંત પર આવીને ઊભો છું હવે,
તું ઉગારી લે મને કોઈ નવો આરંભ દઈ
હે કૃપાળુ, અંત પર થોડીક તો તું કૃપા કર,
સ્પર્શથી પરખી શકે એવા તું એને રંગ દઈ
એ અખંડિત હોય ત્યારે કંઈ કરી શકતો નથી,
પણ જશન રોશન કરે હંમેશા એનો અંશ દઈ
આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર, આપણે,
તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ
મેં હુકમ સંચારબંધીનો ચડાવ્યો શીશ પર,
તેંય રાખી લાજ, મનમાં કંઇક રમતાં છંદ દઈ
એમ કંઈ અશરફને તું ભૂંસી નહીં શકશે કદી,
તારી લીલા કે પછી લટકા સ્વરુપે ધ્વંસ દઈ


- અશરફ ડબાવાલા

No comments:

Post a Comment